પાલિકા અને જીયુડીસી વચ્ચે સંકલનના અભાવેખોદ કામમાં પાઈપો તુટતા દૂષિત પાણી પીવા મજબુર
વિસનગરમા ગટર લાઈનના કામ કરતા જીયુડીસી ઉપર અત્યારે તંત્રની કોઈ લગામ હોય તેવુ જોવા મળતુ નથી. જીયુડીસીના અધિકારીઓ ગાંધીનગર બેઠા છે ત્યારે કોન્ટ્રાક્ટર મનમાની કરી કામ કરતા હોવાથી ફરીયાદ કોને કરવી તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ગટર લાઈન ખોદકામથી પાલિકાની ભુગર્ભ લાઈનો તુટી જતી હોવાથી કેટલાક સોસાયટીઓમા દુષિત પાણી મળતુ હોવાની ફરીયાદો ઉભી થઈ છે. ધરોઈ કોલોની રોડ ઉપર ગોકુળધામ ટાઉનશીપમા અઠવાડીયાથી પીવાના પાણીમા ગટરનુ આવી ગંદુ પાણી આવી રહ્યુ છે. ત્યારે પાલિકા અને જીયુડીસી વચ્ચે સંકલન નહી હોવાથી રીપેરીંગ નહી થતા રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.ુ
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની અધ્યક્ષતામાં મળતી વિકાસ કામોની સમીક્ષા બેઠકમાજ જીયુડીસીના અધિકારી કે કોન્ટ્રાક્ટર જોવા મળે છે. ત્યારબાદ ગટર લાઈન ખોદકામમા કોઈ તકલીફ હોય તો ફરીયાદ માટે જીયુડીસીના અધિકારી કે કોન્ટ્રાક્ટર મળતા નથી. શહેરના તંત્રની જીયુડીસી દ્વારા થતા વિકાસ કામ ઉપર કોઈ અંકુશ નથી. જેના કારણે કોન્ટ્રાક્ટર આડેઘડ કામ કરી રહ્યો છે. ખોદકામમા કોઈ ધ્યાન રાખવામા આવતુ નહી હોવાથી પાલિકાની ભુગર્ભ પાણીની અને ગટર લાઈનોને મોટુ નકુશાન થઈ રહ્યુ છે. જેના કારણે પીવાનુ દુષિત પાણી મળતુ હોવાની સમસ્યા ઉભી થઈ છે.
જીયુડીસી દ્વારા અત્યારે મહેસાણા ચાર રસ્તાથી ધરોઈ કોલોની રોડ તિરૂપતી ટાઉનશીપના ગેટની આગળ રોડ ઉપર ખોદકામ કરવામા આવી રહ્યુ છે. આ ખોદકામમા ગટરની અને પાણીની લાઈન તુટતા ગોકુળધામ અને તિરૂપતિ ટાઉનશીપમા દૂષિત પાણી મળી રહ્યુ છે. ગોકૂળધામ ટાઉનશીપમાં એક મકાનમા પીવાના પાણીમા કચરો આવતા મકાન માલિકો ચોકી ઉઠ્યા હતા. ગોકુળધામ ટાઉનશીપમા પાલિકાના સિનિયર સભ્ય વિજયભાઈ પટેલ રહે છે. જેની જાણ થતા જ પાલિકા સભ્યએ તાત્કાલીક રીપેરીંગ કરવા માટે પાલિકામા રજૂઆત કરી હતી.
મહત્વની બાબતો એ છે કે આવી ફરીયાદમા ત્વરીત કામગીરી હોવી જોઈએ. ત્યારે પાલિકા અને જીયુડીસીનુ વચ્ચે સંકલનનો અભાવ હોવાથી રીપેરીંગ કામ ઝડપી થતુ નથી. ભુલ હોવા છતા જીયુડીસી જવાબદારી સ્વિકારતુ નથી. જીયુડીસી પાસે નાના ખોદકામના કારીગરો નથી. જેથી નુકશાન થયુ હોય તો મટેરીયલ લાવી આપવા જણાવે છે. ત્યારે લેબરનો ખર્ચ પાલિકાને ચુકવવો પડે છે. આ બન્ને વિભાગ વચ્ચે કેટલીક વખત ખટરાગ થતા દુષિત પાણી મળતુ હોવાની ગંભીર બાબતમાં રીપેરીંગ કરવામા વિલંબ થાય છે. તિરૂપતી ટાઉનશીપ અને ગોકુળધામ ટાઉનશીપમા લગભગ ૩૦૦ ઉપરાંત મકાન આવેલા છે. દુષિત પાણીના કારણે લોકો બીમારીનો ભોગ બનશે તો જવાબદારી કોની. જીયુડીસીના કામમા મોટી ગેરરીતી થઈ છે. હજુ ઘણા વિસ્તારમા ગટરલાઈનનુ કામ બાકી છે. ત્યારે ગુણવત્તાવાળુ કામ થાય તેમજ લાઈન તુટવાના બનાવમા ઝડપી રીપેરીંગ થાય તે માટે જીયુડીસીના કોઈ જવાબદાર અધિકારીની વિસનગરમા સતત હાજરી રહે તે ખુબજ જરૂરી છે.