શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા સ્વ.માનસિંહભાઈ પટેલનો જન્મશતાબ્દી મહોત્સવ ઉજવાયો
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા
સ્વ.માનસિંહભાઈ પટેલનો જન્મશતાબ્દી મહોત્સવ ઉજવાયો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર ખાતે અખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા આદર્શ હાઈસ્કુલના તથા દુધસાગર ડેરીના પ્રણેતા પૂર્વ સાંસદ સ્વ શ્રી માનસિંહભાઈ પટેલની જન્મ શતાબ્દીની ઉજવણી કરવામા આવીે સમારંભનું સ્વાગત પ્રવચન સહકારી આગેવાન વિસનગર તા.સહ.ખ.વે.સંઘના પ્રમુખ કે.કે.ચૌધરીએ કર્યું હતુ. તેમણે આદર્શ હાઈસ્કુલ કઈ રીતે ઉભી થઈ તેમા કોણ કોણ જોડાયુ શિક્ષણની જ્યોત કોણે કેવી રીતે જલાવી તે જણાવતા કહ્યુ કે સ્વ.માનસિંહભાઈએ કેવી રીતે ફંડ એકત્ર કર્યુ તથા કેવી મુશ્કેલીઓ આવી તેનું વર્ણન કર્યું. દુધસાગર ડેરીને સ્થાપના કઈ રીતે થઈ કોણે સહયોગ કર્યો તેના ઉપર પણ પ્રકાશ પાડયો.
સાંસદ જુગલજી ઠાકોરે જણાવ્યુ કે ભુતકાળમાં મહેમાનોનું સ્વાગત દુધથી થતુ હતુ સ્વ.માનસિંહભાઈએ ડેરી દ્વારા ખેડુત મહિલાઓને સધ્ધર કરી સમગ્ર ભારતને જોડવાનું કામ કર્યુ છે. તેઓ મહેસાણા જીલ્લાના શ્વેતક્રાંતિના પ્રણેતા હતા અને પશુપાલનને ઉદ્યોગનો દરજ્જો આપ્યો છે.
ધારાસભ્ય ઋષિકેશભાઈ એ જણાવ્યુ કે મૂલ્ય નિષ્ઠ રાજનીતિની શરૂઆત માનસિંહભાઈ, મોતીભાઈ સાંકળચંદ પટેલ દ્વારા થઈ હતી. આઝાદી પછી સમાજની ચિંતા કરનાર આગેવાન હતા તેમણે પોતાના વિસ્તાર અને દેશને આગળ લઈ જવાના પ્રયત્ન કર્યા. તેમણે ઉચ્ચ શિક્ષણ, ઉદ્યોગ, પશુપાલન વગેરે દ્વારા ખેડુતોને બીજો આધાર આપવાનો પ્રયત્ન કર્યા છે. તેમણે જિલ્લાના તમામ ખેડુતો માટે ડેરીની સ્થાપના કરી હતી.
ડેરીના ચેરપર્સન આશાબેન ઠાકોરે જણાવ્યુ કે સૈનિકોને પહાડી વિસ્તાર અને બર્ફીલા હિમાલયના શિખરોમાં ચોંકીઓ કરતા સૈનિકોને દુધની તકલીફ પડતી તેથી દુધનો પાવડર બનાવી તેમને પહોચાડવાનું ભગીરથ કાર્ય ડેરીએ કર્યુ છે. પશુપાલનથી વિધવાબેનનું ગુજરાન ચાલે છે. આજે પોતાનું અસ્તિત્વ ટકાવવા દરેકે સંઘર્ષ કરવો પડશે.
એસ.કે.યુનિના ચેરમેન પ્રકાશભાઈએ જણાવ્યુ કે સમાજમાં સંસ્થાઓ ઉભી કરનારા પોતાના પરિવારની કાળજી નથી લઈ શકતા તેટલી સંસ્થાની કાળજી રાખે છે. માનસિંહભાઈ પ્રખર સામાજીક કાર્યકર હતા. વડીલોના પુરૂષાર્થ સંસ્થાના સંચાલકો જ જાણતા હોય છે.તેમના સંઘર્ષ અને બલીદાનને યાદ રાખીશું તો જ સફળ થઈશું. વિપુલભાઈ ચૌધરીએ જણાવ્યુ કે અગાઉ અંગ્રેજો સામે સંઘર્ષ હતો પણ આજે સંઘર્ષ કયાં કરવો તે સમજણ પડતી નથી. કયારેક સંઘર્ષ અને કયારેક સમાધાનમાં અટવાઈએ છીએ આરોગ્ય અને શિક્ષણમાં પ૦ વર્ષમાં નથી થયુ એટલુ આ બન્ને વિભાગમા ખાનગી કરણ થયુ છે. આંજણા મહાસભાના પ્રમુખ શ્રી વિરજીભાઈ જુડાલે ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ આ સંસ્થા વડીલો દ્વારા શરૂ કરેલ છે. તેનો પછી દરેક જીલ્લા તાલુકામાં સામાજિક શૈક્ષણિક સંસ્થાઓની શરૂઆત થયેલ છે. જેમાં સ્વ.માનસિંહભાઈની દીર્ઘદ્રષ્ટિ રહેલ છે. આ કાર્યક્રમના ઉદ્બોધક આંજણા મહાસભાના પ્રમુખ વિરજીભાઈ જુડાલ દિયોદરના ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયા, ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ વિગેરે મહાનુભાવોએ પ્રસંગોચીત વ્યક્તવ્ય કર્યા હતા. કેળવણી મંડળના હોદ્દેદારો શાળા પરિવાર તેમજ સમાજના મહેમાનોએ મોટી સંખ્યામા હાજરી આપી હતી. આદર્શ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્વ.માનસિંહભાઈ પટેલના જીવન ઉપર આધારિત એકાંકી નાટક માનવતાની મહેક રજુ થતા હાજર સૌ કોઈ ભાવ વિભોર થયા હતા. આ પ્રસંગે સંસ્થાના પુર્વ પ્રમુખ રાજુભાઈ ચૌધરી તરફથી સ્વરૂચી ભોજન આપવામા આવ્યુ હતુ.