ભાજપના ગંદા રાજકારણની આડાશથી દેળીયામાં પાણી આવતુ રોકાયુ?
કોના ઈશારાથી ધરોઈ ડેમમાંથી કેનાલમાં પાણી છોડવાનુ અટક્યુ
ભાજપના ગંદા રાજકારણની આડાશથી દેળીયામાં પાણી આવતુ રોકાયુ?
ધારાસભ્ય ઋષિભાઈ પટેલનો દેળીયુ ભરવાનો પ્રયત્ન નિષ્ફળ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર દેળીયુ તળાવ ભરવા માટે સીંચાઈ વિભાગના અધિકારીઓની મીટીંગ મળી હતી. તળાવમાં પાણી લાવતા આવરાના માર્ગો પાલિકા દ્વારા સાફ કરવામાં આવ્યા હતા. તળાવમાં પાણીના વધામણાની તૈયારીઓ થઈ ગઈ હતી અને અચાનક ધરોઈ ડેમમાંથી કેનાલમાં પાણી છોડવાનુ બંધ કરવામાં આવતા તળાવ ભરવાના ધારાસભ્યના પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા હતા. કોના ઈશારે કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવાનો નિર્ણય લેવાયો તે ચર્ચાનો વિષય બન્યો છે. શહેરની ભાજપની ગંદી રાજ રમતોમાં પાણી આવતુ અટક્યુ હોવાની પણ અંદરખાને ચર્ચાઓ ચાલી રહી છે.
વિસનગરમાં ભાજપનુ ગંદુ રાજકારણ અને નબળી નેતાગીરીના કારણે નર્મદા ડેમના તેમજ ધરોઈ ડેમના ઓવરફ્લો પાણીથી વિસનગરના તળાવો ભરવાની તક ચુકી ગયા હોવાનુ જાણવા મળ્યુ છે. શહેરના ઐતિહાસિક દેળીયા તળાવમાં ચોમાસા પાણીની કોઈ આવક ન થતા ધરોઈ ડેમના ઓવરફ્લો પાણીથી તળાવ ભરવા માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં તેમના કાર્યાલયમાં સીંચાઈ વિભાગના અધિકારીઓની હાજરીમાં મીટીંગનુ આયોજન કરાયુ હતુ. જેમાં પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી અને અન્ય કોર્પોરેટરોએ પણ હાજરી આપી હતી. ધારાસભ્યએ મીટીંગના અંતે ૨૦-૧૦ સુધીમાં દેળીયામાં ધરોઈનું પાણી લાવવા તાકીદ કરતા સીંચાઈ વિભાગ દ્વારા તાત્કાલીક સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. પાલિકા પ્રમુખની સુચનાથી પણ પાલડી રોડ ઉપરની કેનાલથી પાલડી ત્રણ રસ્તા સુધી આવરાનો ભાગ સાફ કરવામાં આવ્યો હતો. કેનાલથી તળાવમાં પાણી આવતુ રોકતા તમામ આડાશો, કચરો, ઝાડી ઝાંખરા દુર કરવામાં આવ્યા હતા. ધરોઈના પાણીથી દેળીયુ તળાવ ભરવાની તમામ કામગીરી નિર્ધારીત સમયમર્યાદામાં પુર્ણ થઈ ગઈ હતી. કેનાલનું પાણી આગળ ન જાય તે માટે રેતી ભરેલી થેલીઓ પણ પાલિકા દ્વારા ગોઠવવામાં આવી હતી.
તા.૨૦-૧૦ ના રોજ દેળીયા તળાવમાં પાણી આપવાનુ હતુ. સવારે પાલડી રોડ ઉપરની કેનાલમાંથી પાણી છોડવામાં આવે તો બપોર સુધીમાં તળાવમાં પાણી આપવાની શક્યતાથી બપોરે દોઢ થી બે ના ગાળામાં દેળીયામાં પાણી વધામણાની પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી દ્વારા તૈયારીઓ શરૂ કરી હતી. જેમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, તેમના જુથના કોર્પોરેટરો તથા કાર્યકરો પણ ઉપસ્થિત રહેવાના હતા. ત્યારે સાંજ સુધી પાણી આવ્યુ નહોતુ. જે બાબતે તપાસ કરવામાં આવતા તા.૨૦-૧૦ ની જગ્યાએ હવે ૨૧-૧૦ ના રોજ ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવશે તેવી સુચના મળી હતી. ૨૦-૧૦ ના રોજ તળાવમાં પાણીના જે વધામણા કરવામાં આવનાર હતા તેની જગ્યાએ તા.૨૧-૧૦ ના રોજ વધામણા કરવાની તૈયારીઓ શરૂ કરાઈ. તા.૨૧-૧૦ ના રોજ સવારે તળાવમાં કેટલા વાગે પાણી આપવાનુ છે તે માટે પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીનો સંપર્ક કરવામાં આવતા પ્રમુખે જણાવ્યુ હતું કે, કેનાલમાં ક્યાંક ગાબડું હોવાથી કેનાલમાં પાણી છોડવાનુ અટકાવ્યુ છે. જેથી હવે તળાવ ભરવાનું હાલ મોકુફ રાખવામાં આવ્યુ છે. પ્રમુખે જણાવ્યુ હતું કે, આ બાબતની ધારાસભ્યને પણ જાણ કરવામાં આવી છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે હસતા મોઢે હાર સ્વિકારતા હોય તેમ જણાવ્યુ હતું કે, કેનાલમાં ક્યાંક ગાબડુ હોવાથી હાલમાં તળાવ ભરવાનુ શક્ય નથી. સીંચાઈ વખતે કેનાલમાં પાણી છોડવામાં આવશે ત્યારે તળાવ ભરી શકાશે. ખેડૂતોની સીંચાઈ માટે જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવશે ત્યારે તળાવમાં પાણી છોડવા દેવા ખેડૂતો સંમત થશે ખરાં?
કારણ ગમે તે આપવામાં આવ્યુ હોય પરંતુ વિસનગર શહેર ભાજપની ગંદી રાજરમતની આડાશના કારણે દેળીયામાં પાણી આવતુ રોકાયુ હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. કેનાલ તુટેલી હતી તો સીંચાઈ વિભાગના અધિકારીઓએ ધારાસભ્ય સમક્ષની મીટીંગમાં કેમ જાણ કરી નહી. એક તરફ શહેરના વિકાસની વાત થાય અને બીજી તરફ ગંદી રાજ રમતમાં પાછલા બારણે શહેરના અહિતની કામગીરી થતી હોય તો વિકાસ કંઈ રીતે થવાનો છે.