ITI ફાટક પાસે સર્વિસ રોડની રીક્ષા એસો.ની રજૂઆત
ફરીને જવાના કારણે આર્થિક નુકશાન થતુ હોવાની નારાજગી
બ્રીજનુ જ્યાં કામ ચાલતુ હોય ત્યા દરેક જગ્યાએ સેફ્ટી માટે પતરા લગાવી બાજુમા સર્વિસ રોડની સુવિધા આપવામા આવે છે. ફક્ત વિસનગરમા જી.યુ.ડી.સી દ્વારા બનાવવામા આવતા ઓવરબ્રીજમા સર્વિસ રોડની વ્યવસ્થા કરવામા નહી આવતા ટ્રાફીક સમસ્યા વધી છે. રીક્ષા ચાલકોને ફરીને જવુ પડતુ હોવાથી ટ્રાફિકમા સમય અને બળતળનો વ્યય થતો હોવાથી ફાટકની બાજુમા સર્વિસ રોડ માટે મુખ્યમંત્રી અને કેબીનેટ મંત્રીને રજૂઆત કરવામા આવી છે. સર્વિસ રોડ માટેની રજૂઆત ઘણા સમયથી છે. પરંતુ અકસ્માતનો ભય હોવાનુ જણાવી જીયુડીસી ગેરમાર્ગે દોરતા તંત્ર સર્વિસ રોડ બાબતે વિચાર કરતુ નથી.
આઈટીઆઈ ફાટક ઓવરબ્રીજ નિર્માણના કારણે રસ્તો બંધ કરવામા આવતા શહેરમા ટ્રાફીકની જે સમસ્યા સર્જાય છે તેનો તંત્ર દ્વારા વિચાર કરવામા આવતો નથી. મોટાભાગના શહેરોમા જ્યા બ્રીજનુ કામ ચાલતુ હોય ત્યા સર્વિસ રોડની વ્યવસ્થા કરવામા આવે છે. બ્રીજના કારણે રોડ બંધ હોવાથી ખાસ કરીને શહેરના રીક્ષા ચાલકોના ધંધા ઉપર માઠી અસર પડી છે. વિસનગર શહેર રીક્ષા ડ્રાઈવર વેલ્ફેર એસો.દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને રજૂઆત કરવામા આવી છે કે ફાટકનો રસ્તો બંધ કરવામા આવતા એમ.એન.કોલેજ રોડ સવાળા દરવાજા વિસ્તારમા ટ્રાફીક ખુબ વધી ગયો છે. ટ્રાફીકના કારણે રીક્ષા ડ્રાઈવરોના ધંધા ઉપર માઠી અસરો થઈ છે. સ્કુલથી છુટતા બાળકોને સમયસર ઘરે પહોચાડી શકતા નથી અને ઉતાવળ કરવા જાય તો અકસ્માતની સંભાવના રહે છે. રજૂઆતમા જણાવ્યુ છ ેકે જ્યાં બ્રીજનુ નિર્માણ ચાલતુ હોય ત્યાં બાજુમા વૈકલ્પીક રસ્તાની વ્યવસ્થા કરવામા આવે છે. પતરાના ગાર્ડ લગાવી ટ્રાફીક માટે સર્વિસ રોડ બનાવવામા આવે તો ટુ વ્હીલર થ્રી વ્હીલર અને નાના વાહનો પસાર થઈ શકે. આ રોડ ઉપરથી પાંચ જેટલી શાળાના બાળકોની અવર જવર રહે છે. સર્વિસ રોડ નહી હોવાથી બાળકોને સમયસર પહોચાડી શકાતા નથી. રસ્તો બંધ હોવાથી ફરીને જવાના કારણે સમય અને પેટ્રોલ તથા ગેસનો પણ વ્યય થાય છે. ફરીને જવામા ભાડુ વધારે થતુ હોવાથી પેસેન્જરો ઉપર પણ ભારણ વધ્યુ છે. સર્વિસ રોડ બનાવી જિલ્લા કલેકટર નાના વાહનોની અવર જવરની મંજૂરી આપે તો શહેરમા પણ ટ્રાફીકનુ ભારણ ઘટે તેમ છે. વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે સર્વિસ રોડ બને તેવો પ્રયત્ન કરવા રીક્ષા એસો.ની માગણી છે.