પાલિકાને વિનંતી કે નંદી રથનો ઉપયોગ કરો
પર્યાવરણ પ્રેમી જીતુભાઈ પટેલની હૃદય વેદના
- કેબીનેટ મંત્રીના શહેરને રખડતા ઢોરમાંથી મુક્ત કરે તો જ ચીફ ઓફીસરની કામગીરી સાચી- જીતુભાઈ પટેલ
વિસનગર શહેરમા રખડતા ઢોરના ત્રાસના મુદ્દે વાલમ આશ્રમમા બનાવેલ શિવનંદી ધામ પણ ચર્ચામા આવતા પર્યાવરણ પ્રેમી જીતુભાઈ પટેલે હૃદય વેદના વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે અમારુ કામ તંત્રને માર્ગદર્શન આપવાનુ પાલિકાને નંદી રથ બનાવીને આપ્યો છે તો તેનો ઉપયોગ કરે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના શહેરને રખડતા ઢોરમાંથી મુક્ત કરશે તો જ ચીફ ઓફીસરની કામગીરી સાચી થઈ ગણાશે.
વિસનગરમા રખડતા આખલાઓ લોકોને અડફેટે લેતા હોવાથી ઘણા લોકો ઘાયલ થયા છે. પર્યાવરણ પ્રેમી જીતુભાઈ પટેલની પ્રેરણાથી વાલમ આશ્રમમા નંદીધામ બનાવવામા આવ્યુ છે. તેનો પાલિકા દ્વારા કોઈ ઉપયોગ થતો નહી હોવાના પ્રચાર સાપ્તાહિકના અહેવાલ સંદર્ભે જીતુભાઈ પટેલે હૃદય વેદના વ્યક્ત કરી હતી. જીતુભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ત્રણથી પાંચ લાખ રૂપિયાના ખર્ચે વાલમ આશ્રમની બે વિઘા જમીન ફેન્સીંગ કરી શિવ નંદી ધામ માટે શેડ બનાવ્યો હતો. જેમા ૧૦૦ નંદી રાખી શકાય તેની વ્યવસ્થા કરવામા આવી અને છ મહિના ચાલે તેટલો ઘાસચારો પણ મુકવામા આવ્યો. નંદી પકડવા નંદી રથ બનાવી આ તમામ વ્યવસ્થા વિસનગર પાલિકાને સુપરત કરવામા આવી. વિસનગર શહેર રખડતા નંદીમાંથી મુક્ત બને તે માટેની જ આ ખાસ વ્યવસ્થા હતી. શરૂઆતમા નંદીધામમા૩પ મોટા અને ૪ નાના એમ કુલ ૩૯ નંદી પકડીને તેની માવજત કરવામા આવી. નંદી માટે પાણી અને ઘાસચારાની પણ વ્યવસ્થા હતી. પરંતુ પ્લાસ્ટીક કચરો ખાઈને નંદી મોટા થયા હોવાથી ઘાસચારો અનુકુળ નહી આવતા રર નંદીના મોત થયા. ઢોર ચિરનાર ચમાર મૃત નંદીને લઈ જતા દરેક નંદીના પેટમાંથી રપથી ૩૦ કીલો પ્લાસ્ટીક કચરો નીકળ્યો.
જીતુભાઈ પટેલે જણાવ્યુ હતુ કે વાલમ આશ્રમ ટ્રસ્ટીઓએ રખડતા રીબાતા મુંગા જીવની સેવા થાય તે આશયથી નંદીધામ માટે જગ્યા આપી હતી પરંતુ રર નંદીના મોત થતા પાપમા પડયા હોવાની વેદના વ્યક્ત કરી. અત્યારે વાલમ આશ્રમમા છેલ્લા છ મહિનાથી નાના નંદીની સાર સંભાળ થાય છે. દેરોલ ઋષિવનમા પણ પાંચથી દશ જેટલા નંદીઓની સંભાળ રાખવામા આવે છે. પાલિકાને ત્રણ લાખ રૂપિયાના ખર્ચે જે નંદી રથ આપ્યો તે ગુજરાતમા જ નહી પરંતુ ભારતમા આ પ્રથમ વ્યવસ્થા છે. પાલિકા પાસે જે કચરા સ્ટેન્ડ ખાલી કરાવ્યુ તે જગ્યા પાંચથી ૬ વિધા જેટલી છે. પાલિકા પાસે જગ્યા છે તો વહેલામા વહેલી તકે રખડતા નંદીને સાચવવાની વ્યવસ્થા કરે.
જીતુભાઈ પટેલે વધુમા જણાવ્યુ હતુ કે ગુજરાતમા જ નહી પરંતુ દેશમા આવા અસંખ્ય નંદી પ્લાસ્ટીક ખાઈને જીવી રહ્યા છે. પ્લાસ્ટીક કચરો ખાધો હોવાથી ઘાસચારો આપવામા આવે તો મૃત્યુ થવાની સારૂ કામ કરતા પાપ લાગે છે. સરકાર દરેક જિલ્લામા વન વિભાગ અને ખેતીવાડી વિભાગ સાથે સંકલન કરીને નંદીવન બનાવે તો લોકો રખડતા નંદીના કારણે અકસ્માતોનો ભોગ બનતા અટકે, નંદીવન બનાવીને સમાજને માર્ગદર્શન આપ્યુ છે. વિસનગર પાલિકાને વિનંતી કરતા જણાવ્યુ છે કે નંદી રથ લઈ ગયા છે તે કાટખાતુ થઈ ગયુ છે તેનો ઉપયોગ કરો. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના શહેરને નંદી મુક્ત કરી આપે તો ચીફ ઓફીસરની સાચી કામગીરી તેમ કહી પાલિકાની રખડતા ઢોર પકડવાની નિષ્ક્રીયતા બાબતે ટકોર કરી હતી.