Select Page

ભાજપનો ગરબા મહોત્સવ અમીરથી માંડી ગરીબ વર્ગે માણ્યો

ભાજપનો ગરબા મહોત્સવ અમીરથી માંડી ગરીબ વર્ગે માણ્યો

ધારાસભ્ય ઋષિભાઈ પટેલની પ્રજા વાત્સલ્ય કામગીરી

ભાજપનો ગરબા મહોત્સવ અમીરથી માંડી ગરીબ વર્ગે માણ્યો

• સમગ્ર ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત રાજકીય પાર્ટી દ્વારા ગરબા મહોત્સવ ઉજવાયો
• ગરબા મહોત્સવની સાથે સરકારની વિવિધ યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરાયો
• વડાપ્રધાનના કટ આઉટ સાથેના સેલ્ફી ઝોનમાં સેલ્ફી લેવા પડાપડી થઈ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ભૂતકાળમાં ક્યારેય થયા ન હોય તેવા ધાર્મિક, સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરી ધારાસભ્ય ઋષિભાઈ પટેલે એક પ્રજા વાત્સલ્ય ધારાસભ્ય તરીકેની છબી ઉપસાવી છે. નવરાત્રી દરમ્યાન શહેર અને તાલુકા ભાજપ દ્વારા જે ગરબા મહોત્સવ કરવામાં આવ્યો તેમાં અમીરથી માંડીને ગરીબ વર્ગના લોકોએ લાભ લીધો હતો. તમામને લાભ મળે તેવી રીતે પાસ વિતરણ કરવામાં આવતા મજુરીયાત વર્ગ અને સફાઈ કામદારોએ પણ પ્રથમ વખત પાર્ટીપ્લોટના ગરબા મહોત્સવનો લાભ લીધો હતો. સફળ આયોજન માટે ભાજપના મોટા આગેવાનોથી નાના કાર્યકરોનુ જે ટીમવર્ક હતું તે ખરેખર કાબીલે દાદ માગી લે તેવુ હતું.
ધારાસભ્ય ઋષિભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રયત્નોથી વિસનગર શહેર અને તાલુકા ભાજપ દ્વારા નવરાત્રીની આસો સુદ પાંચમથી આસો સુદ સાતમ સુધી ત્રણ દિવસ ‘ખેલૈયા ૨૦૧૯’ રાસગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. નવરાત્રીની શરૂઆતના ત્રણ દિવસ સુધી વરસાદી હેલીના કારણે ધોધમાર વરસાદ પડતા ભાજપના નવરાત્રી મહોત્સવનો જ્યાં કાર્યક્રમ થવાનો હતો તે વિશાલ પાર્ટી પ્લોટમાં દોઢ ફૂટ પાણી ભરાયેલુ હતું. તા.૩-૧૦ ગરબા મહોત્સવ થવાનો હતો. ત્યારે ૧-૧૦ સુધી પાર્ટીપ્લોટમાં પાણી જોતા કાર્યક્રમ રદ કરવો પડે તેવી સ્થિતિ હતી. પરંતુ ભાજપના કાર્યકરોની રાત દિવસની મહેનતના કારણે પાણીનો નિકાલ થતાં નિર્ધારીત દિવસે અને સમયે ગરબા મહોત્સવ શક્ય બન્યો હતો. કાંસા એન.એ.સરપંચ અમીષાબેન પરમારના પતિ રાજુભાઈ પરમાર તથા કાંસાના સરપંચ ભરતભાઈ ગામીનો પાણીના નિકાલ માટેનો સહયોગ નોંધપાત્ર રહ્યો હતો.
ગરબા મહોત્સવના મુખ્ય સ્પોસરર ગાંધીનગર અને વિસનગરના જાણીતા બીલ્ડર કનુભાઈ ચૌધરી તથા તેમના ભાગીદારોના સહયોગથી તા.૩-૧૦ થી ૫-૧૦ સુધી ગરબા મહોત્સવ ઉજવાયો હતો. રાજ્યસભાના સાંસદ જુગલજી લોખંડવાલા, પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ, જીવાભાઈ પટેલ, પ્રદેશ યુવા ભાજપ મોરચાના પ્રમુખ ર્ડા.રૂત્વીક પટેલ, જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અશોકભાઈ ચૌધરી પ્રમુખ ગૃપના કનુભાઈ ચૌધરી તથા તેમના ભાગીદારો, તાલુકા અને જીલ્લાના મોટાભાગના અધિકારીઓ શહેર અને તાલુકાના આગેવાનો વિગેરેએ મોટી સંખ્યામાં હાજરી આપી. ગરબાની રમઝટ માણી હતી. અધિકારીઓ તેમના પરિવાર સાથે ગરબા મહોત્સવનો આનંદ માણ્યો હતો. તા.૩-૧૦ ના રોજ તૃષા રામી, તા.૪-૧૦ ના રોજ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલનો પુત્ર જાણીતા સ્ટેજ કલાકાર સાગર પટેલ તથા તા.૫-૧૦ ના રોજ નિતિનભાઈ બારોટે ગરબાની રમઝટ બોલાવી હતી.
આ ગરબા મહોત્સવમાં ધારાસભ્ય તથા તેમના પરિવારે સતત ત્રણ દિવસ હાજરી આપી હતી. મોટી સંખ્યામાં ગરબે રમતા લોકોને નિહાળી ધારાસભ્ય ઋષિભાઈ પટેલ પણ પ્રથમ વખત ગરબે ઘૂમ્યા હતા. સમગ્ર ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત એક રાજકીય પાર્ટી દ્વારા આવો ભવ્ય ગરબા મહોત્સવ થયો હતો. જેમાં બેટી બચાવો, બેટી પઢાવો, સ્વચ્છ ભારત અભિયાન, કલમ ૩૭૦, સરકારની વિવિધ યોજનાઓને લગતા બેનરો લગાવી આ સંદર્ભે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મોટા બેનર લગાવવામાં આવ્યા હતા. ગરબા મહોત્સવમાં વડાપ્રધાનના કટ આઉટ સાથેનો એક સેલ્ફી ઝોન ઉભો કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઐતિહાસિક નિર્ણયો લઈ દેશની જનતાના હૃદયમાં એક આગવુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ત્યારે તેમના કટ આઉટ સાથેની સેલ્ફી લેવા માટે પડમપડા થઈ હતી. લોકોનો ઘસારો જોતા અવ્યવસ્થા ન સર્જાય તે માટે એક વખત તો સેલ્ફી ઝોન બંધ કરવાની ફરજ પડી હતી.
શહેર અને તાલુકા ભાજપ દ્વારા ભાજપના આ ગરબા મહોત્સવનો તમામ વર્ગના લોકોને લાભ મળે તે રીતે પાસનું વિતરણ કરવામાં આવ્યુ હતું. તાલુકાના ગામડામાંથી પ્રથમ વખત લોકોએ ગરબા મહોત્સવનો લાભ લીધો હતો. મજુરીયાત વર્ગના અને સફાઈ કામદારોએ પણ આ ગરબા મહોત્સવની મજા માણી હતી. શહેર અને તાલુકાની બેન દિકરીઓ સહીસલામત સુરક્ષીત વાતાવરણમાં ગરબે ઘુમી હતી. ગરબા મહોત્સવના ત્રણ દિવસ વિવિધ કેટેગરીમાં નંબરો આપી ટ્રોફી અને ઈનામો આપવામાં આવ્યા હતા. આ ગરબા મહોત્સવના આમંત્રણને માન આપી હાજર રહેનાર શહેર અને તાલુકાના આગેવાનોનુ તેમજ અન્ય મહાનુભાવોનું ધારાસભ્યના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતું.
ધારાસભ્ય ઋષિભાઈ પટેલે આ ગરબા મહોત્સવ યોજી ઉત્તર ગુજરાતમાં એક દાખલો બેસાડ્યો છે. લોકોને પ્રેરણા પુરી પાડી રથયાત્રામાં મોસાળા મહોત્સવ, ભાદરવી પુનમના મેળામાં પદયાત્રા સેવાકેમ્પ અને નવરાત્રીમાં ગરબા મહોત્સવ યોજી ધારાસભ્યએ પ્રજા વાત્સલ્ય સેવક તરીકેની છબી ઉપસાવી છે. ખેલૈયા ૨૦૧૯ ગરબા મહોત્સવને સફળ બનાવવા શહેર અને તાલુકા ભાજપના તમામ કાર્યકરોની નિઃસ્વાર્થ ભાવે તનતોડ મહેનત દાદ માગી લે તેવી હતી. આ તમામ કાર્યકરોનુ ધારાસભ્ય ઋષિભાઈ પટેલે સન્માન કરી આભાર માન્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us