ચિફ ઓફીસર પાર્થ ત્રિવેદીનુ શહેરને રખડતા ઢોરથી મુક્ત કરવા અભિયાન
એકજ અઠવાડીયામાં ૧૦૦ જેટલી રખડતી ગાયો પકડી
વિસનગરમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો અકસ્માતનો ભોગ બનતા હવે પાલિકા ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીએ શહેરને રખડતા ઢોરમાંથી મુક્ત કરવા અભિયાન ઉપાડ્યુ છે. એકજ અઠવાડીયામાં ૧૦૦ ઉપરાંત્ત રખડતી ગાયો પકડી પાંજરે પુરવામાં આવતા ઢોર રખડતા મુકવા ટેવાયેલા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. દંડ ભરીને ગાય છોડાવી ગયા પછી ફરીથી પકડાશે તો તેના પાલક વિરુધ્ધ ફરિયાદ કરવામાં આવશે તેવુ ચીફ ઓફીસરે જણાવ્યુ છે.
વિસનગરમાં રખડતા ઢોરના કારણે આંતરે દિવસે અકસ્માતના બનાવો બનતા હતા. એક માસ અગાઉ ગાય અચાનક રોડ ઉપર દોડી આવતા એક્ટીવા સવાર મુસ્લીમ યુવાન અડફેટે આવતા તેનુ મૃત્યુ થયુ હતુ. ગંજબજારમાં બાઈક લઈને ઉભા રહેલા એક વ્યક્તિને આખલાએ સીંગડુ મારતા થાપાનો ભાગ ચિરાઈ જતા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન બાર ટાંકા આવ્યા હતા. દરબાર રોડ ઉપર બે આખલા બાખડતા અડફેટે આવેલા ફતેહ દરવાજાના એક વ્યક્તિને હાથના કાંડાના ભાગે ફ્રેક્ચર થયુ હતુ. રખડતા ઢોરની અડફેટમાં આવવાથી આંતરા દિવસે અકસ્માતના બનાવો બનવા છતાં પાલિકા તંત્ર હાથ ઉપર હાથ ધરી બેસી રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.
રખડતી ગાયોમાં મોટા ભાગની ગાય પશુપાલકોની છે. પાલિકા દ્વારા વારંવાર વિનંતી કરવા છતા ગાયો રખડતી મુકતા હવે ચિફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીએ લાલ આંખ કરી છે. ચિફ ઓફીસરે કોઈ પણ શેહ શરમ વગર રખડતી ગાયો અને આખલા પકડવા કોન્ટ્રાક્ટરને છુટો દોર આપતા મોટા પ્રમાણમાં રખડતા ઢોર પકડવામાં આવી રહ્યા છે. તા.૨૨-૧૨ ને સોમવારથી તા.૨૬-૧૨ શુક્રવાર સુધીમાં જાણવા મળ્યા પ્રમાણે ૧૦૦ જેટલા રખડતા ઢોર પકડીને પાંજરાપઈને સોપવામં આવ્યા છે. પાલિકા દ્વારા પકડીને સોપવામાં આવેલ દરેક રખડતા ઢોરને ટેગ મારવામાં આવે છે. રૂા.૫૦૦૦ દંડ ભરનાર પશુપાલકનેજ ગાય પરત આપવામાં આવે છે.
રખડતા ઢોર પકડવાની દોડધામમાં કોઈને ઈજા ન થાય તે માટે રાત્રીના સમયેજ કોન્ટ્રાક્ટર દ્વારા રખડતા ઢોર પકડવામાં આવે છે. રખડતા ઢોર પકડવાના અભિયાન સંદર્ભે ચીફ ઓફીસરે જણાવ્યુ છેકે, શહેરમાં રખડતા ઢોર પકડવાની કાર્યવાહી હવે સતત ચાલુ રહેશે. જે પશુપાલકની ગાય પકડવામાં આવી છે એવા વર્ષ ૨૦૨૨ થી ૧૦૦ જેટલા પશુપાલકનુ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે. પકડવામાં આવેલ દરેક ઢોરને ટેગ મારવામાં આવે છે. જેથી હવે દંડ ભરનાર પશુપાલકની ગય ફરીથી પકડાશે તો તેના વિરુધ્ધ હવે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. શહેરમાં રખડતા ઢોર પકડવાની કાર્યવાહી હવે સતત ચાલુ રહેશે. રાત્રે પોલીસ બંદોબસ્ત સાથે રખડતા ઢોર પકડવામાં આવે છે.