ખરવડાના ૮ અરજદારોની એક જ પ્રશ્નમાં સામુહિક રજુઆત
વિસનગર પ્રાન્ત અધિકારી વિકાસ રાતડાની અધ્યક્ષતામાં યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં
- અરજદારના પ્રશ્નનો જવાબ આપવાની સમયમર્યાદા પુરી થતા માર્ગ મકાન વિભાગ કચેરીના કોઈ કર્મચારી સ્વાગત કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા તેવી ચર્ચા
વિસનગરમાં પ્રાન્ત અધિકારી વિકાસ રાતડાની અધ્યક્ષતામાં મંગળવારના રોજ તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર અને ગ્રામ્યના ૨૪ અરજદારોએ પોતાના પ્રશ્નોની રજુઆત કરી હતી. જેનો પ્રાન્ત અધિકારીએ હકારાત્મક નિકાલ કરી અરજદારોને ન્યાય આપ્યો હતો. જોકે આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વિસનગર માર્ગ અને મકાન વિભાગના કોઈ અધિકારી કે કર્મચારી હાજર નહી રહેતા એક અરજદારને ધક્કો ખાવો પડ્યો હતો.
વિસનગર પ્રાન્ત અધિકારી વિકાસ રાતડાની અધ્યક્ષતામાં યોજાયેલ ફરિયાદ નિવારણ (સ્વાગત) કાર્યક્રમમાં કયા અરજદારે શુ રજુઆત કરી તે વિગતો જોઈએ તો વિસનગર તાલુકાના રામપુરા (લાછડી) ગામના ચૌધરી ચેલાભાઈ જોઈતાભાઈએ ખેતરના નેળીયામાં થયેલ બિનઅધિકૃત દબાણ દુર કરવા બાબત, તાલુકાના ખરવડા ગામના ચૌધરી રામજીભાઈ બબાભાઈ, ચૌધરી જયંતિભાઈ ફુલજીભાઈ, ચૌધરી ભગવાનભાઈ લવજીભાઈ, ચૌધરી રમેશભાઈ રણછોડભાઈ, ચૌધરી રામસંગભાઈ ગલબાભાઈ, ચૌધરી કાનજીભાઈ નાથુભાઈ, ચૌધરી બાબુભાઈ હાલુભાઈ તથા ચૌધરી રામજીભાઈ લાલજીભાઈએ પોતાના મકાનની બાજુમાં થયેલ બિન પરવાનગીનુ દબાણ દુર કરવા બાબત, વિસનગરમાં રહેતા ભીલ સુનિલકુમાર ભગવાનભાઈએ સરકારની વ્હાલી દિકરી યોજના સબંધિત અરજીનો નિકાલ કરવા બાબત, કાંસા એન.એ.ઉમાપાર્ક સોસાયટીમાં રહેતા કલ્પ પી.ઓઝાએ સોસાયટીમાં ઉભરાતી ગટરો તથા પુરતા પ્રમાણમાં નિયમિત પાણી પુરૂ પાડવા બાબત, વિસનગર દિપરા દરવાજા વિસ્તારમાં રહેતા પટેલ કાન્તિભાઈ કચરાભાઈએ કડા રોડ ઉપરની સરકારી જગ્યામાં માપણી કરવા બાબત, વિસનગરના પુર્વ કોર્પોરેટર પટેલ ફુલચંદભાઈ બાબુભાઈએ વિસનગર નગરપાલિકાના ૨૭૧૭ના તા.૧૫-૩-૨૦૨૩ના જાહેર હિતને લગતા પત્ર અન્વયે માર્ગ અને મકાન વિભાગના વિસનગર દ્વારા નિયમોનુસાર કાર્યવાહી કરવા બાબત તથા કાજીઅલીયાસણાના ચૌધરી દશરથભાઈ રામજીભાઈએ વિજ કંપનીની બંધ પડી રહેલી વિજલાઈન તથા વિજપોલ હટાવવા બાબતે રજુઆત કરી હતી. આ તમામ પ્રશ્નોમા પ્રાન્ત અધિકારીએ અરજદારોને હકારાત્મક સંતોષકારક ન્યાય આપ્યો હતો. જોકે એક અરજદારના પ્રશ્નમાં જવાબ આપવાની સમયમર્યાદા પુર્ણ થતા માર્ગ અને મકાન વિભાગના કોઈ અધિકારી કે કર્મચારી કાર્યક્રમમાં હાજર નહોતા. આ કચેરી દ્વારા પ્રાન્ત અધિકારીને આગોતરી જાણ પણ કરી નહોતી. ત્યારે પ્રાન્ત અધિકારીએ આ અરજદારોની રજુઆત સાંભળી તેમને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો હતો. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મામલતદાર દિનેશભાઈ ચૌૈધરી, ટી.ડી.ઓ. ભૌમિકભાઈ ચૌધરી, ચિફ ઓફિસર પાર્થકુમાર ત્રિવેદી, નાયબ મામલતદાર મહેસુલ અમૃતભાઈ ચૌધરી તથા મહેસાણા મહિલા અને બાળ વિકાસ વિભાગના ફિલ્ડ ઓફિસર હાજર રહ્યા હતા.