૨૦ મી સુધી દેળીયામાં પાણી લાવવા સીંચાઈ વિભાગ એક્શનમાં
ધારાસભ્યની અધ્યક્ષતામાં પાલિકા પ્રમુખ અને સીંચાઈ વિભાગના અધિકારીઓની મીટીંગ મળી
૨૦ મી સુધી દેળીયામાં પાણી લાવવા સીંચાઈ વિભાગ એક્શનમાં
(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
વિસનગરનું ઐતિહાસિક દેળીયુ તળાવ ધરોઈના ઓવરફ્લોથી ભરવા માટે ધારાસભ્ય કાર્યાલયમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલની અધ્યક્ષતામાં મીટીંગ મળી હતી. જે મીટીંગમાં પાલિકા પ્રમુખ, પાલિકા સભ્યો અને ધરોઈ સીંચાઈ વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી. ધારાસભ્યએ દેળીયુ તળાવ ભરવા તાકીદ કરતા સીંચાઈ વિભાગ હરકતમાં આવ્યુ છે. પાલિકા પ્રમુખ તથા તેમની ટીમ સાથે સીંચાઈ વિભાગના અધિકારીઓએ ધરોઈ કેનાલથી તળાવમાં પાણીના આવરાના માર્ગની ચકાસણી પણ કરી હતી. ૨૦ મી તારીખ સુધીમાં દેળીયામાં પાણી આવશે તેવું ધારાસભ્યએ જણાવ્યુ હતું.
વિસનગરના ઐતિહાસિક દેળીયા તળાવના પાણીના આવરાના માર્ગે દબાણો થતાં આખા ચોમાસા દરમ્યાન તળાવમાં પાણીની કોઈ આવક થઈ નથી. તળાવ ભરાયેલું રહે તો લાલ દરવાજા વોટરવર્કસનો વોરો કુવો તથા ટ્યુબવેલ તેમજ સર્વે નં.૩૦૫ ના ટ્યુબવેલ સજીવન રહે, જે કુવા અને ટ્યુબવેલમાંથી અડધા શહેરમાં પાણી પહોચતુ હોવાથી દેળીયુ તળાવ ભરવુ એ શહેરના હિતમાં છે. ધારાસભ્ય કાર્યાલયમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલની અધ્યક્ષતામાં દેળીયુ તળાવ ભરવા માટે મીટીંગ મળી હતી. આ મીટીંગમાં પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, પાલિકા સભ્ય ભરતભાઈ પટેલ, ગીરીશભાઈ પટેલ, જગદીશભાઈ ચૌહાણ, બકુલભાઈ ત્રીવેદી, કલ્પેશભાઈ પટેલ રૂપકલા, મનીષભાઈ ગળીયા, પાલિકા સભ્ય દયમંતીબેન પટેલના પતિ મુકેશભાઈ પટેલ, પાલિકા ઓ.એસ.સુધીરભાઈ કંસારા, બાંધકામ વિભાગના સીધ્ધેશભાઈ પટેલ, ધરોઈ સીંચાઈ વિભાગના નરસિંહભાઈ ચૌધરી, એસ.એસ.પીંડારીયા, વી.ટી.ઠાકોર, પરેશભાઈ રાઠોડ વિગેરેએ હાજરી આપી હતી. આ મીટીંગ ધારાસભ્યએ દેળીયુ તળાવ ભરવા માટે સીંચાઈ વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. ધરોઈ ડેમનું ઓવરફ્લો પાણી કેનાલોમાં છોડવામાં આવી રહ્યુ છે ત્યારે પાલડી રોડ ઉપરની કેનાલથી દેળીયા તળાવમાં પાણી લાવવા માટે શું કરવું પડે તેની મીટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી. પીયત સંઘ દ્વારા સીંચાઈ માટે પાણીની માગણી કરવામાં આવી નથી. શીયાળુ ખેતી માટે સીંચાઈની જરૂર પડે તો ૧૫-૧૧ બાદ પાણી છોડવામાં આવે. આ દરમ્યાન કેનાલમાં પાણી છોડી ૨૦-૧૦-૨૦૧૯ સુધીમાં તળાવમાં પાણી લાવવા માટે ધારાસભ્ય દ્વારા સીંચાઈ વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. ધારાસભ્યએ જણાવ્યુ હતું કે, ખેરવા-વિસનગર તથા ધાધુસણ-રેડ લક્ષ્મીપુરા પાઈપલાઈનનુ કામ પ્રગતિમાં છે. જે કામ માર્ચ સુધીમાં પુરૂ થવાની શક્યતા છે. આવતા ચોમાસામાં આ પાઈપલાઈન શરૂ થઈ જશે. તાલુકાના ગુંજાળા ૪, સેવાલીયાનુ , કુવાસણા ચેકડેમ તથા બીજુ એક તળાવ સુંશી સહીત ટોટલ ૧૦ તળાવો ભરવામાં આવ્યા છે. બાકીના માઈનોર અને સબ માઈનોરમાંથી તળાવો ભરાશે. વિસનગરનું પીંડારીયુ તળાવમાં પાણી શરૂ કરવામાં આવ્યુ છે. હુહુ તળાવ પણ ભરવામાં આવશે.
દેળીયુ તળાવ ધરોઈના ઓવરફ્લોથી ભરવાની ધારાસભ્યની તાકીદ બાદ સીંચાઈ વિભાગના અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા. સીંચાઈ વિભાગના અધિકારીઓએ પાલિકા પ્રમુખ સહીતની ટીમ સાથે પાલડી રોડ ઉપરની ધરોઈની કેનાલથી પાલડી ત્રણ રસ્તા સુધી રોડ સાઈડના તળાવમાં પાણીના આવરાના માર્ગની ચકાસણી કરી હતી. રેન્જ ફોરેસ્ટ ઓફીસ દ્વારા આવરાના માર્ગમાં દબાણ કરવામાં આવ્યુ છે તેની પણ નોંધ લેવામાં આવી હતી. તળાવમાં પાણીના આવરાના માર્ગે નડતરરૂપ દબાણો દુર કરવામાં આવશે. આવરાનો ભાગ સાફ કરવામાં આવશે તેમ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ જણાવ્યુ હતું. હવે જોવાનુ એ રહ્યુ કે તળાવ ખરેખર ભરાય છેકે નહી?