વિસનગરમાં ટેકાના ભાવે થતી કપાસની ખરીદીમાં ગોલમાલનો આક્ષેપ
- જીનના માલિકો બહારથી કપાસની ખરીદી કરીને ખેડૂતો પાસેથી ઉતારા લઈને સીસીઆઈ કેન્દ્રોમાં ટેકાના ભાવે વેચી મારે છે.અમે ખેડૂતોના હિતનું વિચારીએ છીએ-એપીએમસી ડિરેક્ટર રાજીવભાઈ પટેલ
વિસનગર માર્કેટયાર્ડમાં બુધવારે સવારે કપાસની હરાજી ચાલી રહી હતી તે દરમિયાન
માર્કેટયાર્ડમાં કપાસની ખરીદી કરતા કેટલાક જીનના વેપારીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે સી.સી.આઈ સેન્ટરમાં ટેમ્પા અને ટ્રકોમાં કપાસનો માલ ઉતારવામાં આવે છે. જીનના વેપારીઓના આક્ષેપથી માર્કેટયાર્ડમાં બપોર પછી કપાસની હરાજી પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી.આ અંગે જીનના એક વેપારીએ જણાવ્યું હતું જિનના કેટલાક માલિકો ખેડૂતો પાસેથી નીચા ભાવે માલ લઈ સી.સી.આઈના કેન્દ્રોમાં ઊંચા ભાવે બારોબાર વેચી મારે છે.સી.સી.આઈના અધિકારીઓ અને માર્કેટયાર્ડમાં પેઢી ધરાવતા જીનના કેટલાક માલિકોની મિલીભગતથી કપાસની ખરીદી કરતા બીજા વેપારીઓને આર્થિક નુકશાન થતું હોવાનો પણ આક્ષેપ થયો હતો.
સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં સીસીઆઈ કેન્દ્રો શરૂ કર્યા છે.જેમાં વિસનગર શહેરમાં વડનગર રોડ ઉપર અલ્ટ્રા કોટન,વિજાપુર રોડ ઉપર માઁ કોટન અને મહેસાણા રોડ ઉપર શિવમ કોટન એમ ત્રણ અલગ સીસીઆઈ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વિસનગર સહિત આજુબાજુના તાલુકાના ખેડૂતો ઑનલાઇન રજિસ્ટ્રેશન કરી ટેકાના ભાવે કપાસનો માલ વેચી રહ્યા છે.વિસનગર માર્કેટયાર્ડમાં બુધવારે સવારે કોટનશેડમાં કપાસની હરાજી પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન ખેડૂતો પાસેથી નિયમિત કપાસની ખરીદી કરતા આઠથી દસ વેપારીઓએ વિરોધ કર્યો હતો.જેમાં માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા જિનના એક વેપારીએ રોષ સાથે જણાવ્યું હતું કે ગંજબજારમાં પેઢી ધરાવતા જીનના કેટલાક માલિકો કપાસની હરાજીમાં ભાગ લઈ ટેમ્પા અને ટ્રકોમાં સીસીઆઈ કેન્દ્રોમાં માલ ઉતારી રહ્યા છે.વેપારીના આક્ષેપ બાદ બપોરે દોઢ વાગ્યે કપાસની હરાજી પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી.ત્યારે વેપારીઓએ જણાવ્યું હતું કે સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે તેમાં ખેડૂતો સીધેસીધા કપાસ વેચાણ કરવા જાય તો અમને કોઇ વાંધો નથી. પરંતુ વિસનગર માર્કેટયાર્ડમાંથી જીનના કેટલાક માલિકોે ખેડૂતો પાસેથી હરાજીમાં ભાગ લઇ માલ ખરીદી બારોબાર સીસીઆઈ કેન્દ્રમાં વેચી રહ્યા છે.તેમાં કેટલીક જિનના માલિકો અને અધિકારીઓની મિલીભગત હોવાનો આક્ષેપ કરી તેની તપાસ કરવા માગણી કરી છે. આ અંગે ગંજબજારના વેપારી અને એપીએમસીના ડિરેક્ટર રાજીવભાઈ પટેલે જણાવ્યું હતું કે જીનના માલિકો બહારથી કપાસની ખરીદી કરીને ખેડૂતો પાસેથી ઉતારા લઈને સીસીઆઇ કેન્દ્રોમાં ટેકાના ભાવે વેચી મારે છે.ટેકાના ભાવે થતી ખરીદીમાં સીસીઆઇના અધિકારીઓ અને જીનના માલિકોની મિલીભગત હોવાની શંકા વ્યક્ત કરી હતી.આ કપાસની ખરીદીમાં એપીએમસીની કોઈ ભૂમિકા નથી.એપીએમસી કમિટીએ કાયમ ખેડૂતોના હિતમાં નિર્ણયો લીધા છે .જ્યારે વિસનગર એપીએમસીના ચેરમેન જ્યંતિભાઇ પટેલે જણાવ્યું હતું કે એપીએમસીએ હંમેશા ખેડૂતોના હિતમાં જ કામ કર્યું છે.ખેડૂતોને કપાસની ખરીદીમાં ટેકાના ભાવ આપવા પ્રયત્નો કર્યા છે.આતો જીનના બીજા માલિકો ખેડૂતો પાસેથી નીચા ભાવે કપાસની ખરીદી નહીં કરી શકતા ખોટો વિવાદ ઉભો થયો હતો.ટેકાના ભાવે થતી કપાસની ખરીદીમાં ખેડૂતોને આર્થિક મોટો ફાયદો થયો છે.