પ્રાન્ત અધિકારી વિકાસ રાતડાની અધ્યક્ષતામાં વિસનગરમાં ટ્રાફિક મુદે સમીક્ષા બેઠક મળી
વિસનગરમાં આઈ.ટી.આઈ ફાટક પાસે ઓવરબ્રિજ સહિત શહેરમાં વિવિધ વિકાસકામોની કામગીરી ચાલી રહી છે.જેના કારણે શહેરના દરેક માર્ગો ઉપર ટ્રાફિકની ગંભીર સમસ્યા ઉભી થતા આ મુદ્દે ગત શનિવારે પ્રાન્ત અધિકારી વિકાસ રાતડાની અધ્યક્ષતામાં કમીટીની સમીક્ષા બેઠક મળી હતી. જેમાં
એમ.એન. કોલેજનો
વરંડો તોડી રસ્તો કાઢવાના બદલે અન્ય બીજો વૈકલ્પિક રસ્તો કરવાનો નિર્ણય કર્યો હતો.આ ઉપરાંત વાહનોના પાર્કિંગ અને શાકભાજીની લારીઓવાળા માટે કઈ જગ્યાએ શું વ્યવસ્થા કરવી તેની ચર્ચા કરવામાં આવી હતી.
વિસનગર શહેરમાં આઈ.ટી.આઈ રેલ્વે ફાટક પાસે ઓવરબ્રિજ તેમજ શહેરમાં ગટરલાઇન, રોડ સહિતના વિકાસકાર્યોનું કામ ચાલતું હોવાથી શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. શહેરમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા અગાઉ કેબીનેટમંત્રી ઋષિભાઇ પટેલની અધ્યક્ષતામાં વેપારીઓ અને આગેવાનોની મિટિંગ મળી હતી.આ મિટિંગમાં ટ્રાફિક સમસ્યાનો વૈકલ્પિક ઉકેલ લાવવા વેપારીઓ અને આગેવાનોએ પોતાના મંતવ્યો આપ્યા હતા.ત્યારબાદ શહેરના વેપારીઓ,આગેવાનો અને અધિકારીઓની ટ્રાફિક સહિતના મુદ્દે દશ સભ્યોની એક કમીટી બનાવી દર મહિને બીજા અને ચોથા શનિવારે સમીક્ષા બેઠક કરવા મંત્રીશ્રીએ પ્રાન્ત અધિકારીને સૂચન કર્યું હતું.ત્યારે ગત તા.૨૯-૧૧ ને શનિવારના રોજ પ્રાન્ત અધિકારી વિકાસ રાતડાના અધ્યક્ષસ્થાને નગરપાલિકાના હોલમાં અધિકારીઓ,પદાધિકારીઓ અને વેપારીઓની કમિટીની સમીક્ષા બેઠક મળી હતી.આ બેઠકમાં વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ એકાઉન્ટન્ટ એ શહેરમાં જીયુડીસી દ્વારા નાખવામાં આવતી ગટરલાઇનનું કામ હલકી ગુણવત્તાનું અને તેમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કરતા જીયુડીસીના
અધિકારીઓને પરસેવો છૂટી ગયો હતો.
ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલનો જીયુડીસી દ્વારા શહેરમાં નાખવામાં આવતી ગટરલાઈનનું કામ હલકી ગુણવત્તાનું થતું હોવાનો આક્ષેપ
ભરતભાઈએ જીયુડીસીના જવાબદાર અધિકારી વિરુદ્ધ હાઈકોર્ટમાં જવાની ચીમકી આપતા કમિટીના અન્ય સભ્યોએ તેમને સમર્થન આપ્યું હતું.જ્યારે બંસલમોલ બાજુથી એમ.એન.કોલેજનો વરંડો તોડી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાના નિર્ણયનો વિરોધ થતા હવે વૈકલ્પિક રસ્તો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે કડક કાર્યવાહીની ખાત્રી આપી હતી.જ્યારે પાલિકા ચીફ ઓફિસર પાર્થકુમાર ત્રિવેદીએ નગરપાલિકા દ્વારા તાલુકા પંચાયત પાસે અને આદર્શ સ્કૂલ સામેની ખુલ્લી જગ્યામાં શાકભાજીની લારીઓવાળાઓ માટે વ્યવસ્થા કરવાનું કામ ચાલુ હોવાનું જણાવ્યું હતું. આ બેઠકમાં વિસનગર ડી.વાય.એસ.પી. દિનેશસિંહ ચૌહાણ,ચીફ ઓફિસર પાર્થકુમાર ત્રિવેદી,એપીએમસીના ચેરમેન જ્યંતિભાઇ પટેલ, માર્ગ અને મકાન વિભાગ, જીયુડીસી વિભાગના અધિકારીઓ,વેપારી મંડળના અગ્રણી રાજુભાઈ પટેલ આર.કે,ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ જગદીશભાઈ પટેલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ ગળિયા,કિર્તીભાઇ પટેલ કલાનિકેતન, એપીએમસીના ડિરેક્ટર પરેશભાઈ પટેલ,પ્રવિણભાઈ ચૌધરી, ઈશ્વરલાલ નેતા સહિત વેપારી અગ્રણીઓ હાજર રહ્યા હતા.આ સમીક્ષા બેઠક પૂર્વે પ્રાંત અધિકારી વિકાસ રાતડાએ શહેરમાં કઈ કઈ જગ્યાએ વધુ ટ્રાફિક સમસ્યા છે અને તેના ઉકેલ માટે હાલમાં શું કરવું જોઈએ તેની ચર્ચા કરી હતી. પ્રાન્ત અધિકારીએ ટ્રાફિક નિયંત્રણની કામગીરીમાં વહીવટીતંત્રને સહયોગ આપવા વેપારીઓ અને વાહનચાલકોને અપીલ કરી હતી.આ બેઠકમાં અનિવાર્ય કારણોસર પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ હાજર રહી શક્યા નહોતા.