ફોર્મ વિતરણની કામગીરી ૯૯ ટકા – જ્યારે ફોર્મનુ ડિઝિટલાઈઝનું કામ ૧૫ ટકા વિસનગરમાં ૨૦૦૨ની મતદારયાદીમાં નામ શોધવા ત્રણ હેલ્પ સેન્ટર
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં અત્યારે મતદારોને ૨૦૦૨ ની મતદારયાદીમાં ભાગ નંબર અને ક્રમ નંબર શોધવાની મોટામાં મોટી તકલીફ પડી રહી છે. બેઝ વર્ષ એટલેકે ૨૦૦૨ ની મતદારયાદીની સ્થિતિએ નવી મતદારયાદી બનાવવામાં આવી રહી છે. મતદારોને ૨૦૦૨ ના વોટર લીસ્ટની માહિતી મળી રહે તે માટે વિસનગરમાં ત્રણ હેલ્પ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. એન્યુમરેશન ફોર્મ ડિઝિટલાઈઝ કરવા પ્રાન્ત ઓફીસર વિકાસ રાતડાએ આઈટીઆઈના ટ્રેઈન ઓપરેટરો અને સુપરવાઈઝરની મદદ લીધી છે. જે બી.એલ.ઓ.ને એન્યુમરેશન ફોર્મ ડિઝિટલાઈઝ કરવામાં મદદ કરશે. ગણતરીના સમયમાં હવે ૪-૧૨-૨૫ સુધી ૧૦ દિવસ બાકી હોવાથી અત્યારે સમગ્ર તંત્ર એસ.આઈ.આર.ની પ્રક્રિયામાં લાગ્યુ છે. મતદારયાદીમાં નામ છે તો શુ થવાનુ છે તેવુ અનુમાન મતદારો માટે ભુલ ભરેલુ રહેશે. ૨૦૦૨ ની મતદારયાદીમાં નામ હોય કે છેલ્લે જે ચુંટણીમાં મતદાન કર્યુ હોય તે મતદારયાદીમાં નામ હોય, એન્યુમરેશન ફોર્મ બીએલઓ સુધી પહોચતુ થાય તે જવાબદારી મતદારોની છે.
– ૨૦૦૨ ના વોટર લીસ્ટ માટે મોટાભાગના મતદારો દ્વિઘામા – પ્રાન્ત ઓફીસર વિકાસ રાતડાએ મતદાર યાદી સુધારણામા સહયોગ માટે રાજકીય પક્ષો સાથે મીટીંગ કરી
ચુંટણી પંચની મતદાર યાદી સુધારણા અભિયાનમાં મતદારો ગાફેલ રહ્યા તો મતદાર યાદીમાંથી નામ નીકળી જવાની પુરેપુરી શક્યતા છે. એન્યુમરેશન ફોર્મમાં ત્રણ કોષ્ટક છે. જેમાં ઉપરનુ કોષ્ટક દરેકે ફરજીયાત ભરવાનુ છે. નીચે જમણી સાઈડ ૨૦૦૨ ની મતદારયાદીમાં જેમના નામ હોય તેવા મતદારોએ વિગત ભરવાની છે. જ્યારે ડાબી સાઈડમાં ૨૦૦૨ ની મતદારયાદીમાં નામ ન હોય તેવા મતદારોએ વિગત ભરવાની છે. દરેક મતદારોએ પોતાના વિસ્તારની મતદાર યાદીનો ભાગ નંબર અને ક્રમ નંબર લખવો ફરજીયાત છે. એન્યુમરેશન ફોર્મમાં આ નંબર લખ્યા હશે તોજ તેમનુ ફોર્મ ડિઝિટલાઈઝ થશે. બેએલઓ દ્વારા ૯૯ ટકા ફોર્મનુ વિતરણ થઈ ગયુ છે. જ્યારે ડિઝિટલાઈઝ કામગીરી ૧૫ ટકા પહોચી છે. મતદારોને ૨૦૦૨ ની મતદાર યાદીમાં ભાગ નંબર તથા ક્રમ નંબર મેળવવામાં મુશ્કેલી પડતી હોવાથી પાલિકા ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીએ જણાવ્યુ છેકે, ૨૦૦૨ ની મતદારયાદીમાં નામ શોધવા ફતેહ દરવાજા સીટી સિવિક સેન્ટર, ગૌરવપથ રોડ ઉપર પાલિકા ભવન, તેમજ તાલુકા સેવા સદનમાં હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ હેલ્પ સેન્ટરમાં મતદાર ગુજરાતના હોય કે પરપ્રાંતના હોય કંઈ વિધાનસભા સીટમાં નામ છે તે જણાવશે તો ઓપરેટરો શોધી આપશે. સીટી સિવિક સેન્ટરમાં ૬ ઓપરેટરો મતદારોની મદદ માટે કાર્યરત છે. મતદાર ફોર્મ ભરી શકે તેમ ન હોય તો ફોર્મ પણ ભરી આપવામાં આવશે. ૨૦૦૨ ની મતદારયાદીમાં નામ હોય તેમને કોઈ ડૉક્યુમેન્ટ આપવાના નથી. ૨૦૦૨ ની મતદારયાદીમાં નામ ન હોય તેમને માતા-પિતા કે દાદા-દાદીની વાલીની વિગત લખવાની છે. પરત આવેલા ફોર્મ ડિઝિટલાઈઝ કરવાની કામગીરી ૧૫ ટકા થઈ છે. ગામતળના વિસ્તારમાં રહેતા હોય તે સીટી સિવિક સેન્ટરની અને ત્રણ દરવાજા ટાવરની બહારના વિસ્તારમાં રહેતા હોય તે પાલિકા ભવનના હેલ્પ સેન્ટરની મદદ લઈ શકે છે.
મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં યોગ્યતા ધરાવતા મતદાર રહી ન જાય તે માટે પ્રાન્ત ઓફીસર વિકાસ રાતડા સતત દેખરેખ રાખી રહ્યા છે. પ્રાન્ત ઓફીસરની અધ્યક્ષતામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે મીટીંગનુ આયોજન થયુ હતુ. જેમાં મતદારયાદી સુધારણામાં સહયોગ આપવા જણાવ્યુ હતુ. ફોર્મ ડિઝિટલાઈઝ કરવામાં બીએલઓ મુંજવણમાં છે. ફોર્મ ડિઝિટલાઈઝમાં સર્વર ડાઉન હોવાની પણ બીએલઓની ફરિયાદ છે. ત્યારે પરત આવેલા ફોર્મ ઝડપી ડિઝિટલાઈઝ થાય તે માટે આઈટીઆઈના ૩૦ જેટલા ટ્રેઈન સ્ટુડન્ટ ઓપરેટરોની મદદ લેવામાં આવી છે.
સરકારની આવી કામગીરીમાં હંમેશા મુદત વધારવામાં આવતી હોય છે. પરંતુ મતદારોની આ વખતે મુદત વધારાની માન્યતા ખોટી ઠરશે. કારણકે ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશના ઘુસણખોરો હોવાથી તેમજ ખોટી રીતે મતદારયાદીમાં નામ હોવાથી ચુંટણી પંચ કોઈ તક આપવા માગતુ નથી. પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ઝડપી થાય તે રીતે પ્રક્રિયા ચાલી રહી છે. જેથી કોઈ એક રાજ્યને મુદતમાં વધારો કરી આપવામાં આવે તો બીજા રાજ્યોમાં પણ મુદત વધારો કરવો પડે. જેથી તા.૪-૧૧ થી ૪-૧૨ સુધીમાંજ સરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.