વહેલી સવારે બહારની પોલીસ સાથે અધિકારીઓ ત્રાટક્યા વિસનગરમાં ઈડીની રેડમાં ૪.૫૯ કરોડનુ સોનુ-ચાંદી-રોકડ જપ્ત
લોકોને લુંટીને ભેગુ કરાયેલ કાળા ધનનુ પાપ છાપરે ચડીને પોકાર્યા વગર રહેતુ નથી. આવુ કાળુ ધન ભલે ગમે ત્યાં છુપાવ્યુ હોય પરંતુ સરકારની એજન્સીઓના ધ્યાને આવ્યા વગર રહેતુ નથી. ડબ્બા ટ્રેડીંગના માસ્ટર માઈન્ટ અને પંથકમા ડબ્બા ટ્રેડીંગના ગેરકાયદેસર ધંધાનું દુષણ ઘુસાડનારના ઘરમા ઈડીએ વહેલી સવારથીજ રેડ કરી હતી. ઈડીની આ રેડથી ડબ્બા ટ્રેડીંગનો ધંધ કરનાર લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારે શહેરના બુલીયન બજારમા ભારે ચકચાર જાગી હતી. ઈડીના આ રેડમા ૪.૫૯ કરોડ રૂપિયા ઉપરાંતનુ કાળુ ધન મળી આવ્યુ હતુ. વડનગર તાલુકામાં ઈડીની રેડ હોવાનું ચર્ચાતુ હતુ ત્યારે વિસનગર શહેરમાંજ ઈડીના અધિકારીઓ વહેલી સવારથી પથારો પાથરી બેઠા હતા. મોડી રાત સુધી ઈડીની કાર્યવાહી ચાલી હતી.
લોકોને લુંટીને ડબ્બા ટ્રેડીંગથી કમાયેલુ કાળુ ધન પકડાયુ
વિસનગર અને વડનગર પંથકમાં ડબ્બા ટ્રેડીંગની કાળી કમાણીના કરોડો રૂપિયા ફરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રૂા.૨૦૦૦ની ચલણી નોટો બંધ કરતા રૂા.૫૦૦ની નોટોના થોકડા કાળુ ધન કમાનાર લોકો માટે સંતાડવુ કઠીન બની ગયા છે. જેથી હવે બે નંબરનો ધંધો કરનાર લોકો સોનુ અને ચાંદી ખરીદીને તેનો સંગ્રહ કરી રહ્યા છે. ભારતમાં સોના અને ચાંદીના ભાવ વધવા પાછળ આવા કારણો પણ જવાબદાર છે. બે નંબરનુ ધન સંતાડનાર લોકો ઉપર ઈન્કમટેક્ષ અને ઈડીની બાજ નજર છે. તા.૩૦-૧૨-૨૦૨૫ને મંગળવારના રોજ વડનગર તાલુકામા ઈડીની રેડ હોવાની ચર્ચાઓ બપોરબાદ વહેતી થઈ હતી. જેની તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, ઈડી વડનગરમા નહી પરંતુ વિસનગર શહેરમા પથારા પાથરીને બેઠી છે. ઈડીના અધિકારીઓ શહેરના કયા વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. તેની શોધખોળ બાદ મેઈન બજારમાં પારેખપોળમા હિમાન્સુ ઉર્ફે પિન્ટુ ભાવસારના નિવાસસ્થાને હોવાનુ જાણવા મળ્યુ હતુ. પારેખપોળમા પુછ પરછ કરતા વહેલી સવારથીજ ઈડીના અધિકારીઓએ બહારની પોલીસ સાથે રેડ કરી હતી. રેડ દરમ્યાન હિમાંશુ ભાવસાર હાજર હોવાનુ જાણવા મળ્યુ નથી. ડબ્બા ટ્રડીંગના માસ્ટર માઈન્ડના મકાનમાં ત્રણ-ચાર કલાકની જહેમત બાદ ઈડીને સંતાડેલ કાળુ ધન શોધવામાં સફળતા મળી હતી.
વિસનગરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)ની અમદાવાદ ઝોનલ ઓફીસની રેડમાં હિમાંશુ ભાવસારના ઘરમાંથી રૂા.૨.૪૦ કરોડની કિંમતનું ૧૧૦ કિલો ચાંદીની લગડીઓ, રૂા.૧.૭૦ કરોડની કિંમતનું ૧.૨૯૬ કિલો સોનુ, રૂા.૩૮.૮૦ લાખની ભારતીય ચલણની નોટો, રૂા.૧૦.૬૦ લાખની વિદેશી ચલણની નોટો તથા ૩૯.૭૦ કિલોના ચાંદીના સિક્કા અને દાગીના મળી આવ્યા હતા. વહેલી સવારથી મોડી સાંજ સુધીમાં રૂા.૪,૫૯,૪૦,૦૦૦/- ની કિંમતનુ કાળુ ધન મળી આવ્યુ હતુ. આ ઉપરાંત્ત વિવિધ મિલ્કતોના દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા. દલાલ સ્ટોકના હિમાંશુ ભાવસારનો બીજો એક ભાગીદાર પણ છે. તેની જો તપાસ કરવામાં આવે તો બીજુ ઘણુ બધુ મળી આવે તેમ છે.
વિસનગર અને વડનગર તાલુકામાં ડબ્બા ટ્રેડીંગનુ દુષણ ફેલાવવા માટે ફક્ત હિમાંશુ ભાવસારનેજ જવાબદાર ગણવામાં આવે છે. પરંતુ તેના નામે નામ ધરાવતો હિમાંશુ પણ એટલોજ જવાબદાર છે. આ હિમાંશુની મિલ્કતો અને અન્ય તપાસ કરવામાં આવે તો કાળા ધંધાની ઘણી કાળી કમાણી મળી આવે તેમ છે. દલાલ સ્ટોકના આ ભાગીદારો ઉપર ઘણા કેસો થયા છે અને ઘણા સમયથી ચાલે છે. ત્યારે ઈડીની રેડમાં હિમાંશુ ભાવસારના નિવાસ્થાનેથી રૂા.૪.૫૯ કરોડ ઉપરાંતનુ સોનુ, ચાંદી અને રોકડ મળી આવતા હજુ આ ભાગીદારો પાસે કાળા નાણાનુ કેટલુ સામ્રાજ્ય છે તે તપાસનો વિષય છે.
ઈડીના અધિકારીઓએ વહેલી સવારે લગભગ સાડા પાંચ વાગે વિસનગરમાં એન્ટ્રી કરી હતી. જેઓ પ્રથમ ખાનગી વાહનમાં મહેસાણા ચાર રસ્તા ઉપર રોકાયા હતા. જ્યાં થોડા ફ્રેશ થયા બાદ હિમાંશુ ભાવસારના પારેખપોળ ખાતેના નિવાસ્થાને રેડ કરી હતી. ઈડીની આ રેડથી અત્યારે પંથકમાં ડબ્બા ટ્રેડીંગ ચલાવનાર તત્વોમા દોડધામ મચી છે. હિમાંશુ ભાવસારે ઘણા સમય પહેલા ડબ્બા ટ્રેડીંગનો ધંધો અટોપી લીધો છે. ડબ્બા ટ્રેડીંગનો ધંધો ધમધોકાર ચાલતો હશે ત્યારે ચાંદી અને સોનુ ખરીદ્યુ હશે. બે ત્રણ વર્ષ બાદ ઈડી કાળુ ધન શોધી શક્તી હોય તો અત્યારના વ્યવહારો ક્યાથી છુપા રહેશે તે વિચારી ડબ્બા ટ્રેડીંગ ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે હિમાંશુ ભાવસાર પાસે SEBI નું પર્સનલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર સર્ટિફિકેટ હતું, જેનો ગેરકાયદેસર ઉપયોગ કરીને તેણે વિશ્વાસ સ્ટોક્સ રિસર્ચ પ્રા. લિ., દલાલ સ્ટોક્સ એડવાઈઝરી પ્રા.લિ. અને દેવકી સ્ટોક્સ પ્રા.લિ. જેવી કંપનીઓ ચલાવી હતી. આ કંપનીઓ પાસે SEBI નું કોઈ રજિસ્ટ્રેશન નહોતું.
મહેસાણાના ખેરાલુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર બાદ ઈડીએ મની લોન્ડરિંગ એક્ટ(PMLA),૨૦૦૨ હેઠળ આ તપાસ હાથ ધરી હતી. અત્યાર સુધીમાં વિવિધ રાજ્યોમાં આ ટોળકી વિરુધ્ધ કુલ સાત એફઆઈઆર નોંધાઈ છે, જેમાં અંદાજે રૂા.૧૦.૮૭ કરોડની છેતરપિંડી થઈ હોવાનું મનાય છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે.