પાલડીમાં પથ્થરો-કોથળા નાખી ગટરલાઈન બ્લોક કરતા રોષ
કોઈ અસામાજીક તત્વોએ સરપંચ તથા ગ્રામજનોને હેરાન કરવા
- અગાઉ રાજ્યના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલને રાજકીય રીતે બદનામ કરવા માટે તેમના વિરોધીઓએ અવનવા હથકંડા અપનાવ્યા હતા.
- સરપંચ જીતુભાઈ ચૌધરી તથા પંચાયત સભ્યોએ વહીવટી તંત્રની રાહ જોયા વગર ગટરલાઈનનું કામ કરાવ્યુ.
વિસનગર તાલુકાના પાલડી ગામમાં કોઈ અસામાજીક તત્વોએ પથ્થરો, જુના ગોદડા તથા કોથળાના ડુચા ભરીને ગટરલાઈન બ્લોક કરતા ગટરનુ ગંદુ પાણી ઉભરાઈને ગામના રસ્તાઓ ઉપર ફેલાયુ હતુ. ત્યારે ગામના જાગૃત સરપંચ, પંચાયત સભ્યો તથા ગામના સેવાભાવી શ્રમિકોએ વહીવટી તંત્રની રાહ જોયા વગર ગામના કુવા પાસે બે કલાક સફાઈ કરી ગટરલાઈનમાથી પથ્થરો અને ગોદડા કાઢી અસામાજીક તત્વોને સરપંચ અને ગ્રામજનોને હેરાન કરવાનો મનસુબો નિષ્ફળ બનાવ્યો હતો.
હાલના રાજકારણમાં કેટલાક અસામાજીક તત્વો પોતાના રાજકીય કે સામાજીક હરિફ વ્યક્તિને બદનામ કરવા માટે અવનવા કાવતરા ઘડતા હોય છે. અગાઉ કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલને રાજકીય રીતે બદનામ કરવા તેમના વિરોધીઓએ અવનવા હથકંડા અપનાવ્યા હતા. આવા રાજકીય આગેવાનોએ કેટલાક અસામાજીક તત્વોને હાથો બનાવી મંત્રી ઋષિભાઈ પટેલ તથા તેમના ચુસ્ત ટેકેદારોને રાજકીય રીતે નુકશાન પહોંચાડવા કોઈ કસર છોડી ન હોતી. પરંતુ મંત્રી ઋષિભાઈ પટેલે કોઈપણ પ્રકારની રાજકીય કિન્નાખોરી કે નાતજાતને ભેદભાવ રાખ્યા વગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લાખ્ખો રૂપિયાના વિકાસ કામો કરતા મંત્રીશ્રીને રાજકીય નુકશાન પહોંચાડવાનું વિરોધીઓનું સપનુ ચકનાચુર થઈ ગયુ હતુ. આજે વિસનગર તાલુકાના પાલડી ગામના સરપંચ જીતુભાઈ ચૌધરી (ભગત) પંચાયત સભ્યો સાથે રાખીને ગામમાં વિકાસકામો કરી રહ્યા છે. જેના કારણે સરપંચ જીતુભાઈ ચૌધરીની ગામમાં ભારે લોકચાહના છે. ત્યારે કોઈ અસામાજીક તત્વો સરપંચ તથા ગ્રામજનોને ખોટીરીતે હેરાન કરવા માટે અવનવા કિમિયા અજમાવી રહ્યા છે. જેમાં કોઈ અસામાજીક તત્વોએ ગામની મુખ્ય ગટરલાઈનમાં મોટા પથ્થરો, જુના ગોદડા અને કોથળા નાખી ગટરલાઈન બ્લોક કરી નાખી હતી. ગટરલાઈન બ્લોક થતા સમગ્ર ગામનુ ગટરનું ગંદુ પાણી ઉભરાઈને જાહેર રસ્તા ઉપર ફેલાયુ હતુ. ત્યારે સરપંચ જીતુભાઈ ચૌધરી, પંચાયત સભ્યો તથા ગામના સેવાભાવી શ્રમીકોએ વહીવટી તંત્રની રાહ જોયા વગર ગામના સેન્ટર પોઈન્ટ પાસેના મેઈન હોલ અને પાણીના કુવા પાસે બે કલાક સુધી ગટરલાઈનની સફાઈ કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન શ્રમિકોએ જીવના જોખમે ગટરમાં ઉતરીને અંદરથી મોટા પથ્થરો, ગોદડા અને કોથળા બહાર કાઢી ગટરલાઈન ચાલુ કરી હતી. ત્યારે ગ્રામજનોએ શ્રમિકોની કામગીરીને બિરદાવી હતી. આ બાબતે ગામના જાગૃત સરપંચ જીતુભાઈ ચૌધરીએ આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસતંત્ર પાસે માગણી કરી છે.