Select Page

ખાતર લેવા જતા ફરજીયાત નેનો યુરીયાની બોટલ પધરાવતા રોષ વિસનગરના ખેડૂતોને સહાયના ફોર્મ ભરવામાં ભારે હાલાકી

ખાતર લેવા જતા ફરજીયાત નેનો યુરીયાની બોટલ પધરાવતા રોષ વિસનગરના ખેડૂતોને સહાયના ફોર્મ ભરવામાં ભારે હાલાકી

પાકને નુકશાનીના સહાયના ફોર્મ ભરવા માટે અત્યારે વિસનગર પાલિકા વિસ્તારના ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોના સમયનો વ્યય થાય છે સાથે સાથે ઉતારામાં પણ લુંટાઈ રહ્યા છે. તાલુકાના જે પાંચ ગામમાં સેન્ટર ફળવાયા છે તેની જગ્યાએ તાલુકા સેવા સદન કે તાલુકા પંચાયતમાં સેન્ટર ફાળવવા માગણી કરવામાં આવી છે. શિયાળુ પાક માટે ખેડૂત ખાતર લેવા જાય ત્યારે નેનો યુરીયાની બોટલ ફરજીયાત આપતા તેનો પણ ખેડૂતોમાં ભારે રોષ છે.
તાલુકા સેવા સદનમા ઉતારાના પેજના પાંચ રૂપિયા લેવાય છે
જ્યારે ગામડામાં પેજના રૂા.૨૦ આપવા ખેડૂતો મજબૂર
કમોસમી વરસાદના કારણે ખેતરમાં તૈયાર પાકને ભારે નુકશાન થતા સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવા માટેના ફોર્મ લેવામાં આવી રહ્યા છે. વિસનગર શહેર પાલિકા વિસ્તારમાં એવા ઘણા ખેડૂતો છેકે જે ખેતી કરે છે અને કમોસમી વરસાદના કારણે નુકશાન સહન કર્યુ છે. વિસનગરના ખેડૂતોને સહાયના ફોર્મ ભરવા કુવાસણા, સેવાલીયા, સદુથલા, સુંશી અને થલોટા એમ પાંચ સેન્ટર ફાળવવામાં આવ્યા છે. અત્યારે શિયાળાની ખેતીની ઋતુમા ખેડૂતોને સમય બગાડી શહેરમાં ઓફીસો હોવા છતા તાલુકાના ગામડામાં ફોર્મ ભરવા જવુ પડે છે. મહત્વની બાબત તો એ છેકે વિસનગર તાલુકા સેવા સદનમાં ૭/૧૨ અને ૮-અ ના ઉતારા માટે એક પેજનો પાંચ રૂપિયા ફી લેવામાં આવે છે. જ્યારે ગામડામાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર ઉતારાના એક પેજના રૂા.૨૦ ફી વસુલે છે. ખેડૂત સહાય જાહેર કર્યા બાદ સરકાર દ્વારા સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે ફોર્મ ભરતા એક પણ રૂપિયો આપવો નહી. જ્યારે ફોર્મ ભરવાના રૂા.૩૦ ચાર્જ વસુલવામાં આવે છે. વિસનગરના ખેડૂતોના સમયનો વ્યય થઈ રહ્યો છે અને સાથે સાથે ઉતારા કઢાવવામાં તથા ફોર્મ ભરવામાં લુંટાઈ રહ્યા છે. વિસનગરના ખેડૂતો માટે સહાયના ફોર્મ ભરવા તાલુકા સેવાસદન કે તાલુકા પંચાયતમાં સેન્ટર ફાળવવા માગણી કરવામાં આવી છે.
કમોસમી વરસાદના કારણે તૈયાર પાકને નુકશાન થતા ખેડૂતોના મોંમા આવેલો કોળીયો છીનવાયો હોવાથી ખેડૂતો શિયાળુ ખેતી માટે મહેનત કરી રહ્યા છે. ત્યારે વિસનગરમાં ખેડૂતો યુરીયા કે ડીએપી ખાતર લેવા જાય તેમાં પણ લુંટાઈ રહ્યા છે. ગંજબજારમાં ખાતરવાળી લાઈનમાં ખેડૂત ખાતરની થેલી લેવા જાય તો રૂા.૨૦૦ ની કિંમતની નેનો યુરીયાની બોટલ ફરજીયાત પધરાવવામાં આવે છે. એક જાગૃત ખેડૂતે આ બાબતે માર્કેટયાર્ડના ચેરમેનનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા ફોન રીસીવ થયો નહોતો. ખેડૂતે માર્કેટયાર્ડના સેક્રેટરી અમીતભાઈ પટેલનો સંપર્ક કરતા જણાવ્યુ હતુ કે, કંપનીવાળા વેપારીઓને બોટલો આપતા હોવાથી, વેપારીઓ ખેડૂતોને બોટલ આપવા આગ્રહ કરે છે. બોટલ ફરજીયાત લેવી તેવો સરકારનો પરિપત્ર નથી. ખેડૂત સાથેની ચાલુ વાતચીતમાં સેક્રેટરીએ તાલુકા સંઘના ચેરમેન મહેન્દ્રભાઈ ચૌધરીને ફોન આપતા તેમણે જણાવયુ હતું કે, ખાતરની થેલી સાથે બોટલ આપવાની ફરજ પાડી શકાય નહી. રૂબરૂ મળજો તો વ્યવસ્થા કરી આપીશુ. સંઘના ચેરમેનના જવાબ પ્રમાણે ખાતરની થેલી સાથે નેનો યુરીયાની બોટલ લેવી તે ફરજીયાત નથી છતા ખેડૂતોને બોટલ લેવા મજબુર બનવુ પડે છે.