Select Page

ગૌરવપથ રોડ ઉપરથી ટ્રાફીક સમસ્યા ધ્યાને રાખી પતંગ સ્ટોલ માટે તાલુકા પંચાયત પાસેની જગ્યા ફાળવી

ગૌરવપથ રોડ ઉપરથી ટ્રાફીક સમસ્યા ધ્યાને રાખી પતંગ સ્ટોલ માટે તાલુકા પંચાયત પાસેની જગ્યા ફાળવી

વિસનગરમા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ માટેના સ્ટોલ ડોસાભાઈ બાગ આગળ ફળવાતા હતા. પરંતુ શહેરની ટ્રાફીક સમસ્યાને ધ્યાનમા રાખી તાલુકા પંચાયત પાસેની જગ્યામા આ વર્ષે પતંગ સ્ટોલ બનાવવા પાલિકા દ્વારા નિર્ણય કરવામા આવ્યો છે. સ્ટોલ માટે હરાજી કરવામા આવનાર છે. જેમા વેપારીઓ ભાગ લઈને પોતાના મનગમતા સ્ટોલની હરાજી બોલશે. પતંગ સ્ટોલ આગળ દોરી પીવડાવવા ચરખા મુકવા માટે પણ અલગથી ભાડુ લેવામા આવશે. પતંગ પ્રેમીઓ ગૌરવ પથ રોડ ઉપર પાર્કિંગ કરે નહી તે માટે સ્ટોલ વચ્ચે પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામા આવી છે.
વિસનગરમા શાકભાજી કે અન્ય વસ્તુઓની ખરીદી માટે સ્ટેશન રોડ- ગૌરવપથ ઉપર અસંખ્ય ગ્રાહકોની અવર જવર રહેતી હોવાથી આ રોડ શાકભાજીની લારીઓ, ખાણીપીણીના ખુમચા તથા પાથરણાવાળા નાના વેપારીઓ માટે પસંદગીનુ સ્થળ છે. ગૌરવ પથ રોડ ઉપર ડોસાભાઈ બાગ આગળ વર્ષોથી ફટાકડા તથા પતંગના સ્ટોલ બનાવી વેપારીઓ ધંધા કરતા હતા. ત્યારે ટ્રાફિકના અને અકસ્માતના સંભવિત બનાવના કારણે પાલિકા દ્વારા સ્ટોલ માટે જગ્યા ફાળવવાનુ બંધ કર્યુ છે. ગત દિવાળીમા બાગ આગળ ફટાકડા સ્ટોલ માટે જગ્યા નહી ફાળવતા એમ.એન.કોલેજ રોડ ઉપર નવદુર્ગા ભાજીપાંઉ સામેનો ગોંવિદ ચકલા પાટીદાર સંકુલમા ફટાકડા બજાર શરૂ કરાયુ હતુ. ફટાકડાના એકજ જગ્યાએ સ્ટોલ હોવાથી ગ્રાહકોને પણ ખરીદી કરવામા અનુકુળતા રહી હતી અને વેપારીઓને પણ નવી જગ્યા હોવા છતા ધાર્યા કરતા સારો ધંધો થયો હતો.
ગત વર્ષે ઉત્તરાયણમા બાગ આગળ પતંગ સ્ટોલ માટે જગ્યા ફાળવવામા આવી હતી. પરંતુ શહેરની ટ્રાફીક સમસ્યા અને ગૌરવ પથ રોડ ઉપરની પરિસ્થિતિ ધ્યાને રાખી આ વર્ષે બાગ આગળ પાલિકા દ્વારા પતંગ સ્ટોલની જગ્યા ફાળવવા ઈન્કાર કર્યો છે. પરંતુ વેપારીઓનો ગૌરવ પથ ઉપર સ્ટોલ માટે આગ્રહ હોઈ તેમના હિતને ધ્યાનમાં રાખી ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદી, પ્રમુખ ઉત્તમભાઈ પટેલ તથા મકાનભાડા ચેરમેન કૈલાશબેન ગૌતમભાઈ કડીયા દ્વારા સિવિલ હોસ્પિટલના ગેટને અડીને તાલુકા પંચાયત પાસેની જગ્યા પતંગ સ્ટોલ માટે ફાળવવાનો નિર્ણય કરવામા આવ્યો છે. બાગ આગળ વેપારીઓ દર વર્ષે જે રીતે બેસતા હતા તે પ્રમાણે સ્ટોલ બનાવતા હતા. પરંતુ તાલુકા પંચાયત પાસેની નવી જગ્યા હોવાથી વેપારીઓ વચ્ચે કોઈ વિવાદ થાય નહી તે માટે હરાજીથી સ્ટોલ ફાળવવામા આવશે.
તાલુકા પંચાયત પાસેની જગ્યામા ૧૦ ફુટ પહોળાઈ અને ૧પ ફુટ લંબાઈના ર૦ સ્ટોલ બનાવવામા આવ્યા છે. સ્ટોલ માટેનો મંડપ પાલિકા બનાવી આપશે. વાહન લઈને આવતા પતંગ રસીકો માટે સ્ટોલ વચ્ચે પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલાક સ્ટોલ આગળ દોરી પીવડાવવા ચરખા મુકવામા આવે છે. ત્યારે જે સ્ટોલ આગળ ચરખા મુકશે તેમના માટે રૂા.પ૦૦ ભાડુ નક્કી કરવામા આવ્યુ છે. મહત્વની બાબતો એ છે કે ગૌરવ પથ ઉપર ટ્રાફીકના કારણે સ્ટોલ બનાવવા દેવામા આવતા નથી. ત્યારે દિવાળીમા ગોવિદચકલા પાટીદાર સંકુલમા ફટાકડા બજાર બનાવ્યુ હોવા છતા કેટલાક વેપારીઓએ ગૌરવપથ ઉપર ફટાકડાના સ્ટોલ ઉભા કરી વેપાર કર્યો હતો. ત્યારે પાલિકા દ્વારા નિયમનો ભંગ કરનાર આ વેપારીઓ વિરૂધ્ધ કોઈ કાર્યવાહી કરવામા આવી નહી હોવાથી ભેદભાવ રાખવામા આવ્યો હોવાનો ગણગણાટ થયો હતો. તાલુકા પંચાયત પાસે પતંગ સ્ટોલ માટે જગ્યા ફળવાઈ છે ત્યારે મનમાની કરી ગૌરવપથ ઉપર સ્ટોલ બનાવતા વેપારીઓ વિરૂધ્ધ પાલિકા દ્વારા કાર્યવાહી કરવામા આવે છે કે નહી તે સમય બતાવશે.