Select Page

વિસનગરથી અમદાવાદની હવે ફક્ત રૂા.૨૫ માં મુસાફરી

વિસનગરથી અમદાવાદની હવે ફક્ત રૂા.૨૫ માં મુસાફરી

૧૫ મી ઓક્ટોબર ઐતિહાસિક દિવસ – મહેસાણા વડનગર ડેમુ ટ્રેનનું ભવ્ય સ્વાગત

વિસનગરથી અમદાવાદની હવે ફક્ત રૂા.૨૫ માં મુસાફરી

• સાંસદ શારદાબેન પટેલ ડેમુ ટ્રેનમાં મહેસાણાથી વિસનગર સુધી પ્રથમ પેસેન્જર બની મુસાફરી કરી
• વિસનગર રેલ્વે સ્ટેશનમાં ડેમુ ટ્રેનમાંથી ઉતરેલા સાંસદનું ધારાસભ્ય ઋષિભાઈ પટેલે સ્વાગત કર્યુ
• ડેમુ ટ્રેન આવતી જોઈનેજ લોકોએ કીકીયારીઓ પાડી ભારત માતા કી જયના સુત્રોચ્ચાર સાથે ખુશાલી વ્યક્ત કરી
• જેમના પ્રયત્નોથી બ્રોડગેજ રેલ્વેના પાયા નંખાયા તેવા બન્ને પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ અને જયશ્રીબેન પટેલે હાજરી આપી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
૧૫ મી ઓક્ટોબર ૨૦૧૯ નો મંગળવારનો દિવસ વિસનગરના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ દિવસે મહેસાણા વડનગર બ્રોડગેજ લાઈન ઉપર ડેમુ ટ્રેનનું વિસનગરમાં આગમન થતાજ લોકોના મનમાં ખુશી સમાતી નહોતી. બ્રોડગેજ લાઈન માટે જેમની મહેનત હતી તે રેલ્વે અભિયાન એસો.ના સભ્યો, બન્ને પૂર્વ સાંસદો, ધારાસભ્ય તથા કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજરી આપી વિસનગરમાં પ્રથમ વખત આગમન કરતી ડેમુ ટ્રેનનુ ભવ્ય સ્વાગત કર્યુ હતું.
મીટરગેજ ઉપરની ડેમુટ્રેન બંધ થયા બાદ લગભગ ત્રણ વર્ષે બ્રોડગેજ લાઈન ઉપર શરૂ થયેલી ડેમુ ટ્રેન વિસનગરમાં આગમન કરતાજ આ સમયે રેલ્વે સ્ટેશન ઉપર હાજર લોકોની ખુશી સમાતી નહોતી. ટ્રેન આવતાજ લોકોએ કીકીયારીઓ પાડી ભારત માતા કી જય બોલાવી આ ઐતિહાસિક દિવસની ખુશી મનાવી હતી. સાંસદ શારદાબેન પટેલ મહેસાણા રેલ્વે સ્ટેશનથી ડેમુ ટ્રેનમાં બેસી વિસનગર રેલ્વે સ્ટેશન સુધી મુસાફરી કરી હતી. જેઓ ડેમુ ટ્રેનમાંથી ઉતરતાજ ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, મજુર સહકારી મંડળીના ચેરમેન પી.સી.પટેલ, જશુભાઈ પટેલ, પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ, જયશ્રીબેન પટેલ વિગેરેએ સાંસદ શારદાબેન પટેલનું સ્વાગત કર્યુ હતું. મહેસાણા તારંગા અંબાજી બ્રોડગેજ રેલ્વે અભિયાન એસોસીએશનના પ્રમુખ એવમ વિસનગર વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલે તથા અભિયાન એસો.ના સભ્યોએ ડેમુ ટ્રેનના એન્જીનના ભાગે હાર પહેરાવી, શ્રીફળ વધેરી તેમજ ડેમુ ટ્રેનના ડ્રાઈવરને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. વિસનગર ભાજપ, વિસનગર વેપારી મહામંડળ, વિસનગર ચેમ્બર ઓફ કોમર્સ, રેલ્વે અભિયાન તથા એસોસીએશને ડેમુ ટ્રેનનું સ્વાગત કરતા બેનરો પ્રદર્શિત કર્યા હતા.
એક સમય એવો આવ્યો હતો કે, મહેસાણા તારંગા રેલ્વે લાઈનના પાટા ઉખડી જવાના હતા.રેલ્વેે લાઈન બંધ થઈ જવાની હતી ત્યારે જેમના પ્રયત્નોથી આ રેલ્વે લાઈન બંધ થતા અટકી તેવા બાબુભાઈ વાસણવાળા, જે.કે.ચૌધરી, વિક્રમભાઈ પટેલ, જશુભાઈ બારોટ ખેરાલુ વગેરે આગેવાનો તેમજ જેમના પ્રયત્નોથી મીટર ગેજ લાઈન ફરીથી ડેમુ ટ્રેન શરૂ થઈ અને બ્રોડગેજ લાઈન માટે બજેટમા જોગવાઈ કરવામાં આવી તેવા બંન્ને પુર્વ સાંસદ જીવાભાઈ પટેલ અને જયશ્રીબેન પટેલને પણ લોકોએ અભિનંદન આપ્યા હતા. વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, શહેર તાલુકા ભાજપના હોદ્દેદાર, કાર્યકરો, પાલિકા સભ્યો, વેપારી અગ્રણીઓ વિગેરેએ હાજરી આપી આ ખુશીમા સહભાગી થયા હતા.
જ્યારે તારંગા – અમદાવાદ રેલ્વે ચાલુ હતી ત્યારે વિસનગર સહીત આ રેલ્વે લાઈનના શહેરના વેપારીઓ રેલ્વેમા બેસી અમદાવાદ જતા અને સાંજની ટ્રેનમાં પરત ફરતા હતા. રેલ્વે ભાડુ સસ્તુ પડતુ હોવાથી મોટા ભાગના વેપારીઓ ટ્રેનની મુસાફરી કરતા હતા. ડેમુ ટ્રેન શરૂ થતા એ સમય ફરીથી આવી ગયો છે. વિસનગર થી અમદાવાદ હવે ફક્ત રૂા.૨૫/- મા રેલ્વે મુસાફરી કરી શકાશે. વિસનગર- અમદાવાદ લોકલ બસ ભાડું રૂા. ૪૯/-, એક્સપ્રેસ ભાડુ રૂા.૮૧/-, અને ગુર્જરનગરી ભાડુ રૂા. ૯૧/- છે. વિસનગર રેલ્વે સ્ટેશનથીજ અમદાવાદ સુધીની ટિકીટ લઈ મહેસાણા ઉતરી અન્ય ટ્રેનોમા અમદાવાદ સુધી મુસાફરી કરી શકાશે. જોકે જેમની પ્રબળ ઈચ્છા શક્તિથી અને પ્રયત્નોથી બ્રોડગેજ રેલ્વે લાઈન ઉપર ડેમુ ટ્રેન શરૂ થઈ તેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ પ્રસંગે યાદ કરી લોકોએ તેમનો ખુબ ખુબ આભાર માન્યો હતો. વડનગર થી તારંગા સુધીની લાઈનનું કામ ઝડપી થાય અને ટ્રેન શરૂ થાય. પહેલાની જેમ તારંગાથી અમદાવાદ ટ્રેન શરૂ થાય તેમજ તારંગાથી અંબાજી આબુરોડ સુધીની લાઈનનુ કામ શરૂ થાય તેવી લોકોએ આશા વ્યક્ત કરી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us