વિસનગર માર્ગ મકાનના ડી.આર.પટેલ વિરુધ્ધ અપ્રમાણસર મિલ્કતનો કેસ
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો(ACB)માં આવક કરતા વધુ મિલ્કત હોવાની અરજી થઈ હતી
એસીબીનુ આહ્વાન
કોઈ સરકારી અધિકારી કે કર્મચારી કામ અર્થે લાંચની માગણી કરે તો તેની જાણ એસીબી કચેરીના ટોલ ફ્રી નં.૧૦૬૪, ફોન નં.૦૭૯-૨૨૮૬૬૭૭૨, ફેક્સ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮ ઉપર કરવા નાગરીકોને આહ્વાન
- વિસનગર તાલુકાના કોઈ અધિકારી ઉપર અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધાયો હોવાનો પ્રથમ બનાવ
- નાયબ કાર્યપાલક ઈજનેરના વહીવટમાં વિસનગર શહેર અને તાલુકાના મોટા ભાગના હાઈવે રોડ તૂટી ગયા
ભાજપ સરકારમાં દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર એટલો ફૂલ્યો ફાલ્યો છેકે મુખ્યમંત્રી હોય કે કેબીનેટ મંત્રી પોતાના વિસ્તારમાં સરકારી અધિકારીઓની ગેરરીતી રોકી શકતા નથી. આવા અધિકારીઓ અને કર્મચારીઓના કારણે લોકો હેરાન પરેશાન થવા છતાં ભાજપના નેતાઓ કંઈ કરી શકતા નથી. ત્યારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોજ ભ્રષ્ટાચારી અધિકારીઓને શબક શિખવે છે. વિસનગર શહેર અને તાલુકામાં જેમના વહીવટ તળે હાઈવે રોડ ઉપર ખાડાથી લોકો હેરાન થઈ ગયા હતા તે માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ડી.આર.પટેલ વિરુધ્ધ અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધાતા તાલુકાના અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. શહેરમાં ભ્રષ્ટાચારનુ બીજુ એપી સેન્ટર હોય તો તે છે તાલુકા સેવા સદન. મામલતદાર સ્વચ્છ વહીવટની વાતો કરે છે જ્યારે વચોટીયા રાજ કરે છે. કોઈ અધિકારી કે કર્મચારી કાયદેસરની આવક કરતા વધારે મિલ્કત ધરાવતા હોય તો એસીબીમાં જાણ કરવાથી તેની તપાસ જરૂર થાય છે.
ભાજપ સરકારના નેતાઓનો બળાપો છેકે મહેસુલ અને માર્ગ મકાન વિભાગમાં મોટો ભ્રષ્ટાચાર થાય છે. તેમ છતા આ વિભાગોમાં ગેરરીતી થતી અટકતી નથી. જેમાં માર્ગ મકાન વિભાગમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફળવાય છે. આ ગ્રાન્ટમાંથી કદાચ ૬૦ ટકા જેટલુ પણ કામ થતુ નહી હોય. વિસનગર માર્ગ મકાન વિભાગ દ્વારા થતા રોડ અને હાઈવેના કામમાં વારંવાર ખાડા પડી જતા હોવાની ઘણા સમયથી ફરિયાદ હતી. ખાડા પડવાના કારણે લોકો હેરાન થઈ ગયા હતા. ખાડા પુરવાની રજુઆત થતી હતી ત્યારે મહેસાણા ચાર રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધી સીસી રોડ બનવાનો હોવાથી ડામરનુ પેચવર્ક કરવામાં સરકારના નાણાંનો ખોટો દુર્વ્યય થવાની નાયબ કાર્યપાલક ઈજનેર સુફીયાણી વાતો કરતા હતા. પરંતુ ભ્રષ્ટાચાર કરવાથી રોડ તૂટી જતા અને ખાડા પડતા લોકો હેરાન થઈ રહ્યા છે તેનો વિચાર કરતા નહોતા. ભ્રષ્ટાચાર કરવાથી સરકારી નાણાંનો દુર્વ્યય થતો હોવાનો વિચાર કરતા નહોતા.
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (છઝ્રમ્) દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ વર્ષ-૧૯૮૮ (સુધારા અધિનિયમ-૨૦૧૮) અંતર્ગત સરકારી અધિકારી કે કર્મચારી દ્વારા ગેરકાયદેસર રીત રસમો અપનાવી કે સત્તાનો દુર ઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ એકત્રિત કરવાના તેમજ પોતાના સગા સબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર જંગમ મિલ્કતોમાં રોકાણ કરવા બાબતે બેનામી સંપત્તી અંગેના ધી પ્રોહિબીશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન અંગેના વધુમાં વધુ ગુના શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. ત્યારે એસીબીમાં માર્ગ મકાન વિભાગ મહેસાણા વિસનગર પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ બે દિલીપકુમાર રતીલાલ પટેલ ઉર્ફે ડી.આર.પટેલ વિરુધ્ધ અપ્રમાણસર મિલ્કત વસાવ્યા અંગેની અરજી થઈ હતી. જે અરજી આધારે એસીબીએ તા.૧-૧-૨૦૧૩ થી તા.૩૧-૧૨-૨૦૨૨ ના સમય દરમ્યાન આ નાયબ કાર્યાલક ઈજનેરે કેટલી અપ્રમાણસર મિલ્કતો વસાવી તેની તપાસ થઈ હતી. જેમાં આ સમય દરમ્યાન ગેરકાયદેસર રીત રસમો અપનાવી કુલ રૂા.૩૭,૦૫,૫૧૭/- એટલે કે કાયદેસરની આવક કરતા ૧૬ ટકા વધુ અપ્રમાણસર મિલ્કતો વસાવી હોવાનુ બહાર આવ્યુ હતુ. આ મિલ્કતો પોતાના તથા પોતાના આશ્રિતોના નામે વસાવેલ હોવાનુ જણાતા આ નાયબ કાર્યપાલક ઈજનેર વિરુધ્ધ અપ્રમાણસર મિલ્કતનો આવક કરતા વધુ સંપત્તિ વસાવેલ હોવાનો મહેસાણા એસીબી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૭/૨૦૨૫, ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૩(૧)(ઈ), ૧૩(૨) તથા ભ્રષ્ટાચાર નિવારણ સુધારા અધિનિયમ-૨૦૧૮ ની કલમ ૧૩(૧)(બી) મુજબનો તા.૧૩-૧૧-૨૦૨૫ ના રોજ ગુનો દાખલ કરાયો હતો.
નાયક કાર્યપાલક ઈજનેર આર.ડી.પટેલ વિરુધ્ધ અરજી થતા તેની તપાસ મહેસાણા એસીબી પી.આઈ. એસ.ડી. ચાવડાએ કરી હતી. જ્યારે ગુનાની તપાસ એસીબી ગાંધીનગર એકમના ફિલ્ડ પી.આઈ. એચ.બી.ચાવડા કરશે. અને આ તપાસ ઉપર એસીબી ગાંધીનગર એકમના મદદનીશ નિયામક એ.કે.પરમાર સુપરવિઝન કરશે. નોધપાત્ર બાબત છેકે વિસનગરમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં કોઈ મીટીંગ હોય કે કાર્યક્રમ હોય ત્યારે નાયબ કાર્યપાલક ઈજનેર ડી.આર.પટેલ મંત્રીશ્રીની આગળ પાછળ ફરી મંત્રીશ્રીના નજીકના હોવાનો અન્ય અધિકારીઓ ઉપર રૂઆબ જમાવતા હતા. પરંતુ એસીબી આગળ કોઈનો રૂઆબ ચાલતો નથી.