સરકારી ગ્રાન્ટમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની તપાસમાં ખેરાલુ મનરેગાના કૌભાંડીઓ સામે પોલીસ ફરીયાદ કયારે થશે?
ખેરાલુ તાલુકામા મનરેગા યોજનામા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટમા ભ્રષ્ટાચાર થયો હોવાનુ લોકપાલની તપાસમા પર્દાફાશ થયો હતો. જેમા તાલુકા અને જીલ્લા કક્ષાના કરાર આધારિત કર્મચારીઓની બદલી કરી આ કૌભાંડમા ભીનુ સંકેલવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. ભાજપ સરકાર મનરેગાના કૌભાંડમા સંડોવાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને છાવરતી હોવાનુ લોકોમા ચર્ચાય છે.
મનરેગામાં કરોડો રૂપિયાના કૌભાંડમા ભીનુ સંકેલવા તાલુકા અને જીલ્લા કક્ષાના કરાર આધારીત કર્મચારીઓની બદલી કરવામા આવી હતી
ખેરાલુ તાલુકામા મનરેગા યોજનામા થયેલા કામોમા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની મહેસાણાના તત્કાલીન લોકપાલ ગીરીશભાઈ શર્માને ફરીયાદ મળી હતી. જેના આધારે લોકપાલ ગીરીશભાઈ શર્માએ વર્ષ ર૦રર થી વર્ષ ર૦રપ સુધી મનરેગા યોજનામા થયેલા વિવિધ કામોની તપાસ કરતા કરોડોનુ કૌભાંડ પકડાયુ હતુ. ત્યારબાદ લોકપાલે ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમારને તેનો રીપોર્ટ મોકલતા તાલુકા અને જીલ્લાના ભ્રષ્ટ અધિકારીઓની ઉંઘ હરામ થઈ હતી. લોકપાલના આ રિપોર્ટમા ખેરાલુના તત્કાલીન ટી.ડી.ઓ., મદદનીશ ટી.ડી.ઓ, એ.પી.ઓ. સહીતના જવાબદાર કર્મચારીઓ સામે ફરીયાદ કરવા જણાવ્યુ હોવાની ચર્ચાઓ શરૂ થતા આ કૌભાંડમા ભીનુ સંકેલવા અધિકારીઓ દોડતા થયા હતા. જો કે આ કૌભાંડમા જીલ્લા વિકાસ અધિકારીએ તાલુકા અને જીલ્લાના મનરેગાના કરાર આધારિત કર્મચારીઓની બદલી કરી હતી. પરંતુ આ કૌભાંડમા સંડોવાયેલા બીજા ભ્રષ્ટ અધિકારીઓ વિરૂધ્ધ આજદીન સુધી કોઈ કાયદાકીય પગલા લેવામા નહી આવતા આ મુદ્દો તાલુકામા ચર્ચાસ્પદ બન્યો છે. લોકોમા એવી ચર્ચા છે કે એક બાજુ ભાજપ સરકાર ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની વાતો કરે છે અને બીજી તરફ ભાજપના નેતાઓ પોતાના સ્વાર્થમા ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા છે. ભાજપની બે ધારી નિતીના લીધે ભ્રષ્ટાચારીઓ બેફામ બની પોતાના ઘર ભરી રહ્યા છે. જો ભાજપ સરકાર સરકારી કચેરીઓમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માંગતી હોયતો ખેરાલુ તાલુકામા મનરેગા કૌભાંડોમા સંડોવાયેલા ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓ વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરી બતાવે ભાજપના શાસનમા ખેરાલુ અને સતલાસણા, તાલુકા પંચાયતમા કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. તેની તપાસ જરૂરી બની છે.