રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉનની પ્રશંસનીય સમાજ સેવા રોટરી અક્ષય રથ પ્રસંગમાં વધેલુ ભોજન પહોંચાડી ભુખ્યાની જઠરાગ્નિ ઠારશે
ભુખ્યાને ભોજન આપવુ કે પહોચાડવુ તેનાથી બીજુ માનવ સેવાનુ ઉત્તમ કાર્ય બીજુ કોઈ ન હોઈ શકે. પ્રસંગોમાં વધેલા ભોજનની અન્ય વ્યવસ્થા નહી હોવાથી તેનો નીકાલ કરવામાં આવે છે. હવે રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન પરિવાર દ્વારા જે સેવા શરૂ કરવામાં આવી રહી છે તેનાથી પ્રસંગમાં વધેલા ભોજનનો નાશ કરવો પડશે નહી અને ભુખ્યાની જઠરાગ્નિ ઠારશે. રોટરી અક્ષય રથનો સંપર્ક કરવાથી પ્રસંગમાં વધેલુ ભોજન લઈ જવામાં આવશે. હાલ પૂરતુ આ સેવા વિસનગર ઉપરાંત્ત કાંસા, પાલડી, સુંશી અને સદુથલા ગામ પૂરતી મર્યાદીત રાખવામાં આવી છે. રોટરી રાઉન્ડ ટાઉનનો આ પ્રોજેક્ટ ખરેખર આવકારદાયી પ્રશંસનીય છે. જેમાં સહકાર આપવો એ તમામની ફરજ બની રહી છે.
પ્રસંગોમાં વધેલા ભોજન માટે કોઈ યોગ્ય સેવા નહી હોવાના કારણે અત્યાર સુધી તેનો વ્યય થતો હતો. પરંતુ રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન પરિવાર હવે જે પ્રોજેક્ટ શરૂ કરી રહ્યો છે તેનાથી પ્રસંગમાં વધેલા ભોજનનો સદ્ઉપયોગ થશે. રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા સામાજીક સેવાની ઉમદા ભાવનાથી રોટરી અક્ષયરથ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. લગ્ન પ્રસંગ, ધાર્મિક કે સામાજીક કાર્યક્રમોમાં ભોજન વધતુ હોય છે. આ વધેલો સ્વચ્છ ખોરાક એકત્ર કરી સમાજના જરૂરીયાતમંદ લોકો સુધી સન્માનપૂર્વક પહોચાડવાનો આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ છે. અન્નદાન મહાદાનની ભાવનાથી શરૂ થતો આ પ્રોજેક્ટ જરૂરીયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ બનશે. પ્રોજેક્ટનુ ઉદ્ઘાટન તા.૨૩-૧૧-૨૦૨૫ ને રવિવારના રોજ થશે. ત્યારબાદ આજ સોમવારથી રોટરી અક્ષયરથની સેવા કાર્યરત થશે.
હાલ પૂરતુ વિસનગર શહેર ઉપરાંત્ત કાંસા, પાલડી, સુંશી, સદુથલા ગામ પૂરતી મર્યાદીત સેવા
પ્રસંગમાં વધેલુ ભોજન સ્વિકારવા અંગેના પણ સંસ્થા દ્વારા ખાસ સુચનો કરવામાં આવ્યા છે. ૫૦ વ્યક્તિઓથી વધુ માટે ભોજન વધેલુ હશે તોજ અક્ષયરથ લેવા માટે આવશે. વધેલા ભોજનમાં દાળ સાથે ભાત તેમજ શાક સાથે પુરી કે રોટલી હશે તોજ સ્વિકારવામાં આવશે. ફૂડ પોઈજનીંગ થાય તેવી આઈટમ દૂધની મીઠાઈ, દૂધની અન્ય બનાવટ, કેરીનો રસ સ્વિકારવામાં આવશે નહી. વધેલુ ભોજન આપનાર જવાબદાર વ્યક્તિનુ નામ મોબાઈલ નંબર સ્થળ અને સરનામુ જણાવવાનુ રહેશે. રાત્રે ૮-૦૦ વાગ્યા સુધી સંપર્ક કરનારનુજ ભોજન લેવામાં આવશે. મહત્વની બાબત એ છેકે હાલ પૂરતી આ સેવા વિસનગર શહેર ઉપરાંત્ત કાંસા, પાલડી, સુંશી અને સદુથલા ગામ પૂરતી મર્યાદીત રાખવામાં આવી છે. પ્રસંગમાં વધેલુ ભોજન આપવા મો.નં.૭૬૦૦ ૯૯૬૪૩૪ ઉપર સંપર્ક કરી શકાશે.
ક્લબના પ્રમુખ મહેન્દ્રભાઈ એસ.પટેલ, મંત્રી રમેશભાઈ બી.પટેલ પ્રોજેક્ટ ચેરમેન જે.એસ.પટેલ તથા ક્લબના સભ્યોના સહકારથી જરૂરીયાતમંદોને પ્રસંગમાં વધેલુ ભોજન ભુખ્યાજનો સુધી પહોચાડવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. રોટરી અક્ષયરથ પ્રોજેક્ટ બાબતે સમર્થ ડાયમંડવાળા ગોવિંદભાઈ પટેલે જણાવ્યુ છેકે, અન્ય શહેરોમાં જ્યા આવી સેવા કાર્યરત છે તેમનો રૂબરૂ સંપર્ક કરીને તેમના અનુભવો આધારે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ કાર્યરત રાખવા માટેનો વાર્ષિક ખર્ચ પણ પાંચ લાખ રૂપિયા જેટલો છે. પરંતુ દાતાઓની નગરી વિસનગરમાં સમાજ સેવાના પ્રોજેક્ટોને ક્યારેય તકલીફ પડતી નથી.