Select Page

નિયમનકારી સંસ્થાઓ અસરકારક નહી હોય તો ખાનગી ક્ષેત્રની કંપનીઓ બેફામ બનશે ઈન્ડીગોની કટોકટી ઉપરથી શબક શીખવો જોઈએ કે, ખાનગીકરણનો મોહ ભારે પડી શકે

નિયમનકારી સંસ્થાઓ અસરકારક નહી હોય તો ખાનગી ક્ષેત્રની કંપનીઓ બેફામ બનશે ઈન્ડીગોની કટોકટી ઉપરથી શબક શીખવો જોઈએ કે, ખાનગીકરણનો મોહ ભારે પડી શકે

તંત્રી સ્થાનેથી…
દેશના લોકો જેની સાથે જોડાયેલા છે તે સરકારના વિવિધ વિભાગોનુ ખાનગીકરણ કરવાનો મોહ ઈન્ડીગોની કટોકટી જોઈને કદાચ ઓછો થવો જોઈએ. વડાપ્રધાન મોદીની સરકારમાં ભારત દેશનો જે વિકાસ થયો છે તેની વિશ્વના દેશોએ નોંધ લીધી છે. પરંતુ એનડીએને ખાનગીકરણનુ જે ભૂત વળગ્યુ છે તે દેશના લોકોને પરેશાન કરી શકે છે. દેશમાં ઉડ્ડયન સેવાઓનુ નિયમન કરતી સંસ્થા ડીજીસીએ પાયલોટ માટે આરામના કલાક વધારવા માટે નિયમો લાગુ કર્યા. જેના માટે બે વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. દેશની અન્ય એરલાઈન્સે ડીજીસીએના આ નિર્ણયનો અમલ કર્યો, જ્યારે ઈન્ડીગો એરલાઈન્સે ડીજીસીએના નિર્ણયને અવગણી એવી પરિસ્થિતિ ઉભી કરી કે ડીજીસીએને પોતાના નિયમોનો અમલ મુલત્વી રાખવાની ફરજ પડી. જેના કારણે વિશ્વમાં ચોથા નંબરનુ અર્થતંત્ર ધરાવતુ ભારત એવિવેશન ક્ષેત્રની વહિવટી ગરબડથી બદનામ થયુ. ઈન્ડીગોની મનમાનીથી આ એરલાઈન્સની અસંખ્ય ફ્લાઈટ રદ થઈ અને લાખ્ખો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. દેશના મુસાફરોનો સમય અને નાણાંનો બગાડ થયો એટલુજ નહી પરંતુ મહત્વપૂર્ણ કાર્યમાં પણ વિક્ષેપ પડ્યો. કેટલાક પરીક્ષા ચુકી ગયા, કેટલાક ઈન્ટરવ્યુ, મહત્વપૂર્ણ મીટીંગ અથવા અન્ય કામ ચુકી ગયા. લગ્નની મોસમ હોવાથી અસંખ્ય લોકો લગ્ન પ્રસંગમાં પહોચીં શક્યા નહી. લાખો હવાઈ મુસાફરોને જે રીતે નાણાંકીય, શારીરીક અને માનસિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તેનુ મૂલ્યાંકન કરવુ મુશ્કેલ છે. જે મુસાફરોને પહોચ્યા વગર છુટકો નહોતો તેમને ટીકીટના રેગ્યુલર દર કરતા અનેકઘણું ભાડુ ચુકવવુ પડ્યુ. ઈન્ડીગોએ વિમાન સેવાઓ રદ કરી એવી પરિસ્થિતિ ઉભી કરી કે ડીજીસીએને રીતસરની શરણાગતિ સ્વિકારવી પડી. ઈન્ડીગોએ ડીજીસીએને સાષ્ટાંગ કરાવવા તેના બજાર હિસ્સાનો દુર ઉપયોગ કર્યો. ઈન્ડીગોની આ જોહુકમીથી દેશની નિયમનકારી સંસ્થાજ નહી પરંતુ સરકારને પણ બદનામ થવુ પડ્યુ છે. ડીજીસીએને નમવુ એ ભારત સરકારને નમવુ બરોબર છે. મોદી સરકારે સમજવુ જોઈએ કે ઈન્ડીગોની ઘટનાએ એક મજબૂત સરકાર તરીકેની છબીને નુકશાન પહોચાડ્યુ છે. લાખો મુસાફરો દ્વારા સામનો કરવામાં આવેલા સંકટથી દેશની પણ એટલીજ બદનામી થઈ છે. દેશના ખાનગી ક્ષેત્રો નિયમોનુ પાલન કરે છે કે નહી તેના માટે નિયમનકારી સંસ્થાઓ કામ કરી રહી છે. દુર્ભાગ્યપૂર્ણ બાબત તો એ છેકે ઈન્ડીગો નિર્ધારીત નિયમોનુ પાલન કરે છેકે નહી તે જોવાની ડીજીસીએ કોઈ તસ્દી લીધી નથી. એનડીએ સરકાર દેશમાં ખાનગીકરણ તરફ આગળ વધી રહી છે. આવા સમયે જો એર ઈન્ડીયાનુ ખાનગીકરણ થયુ ન હોત અને સરકાર હસ્તક હોત તો ઈન્ડીગો કટોકટીમા જે મોંઘા ભાવની ટીકીટ ખરીદવી પડી તે પરિસ્થિતિ ઉદ્‌ભવી ન હોત. એર ઈન્ડીયા સરકાર હસ્તક હોત તો આવી કટોકટીમાં વધારાની ફ્લાઈટના શિડ્યુલ્ડ ગોઠવી શકાયા હોત. રઝળી પડેલા લાખ્ખો મુસાફરોને નહી પરંતુ હજ્જારો મુસાફરોને એર ઈન્ડીયાનો લાભ મળી શકે તેમ હતો. ભારત દેશમાં ટ્રેન સેવા સરકાર હસ્તક છે. જેનો લાભ કોરોના કાળમાં થયો. કોરોના કાળની બીજી લહેરમાં દેશની હોસ્પિટલોમાં ઓક્સિજનની અભૂતપૂર્વ તંગી સર્જાઈ હતી. ઓક્સીજનના અભાવે કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ થતા હતા. ત્યારે કોરોના વિરુધ્ધની લડાઈમાં ભારતીય રેલ્વેએ ઓક્સિજન એક્ષપ્રેસ ટ્રેનો દોડાવી. રોડ મારફત ઓક્સિજનના ટેન્કરો પહોચાડવામાં ઘણો સમય થાય તેમ હતો ત્યારે ૫૦૦ ઉપરાંત્ત ઓક્સિજન એક્ષપ્રેસ ટ્રેનો દ્વારા ૩૦,૦૦૦ ટન ઓક્સિજન દેશના વિવિધ રાજ્યોમાં પહોંચતો કરાયો. ઈન્ટરનેશનલ ફ્લાઈટોનુ સંચાલન કરતી ઈન્ડીયન એર લાઈન્સ ભારત સરકાર સંચાલીત સેવા છે. આ સેવા સરકાર હસ્તક હોવાથી યુધ્ધ જેવ સંકટમાં વિદેશમાં રહેતા લાખ્ખો ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા. આવી કટોકટીના સમયમાં ભારત સરકાર સંચાલીત સેવાઓ ન હોત તો શુ હાલત થઈ હોત. દેશના લોકોને સેવાઓ આપતી કંપનીમાં નફો નુકશાન જોવાનુ ન હોય તે કેન્દ્ર સરકારે સારી રીતે સમજવુ જોઈએ. સરકાર ખાનગીકરણ પગલુ સારૂ હોવાનુ દેશના લોકોના મગજમાં બેસાડવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ ખાનગીકરણ સારૂ હોત તો લોકો ખાનગી કંપની કરતા સકારી નોકરી માટે કેમ પ્રયત્ન કરે છે? કોર્પોરેટ મોટી હોસ્પિટલ કરતા સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ કેમ જોવા મળે છે. કેમ કેન્દ્રીય કે નવોદય વિદ્યાલયોમાં પ્રવેશ માટે વાલીઓમાં હોડ જોવા મળે છે. દેશના વિદ્યાર્થીઓ ઓશાકા, જિંદાલ કે અન્ય ખાનગી યુનિવર્સિટી કરતા સરકાર સંચાલીત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા કેમ પ્રથમ પ્રયત્ન કરે છે. કેમ લાખો વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરીને આઈઆઈટી, એનઆઈટીમાં પ્રવેશ માટે જેઈઈ મેઈન અને એડવાન્સની પરીક્ષાઓમાં સામેલ થાય છે. કેમ નીટની પરીક્ષા દ્વારા સરકારી મેડીકલ કોલેજોમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ પ્રયત્ન કરે છે. દેશમાં અનેક ખાનગી બેન્કો કાર્યરત છે તેમ છતા સરકારી બેન્કોમાં ભીડ કેમ જોવા મળે છે. દેશની સરકારી સંસ્થાઓની ગુણવત્તા, સેવાઓ ખાનગી સંસ્થાઓ કરતા સારી છે અને ફી પણ ખૂબ ઓછી છે. દેશમાં મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની વસ્તી વધારે છે. સરકારની સેવાઓનો લોકોને લાભ મળે છે અને સાથે સાથે ફાયદામાં પણ છે. ત્યારે ઈન્ડીગોની કટોકટી ઉપરથી સરકારે ખાનગીકરણનો મોહ ઓછો કરી, સંસ્થાઓમાં નફા-નુકશાનનો વિચાર કોરાણે મુકી દેશના કરોડો લોકોના હિતનો વિચાર કરવો જોઈએ.