Select Page

ગ્રામ પંચાયતના આંતરિક વિખવાદથી મનરેગા કૌભાંડ બહાર આવ્યુ મહમદપુરમાં પાંચ વર્ષે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતુ આવેદન

ગ્રામ પંચાયતના આંતરિક વિખવાદથી મનરેગા કૌભાંડ બહાર આવ્યુ મહમદપુરમાં પાંચ વર્ષે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતુ આવેદન

કેન્દ્ર સરકારની શ્રમિકો અને બેરોજગારોને રોજગારી આપતી મનરેગા યોજનામાં લાખ્ખો રૂપિયાના કૌભાંડો થયા છે. જેમાં વિસનગર તાલુકાના મહમદપુરા (મેતપુર) ગામના કેટલાક લોકોએ વર્ષ ૨૦૨૦-૨૧માં મનરેગા યોજનામાં થયેલા વિકાસકામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા જીલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદ કરી છે. જોકે પાંચ વર્ષ બાદ મનરેગામાં થયેલા કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થતા ગામનો આંતરિક વિખવાદ બહાર આવ્યો છે.
ગ્રામિણ વિસ્તારના ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને સ્થાનિક કક્ષાએ રોજગારી આપતી કેન્દ્ર સરકારીની મનરેગા યોજના મહેસાણા જીલ્લામાં કૌભાંડની યોજના પુરવાર થઈ છે. જેમાં અગાઉ વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં મનરેગા યોજનામાં થયેલા વિકાસકામોમાં લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવતા સમગ્ર મહેસાણા જીલ્લાનું વહીવટીતંત્ર હચમચી ગયુ હતુ. ત્યારબાદ ખેરાલુ તાલુકામાં મનરેગા યોજનામાં બાગાયતના થયેલા કામોમાં લાખો રૂપિયાના કૌભાંડનુ ભુત ધુણતા વહીવટીતંત્ર દ્વારા થોડા દિવસ તપાસનુ નાટક ભજવાયુ હતુ. જોકે આ બેન્ને તાલુકામાં કૌભાંડીઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામા નહી આવતા હવે કૌભાંડીઓને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. જોકે વિસનગર તાલુકામાં મનરેગા યોજના ભ્રષ્ટાચારી બાબુઓ માટે શ્રાપરૂપ સાબિત થઈ છે. આ તાલુકામાં ભ્રષ્ટાચાર થાય તેવા મનરેગા યોજનામાં કોઈ વિકાસકામો થતા નથી. પરંતુ અત્યારે ચાર-પાંચ વર્ષ પહેલા થયેલા કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. જેમાં વિસનગર તાલુકાના મહમદપુરા (મેતપુર) ગામના કેટલાક લોકોએ વર્ષ ૨૦૨૦-૨૧માં મનરેગા યોજનામાં થયેલ કાંસ-સફાઈ તથા અન્ય વિકાસકામોમાં લાભાર્થીઓના નામે મોટા જોબકાર્ડ બનાવી બારોબાર પૈસા ઉપાડી લીધા હોવાનો તેમજ ગ્રામ્ય પંચાયતમાં ખોટા ઠરાવો કરીને સરકારી ગ્રાન્ટનો દુર ઉપયોગ કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાની મંગળવારના રોજ જીલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદ કરતા ગામમાં ભારે હોબાળો થયો છે.
ગામના અરજદારોની રજુઆત આધારે ભ્રષ્ટાચારની તપાસ જરૂરી છે. સાથે સાથે પાંચ વર્ષ પછી આ અરજી થવાનુ રહસ્ય શું તેની પણ તપાસ જરૂરી છે
વિકાસકામોના પાંચ વર્ષ બાદ ગામના કેટલાક લોકોએ ગ્રામ પંચાયતના તત્કાલિન સરપંચ, તલાટી સહિત અન્ય જવાબદારો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા ગામનો આંતરિક વિખવાદ બહાર આવ્યો છે. જોકે આ અરજીના આધારે ભ્રષ્ટાચારની તપાસ જરૂરી છે. સાથે સાથે પાંચ વર્ષ પછી આ અરજી થવાનુ રહસ્ય શું તેની પણ તપાસ જરૂરી છે.