Select Page

સિવિલનો કિડની વિભાગ આશીર્વાદરૂપ-મહિને ૪૦૦ ઉપરાંત્ત ડાયાલીસીસ

સિવિલનો કિડની વિભાગ આશીર્વાદરૂપ-મહિને ૪૦૦ ઉપરાંત્ત ડાયાલીસીસ

વિસનગર આર.કે.એસ.સભ્યોની રજુઆત અને કેબીનેટ મંત્રીની ભલામણથી અનુભવી સ્ટાફની ફરીથી નિમણુંક કરાઈ

  • વિસનગર સિવિલ હોસ્પિટલ ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ડાયાલીસીસ કરતુ સેન્ટર

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનથી અને વિસનગર સિવિલ હોસ્પિટલના અધિક્ષક ર્ડા.પારૂલબેન પટેલ તેમજ રોગી કલ્યાણ સમિતિના સભ્યોની સતત દેખરેખથી અત્યારે હોસ્પિટલનો કિડની વિભાગ ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ડાયાલીસીસ કરતુ સેન્ટર બની ગયુ છે. કિડની વિભાગના અગીયારથી પાંચ વર્ષના અનુભવી સ્ટાફની કોઈ ફરિયાદ નહી હોવા છતાં તેમને છુટા કરવામાં આવતા ડાયાલીસીસ વિભાગની સેવાઓ ખોરવાય તેમ હતી. ત્યારે રોગી કલ્યાણ સમિતિના સભ્યોની રજુઆતથી કેબીનેટ મંત્રીની ભલામણથી અનુભવી સ્ટાફની ફરીથી નિમણુંક કરવામાં આવતા કિડની વિભાનગની સેવાઓ ખોટવાતા અટકી છે. હોસ્પિટલના કિડની વિભાગની સેવાઓથી આકર્ષાઈને અત્યારે પાંચ તાલુકાના ૪૫ દર્દી ડાયાલીસીસ કરાવી રહ્યા છે.
વિસનગર સિવિલ હોસ્પિટલના કિડની વિભાગમાં અત્યારે ૪૫ દર્દી ડાયાલીસીસ કરાવે છે. મહિને ૪૦૦ થી ૪૫૦ ઉપરાંત્ત અને વર્ષે ૪૦૦૦ થી ૪૫૦૦ ઉપરાંત્ત ડાયાલીસીસ થાય છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત દર્દી જેટલી વખત ડાયાલીસીસ કરાવે તેટલી વખત પરિવહન ખર્ચ પેટે તેમના એકાઉન્ટમાં રૂા.૩૦૦ જમા થાય છે. દરેકને ડાયટ પ્રમાણે નાસ્તો આપવામાં આવે છે. ત્રણ થી ચાર કલાકના ડાયાલીસીસના સમયમાં દર્દી કંટાળે નહી તે માટે દરેક બેડમાં મનોરંજન માટે સ્માર્ટ ટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે. ડાયાલીસીસની પ્રથમ સાયકલ સવારે ૬-૩૦ થી ૭-૦૦ કલાક સુધીમાં શરૂ થાય છે. જે સવારે ૧૦-૩૦ આસપાસ પુરી થાય છે. બીજી સાયકલ ૧૦-૦૦ થી ૧૧-૦૦ ની વચ્ચે શરૂ થાય છે. જે બપોરે ૨-૩૦ થી ૩-૦૦ કલાક દરમ્યાન પુરી થાય છે. કિડની વિભાગમાં ૧૦ બેડ છે જેમાં એક બેડ હિપેટાઈટીસ સી અને બી ધરાવતા દર્દી માટે છે. દર શુક્રવારે નેફ્રોલોજીસ્ટ ર્ડાક્ટર વિઝીટ કરતા હોવાથી તેનો પણ દર્દીઓને લાભ મળે છે. કિડની વિભાગમાં વિસનગરનોજ સ્ટાફ હોવાથી જરૂર પડે ઈમરજન્સીમાં રાત્રે પણ ડાયાલીસીસની સેવા મળે છે. ગત અઠવાડીયે કુવાસણાના ડાહીબેન પટેલ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેમને તાત્કાલીક ડાયાલીસીસની જરૂર ઉભી થતા સિવિલ હોસ્પિટલમાં સાંજે ૬-૩૦ થી રાત્રે ૧૦-૦૦ કલાક ડાયાલીસીસ કરવામાં આવ્યુ હતુ.
વિસનગર સિવિલ હોસ્પિટલમં તા.૧૪-૭-૨૦૧૫ ના રોજ ડાયાલીસીસ સેન્ટર શરૂ કરાયુ. આ સેન્ટર શરૂ થયુ ત્યારથી અજયસિંહ બાબુજી વિહોલની કરાર આધારીત નિમણુંક કરાઈ. ત્યારબાદ મહિપતસિંહ વિક્રમસિંહ પરમાર અને ગણેશકુમાર પ્રહલાદભાઈ પટેલની ૨૦૨૧ માં કરાર આધારીત નિમણુંક કરવામાં આવી હતી. આમ કિડની વિભાગનો સ્ટાફ અગીયારથી પાંચ વર્ષનો અનુભવી છે. મહત્વની બાબત તો એ છેકે વિસનગરનો સ્ટાફ હોવાથી ઈમરજન્સીમાં અડધી રાત્રે પણ કિડની વિભાગની સેવા મળી રહે છે. ડાયાલીસીસ કરનાર એક પણ દર્દીની આ સ્ટાફની સેવા વિરુધ્ધ ફરિયાદ નથી. અમદાવાદ કિડની હોસ્પિટલ દ્વારા ૨૦૧૨ થી ૨૦૧૩ સુધી અનુભવ આધારે સીધી ભરતી કરવામં આવી છે. આખા ગુજરાતમાં લગભગ ૨૭૫ ઉપરાંત્ત ટેકનિશીયનોની અનુભવ આધારે ભરતી થઈ છે. જુન ૨૦૨૩ પછી ભરતી માટે પરીક્ષા શરૂ કરવામાં આવી. અત્યારે અનુભવ આધારે સીધી ભરતી થયેલા ટેકનિશીયનો સેવા આપી રહ્યા છે.
વિસનગર સિવિલ હોસ્પિટલના કિડની વિભાગમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ડાયાલીસીસ કરવામાં આવે છે. કિડની વિભાગની સેવાઓથી આકર્ષાઈને પાંચ તાલુકાના દર્દી નજીકના મોટા સેન્ટરમાં મળતી સેવાને છોડી વિસનગરમાં ડાયાલીસીસ કરાવે છે. સેવા આપતા ત્રણ ટેકનિશીયનોની કોઈ ફરિયાદ નથી. ત્યારે ત્રણ ટેકનિશીયનોને છુટા કરી બહારગામના બે ટેકનિશીયનોની નિમણુંક કરવામાં આવતા હોસ્પિટલ તંત્ર અચંબામાં મુકાઈ ગયુ હતુ. આ નિમણુંક કરાયેલ ટેકનિશીયનો બહારગામથી આવતા હોવાથી અત્યારે ૮-૩૦ પછી આવતા હતા. જેમાંથી એક ટેકનિશીયન તો જાણ કર્યા વગર ત્રણ દિવસ રજા ઉપર જતો રહેતા કિડની વિભાગની સેવાઓ ખોટવાઈ હતી. ત્યારે અગાઉ સેવા આપતા ત્રણ ટેકનિશીયનને ફરીથી નિમણુંક કરવા હોસ્પિટલ અધિક્ષક ર્ડા.પારૂલબેન પટેલે તેમજ રોગી કલ્યાણ સમિતિએ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને રજુઆત કરી હતી. જે અન્વયે કેબીનેટ મંત્રીની ભલામણથી અગાઉ સેવા આપતા અનુભવી ટેકનિશીયનોની ફરીથી નિમણુંક કરવામાં આવતા હોસ્પિટલની કિડની વિભાગની સેવાઓ ખોટવાતા રહી ગઈ છે.
વિસનગર સિવિલ હોસ્પિટલના કિડની વિભાગમાં ડાયાલીસીસ માટે દર્દીઓનો ઘસારો વધતા તેની અસર ડાયાલીસીસની સેવાઓ આપતા અન્ય સેન્ટરો ઉપર થવાથી કે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ઈમેજ ઓછી કરવા ગમે તે કારણોસર આ ત્રણ કર્મચારીઓની ભરતી ખોટી રીતે થઈ હોવાનો હોબાળો કરાયો હતો. પરંતુ આવા તો સીધી ભરતી થયેલા ૨૭૫ ઉપરાંત્ત ટેકનિશીયન સેવા આપી રહ્યા છે. ત્યારે વિસનગર સિવિલ હોસ્પિટલના કિડની વિભાગને ટાર્ગેટ કરવ પાછળ અનેક શંકાઓ સેવાઈ રહી છે. અમદાવાદ કિડની હોસ્પિટલ દ્વારા સીધી ભરતી કરાયેલા સમગ્ર ગુજરાતમાં ૨૭૫ ઉપરાંત્ત ટેકનિશીયન સેવારત છે. ત્યારે વિસનગર સિવિલ કિડની વિભાગના ત્રણ ટેકનિશીયનને ટાર્ગેટ કરવા પાછળનુ રહસ્ય શું તેની ચર્ચાઓ થઈ રહી છે.