દિવાળીમાં બંધ મકાનમાં ચોરી અટકાવવા પોલીસ પ્રયત્નશીલ
દિવાળીમાં મકાન બંધ કરી ગામડે જતા તેમજ ફરવા જતા લોકોને તાકીદ
દિવાળીમાં બંધ મકાનમાં ચોરી અટકાવવા પોલીસ પ્રયત્નશીલ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
દિવાળીમાં મકાનો બંધ કરી ગામડે જતા તેમજ ફરવા જતા લોકોને થોડી સાવચેતી રાખવા વિસનગર શહેર અને તાલુકા પોલીસ દ્વારા તાકીદ કરવામા આવી છે. બંધ મકાનોમાં ચોરીના બનાવો અટકાવવા પોલીસ એકશનમાં આવી છે.
વિસનગર શહેરમાં કેટલાક લોકો મકાનો બંધ કરી દીવાળીના તહેવારમાં ગામડે જતા હોય છે. જયારે ગામડામા રહેતા લોકો મકાનો બંધ કરી દિવાળીમાં ફરવા જતા હોય છે. દિવાળીમા ગામડે તેમજ ફરવા જતા લોકોના બંધ મકાનો ચોરીનો ભોગ ન બને તે માટે વિસનગર શહેર અને તાલુકા પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા સુચના જારી કરવામા આવી છે. પોલીસ દ્વારા જણાવાયુ છે.કે (૧) આગામી તા.ર૭-૧૦-૧૯ના રોજ દિવાળીનો તહેવાર આવનાર હોઈ અને તા.ર૪-૧૦-૧૯થી તા.૧૩-૧૧-૧૯ સુધી શાળાઓમા વેકેશન જાહેર થયેલ હોઈ જે વેકેશન દરમ્યાન જે કોઈ વ્યક્તિઓ પોતાનુ રહેણાંક મકાન બંધ કરીને જાય તો પાડોશીને અગર તો પોલીસ સ્ટેશનમાં તેઓના મોબાઈલ/ ટેલીફોન નંબર સાથેની કેટલા દિવસ માટે બહાર ગામ જનાર છે જેની માહિતી આપવી.
(ર) મકાન બંધ કરીને જાય ત્યારે ઘરમાં કોઈપણ પ્રકારની રોકડ રકમ કે સોના-ચાંદીના દાગીના બંધ મકાનમાં રાખવા નહી. (૩) ગામમાં આવેલ છેલ્લી ઓળમાં તથા ખેતરોમાં રહેતા વ્યક્તિઓ પોતાના મકાનો બંધ કરીને દિવાળીના સમય દરમ્યાન ન જાય તે ખાસ ધ્યાન રાખવું અને જાય તો પોલીસને જાણ કરવી. (૪) રાત્રીના સમય દરમ્યાન ગામમાં સોસાયટી વિસ્તારમા દિવાળી વેકેશન દરમ્યાન ચોકી માટે ટીમ બનાવવી અને રાત્રી દરમ્યાન પોલીસની ગાડી પેટ્રોલીંગમા આવે ત્યારે તેઓને સહકાર આપવો અને બંધ મકાનની વિગત જણાવવી. (પ) ગામમાં આવેલ દુધ મંડળીનો પગાર થાય ત્યારે સાવચેતી રાખવી. (૬) ગામમાંથી શહેરમાં ખરીદી કરવા માટે જાવ ત્યારે સોનાના દાગીના કે વધુ રોકડ રકમ લઈ જવુ નહી અને જાવ તો સાવચેતી રાખવી. (૭) દિવાળીના તહેવાર દરમ્યાન કોઈ સંજોગોમા કોઈ મોટી રકમ લઈ ગામમાંથી શહેરમાં જવાનુ થાય ત્યારે વિસનગર પોલીસ સ્ટેશનમાંથી પોલીસ જપ્તો મેળવીને જવું. (૮)કોઈ શંકાસ્પદ માણસ જણાઈ આવે તો તેની પુછપરછ કરી પોલીસ સ્ટેશનમાં જાણ કરવી. (૯)ગામમાં તહેવારો દરમ્યાન કોઈ બહારના ઈસમો સોના-ચાંદીના દાગીના ધોવા માટે આવે તો તેઓને બેસાડી પોલીસ સ્ટેશનમા જાણ કરવી. (૧૦) ગામમાં કે સોસાયટીમા કોઈ અજાણ્યો ઈસમ આવે ત્યારે તેની પુછપરછ કરી તેની માહિતી લેવી તેમજ તેના ફોટા પાડવા તેમજ આ બાબતે પોલીસ સ્ટેશનમા જાણ કરવી. (૧૧) બહારગામ જવાનુ થાય ત્યારે ઘરમાં ડીમ લાઈટનો બલ્બ અવશ્ય ચાલુ રાખવો. (૧ર) પરિવાર સાથે બહાર ગામ જવાનુ થાય ત્યારે પાડોશીને ઘરે સુવા અંગે જાણ કરવી.વધુ જાણકારી માટે તેમજ પુછપરછ માટે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનનો તથા વિસનગર સીટી પોલીસ સ્ટેશનનો ફોન નં.૦ર૭૬પ-ર૩૧૩૦૦ ઉપર સંપર્ક કરવો.