Select Page

મુસ્લીમ બોર્ડીંગમાં કચરો સળગાવતા સમગ્ર વિસ્તારમાં પ્રદુષણ

મુસ્લીમ બોર્ડીંગમાં કચરો સળગાવતા સમગ્ર વિસ્તારમાં પ્રદુષણ

આસપાસ આવેલ કોલેજ, હોસ્પિટલો કે બસ સ્ટેશનનો વિચાર કરવામા આવતો નથી

શહેરમા ચાલતા વિકાસ કામના કારણે વિસનગરમા એર ક્વોલિટી ઈન્ડેક્ષ ૧૬૦ થી ૧૭૦ જેટલો રહે છે જેમા મુસ્લીમ બોર્ડીંગમા કચરાના ઢગલા સળગાવતા હોવાથી પ્રદુષણમા વધારો થઈ રહ્યો છે. મુસ્લીમ બોર્ડીંગની આસપાસ કોલેજ, હોસ્પિટલો અને બસ ડેપો આવેલો છે. તેમ છતા કચરો સળગાવવાથી જે પ્રદુષણ થઈ રહ્યુ છે તે તેનો વિચાર કરવામા આવતો નથી.
પહેલા સફાઈ કામદારો કચરાના ઢગલો કરી તેને સળગાવી નીકાલ કરતા હતા. ડમ્પીંગ સાઈટો ઉપર કચરો સળગાવવામા આવતો હતો. કચરો સળગાવવાથી પ્રદુષણ થતુ હોવાથી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે તેના ઉપર પ્રતિબંધ મુકાયો છે. તેમ છતા કચરો ભરીને તેનો નિકાલ કરવાની જગ્યાએ સળગાવીને નિકાલ કરવાની પધ્ધતિનો અંત આવતો નથી. વિસનગરમા બસ સ્ટેન્ડ પાસે આવેલ મુસ્લીમ બોર્ડીંગ કંમ્પાઉન્ડનો કચરો નીકાલ કરવાની જગ્યાએ તેને સળગાવવામા આવતો હોવાથી આસપાસના વિસ્તારના લોકો ધુમાડાના પ્રદુષણનો સામાનો કરી રહ્યા છે.
મુસ્લીમ બોર્ડીંગની સામે એમ.એન.કોલેજ આવેલી છે. પવન ન હોય તેવા સમયે કોલેજ કંમ્પાઉન્ડમા ધુમાડો ફેલાતા કોલેજ સ્ટાફ તથા અસંખ્ય વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારે શિયાળામા કોલેજમા વહેલી સવારે સ્વાસ્થ્યપ્રેમીઓ વોકીંગ, જોગીંગ અને કસરત કરવા માટે આવે છે. મુસ્લીમ બોર્ડીંગમા કચરો સળગાવતા ધુમાડાના કારણે કોલેજમા આવતા લોકોને શ્વાસ લેવામા તકલીફ થાય છે. અને આંખોમા પણ બળતરા થાય છે. મુસ્લીમ બોડીંગ વિસ્તારમા આસપાસના માર્કેટમા હોસ્પિટલો આવેલી છે. ત્યારે કચરો સળગાવતા ધુમાડાના પ્રદુષણથી દાખલ થયેલા દર્દીઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઘણી વખત બસ સ્ટેન્ડ તરફ પવન હોય તેવા સમયે ડેપોમા ધુમાડો છવાતા અસંખ્ય પેસેન્જરો પણ તકલીફમા મુકાય છે.
મુસ્લીમ બોર્ડીંગમા ઘણા વૃક્ષો આવેલા છે. અત્યારે પાનખર હોવાથી વૃક્ષો ઉપરથી પડેલ પત્તાનો નીકાલ કરવાની જગ્યાએ તેને સળગાવવામા આવે છે. આંતરે દિવસે કચરો સળગાવતા હોવાથી ધુમાડાના પ્રદુષણનો લોકો સામનો કરી રહ્યા છે. જાણવા મળ્યા પ્રમાણે મુસ્લીમ બોડીંગના ચોકીયાતને કચરો નહી સળગાવવા રજૂઆત થઈ હતી. પરંતુ ચોકીયાત સાંભળતાનથી અને કચરો સળગાવે છે.
કોલેજમા નિયમિત જોગીંગ કરવા માટે વહેલી સવારે આવતા જીવણભાઈ દેસાઈએ જણાવ્યુ છે કે મુસ્લીમ બોડીંગ કચરો સળગાવવાથી તેનો ધુમાડો કોલેજમા ફેલાતા લોકોને ખુબજ તકલીફ પડે છે. આ બાબતે એમ.એન.કોલેજમા રજૂઆત કરતા કોલેજ દ્વારા પાલિકા તથા લાગતા વળગતા વિભાગોમા રજૂઆત કરવામા આવશે. જરૂર પડે તો કોલેજમાં સવારે આવતા સ્વાસ્થ્યપ્રેમીઓ દ્વારા પણ મુસ્લીમ બોડીંગ પ્રદુષણ ફેલાવતી પ્રવૃત્તિ વિરૂધ્ધ રજૂઆત કરવામા આવશે.