Select Page

પ્રમુખ ગોવિંદભાઈ પટેલે વીટો વાપર્યો-ચીફ ઓફીસરની બદલી

પ્રમુખ ગોવિંદભાઈ પટેલે વીટો વાપર્યો-ચીફ ઓફીસરની બદલી

ચોમેરથી ફરિયાદો વધતા – કર્મચારીઓ બેફામ થતાં
પ્રમુખ ગોવિંદભાઈ પટેલે વીટો વાપર્યો-ચીફ ઓફીસરની બદલી
(પ્ર.ન્યુ. સ.) વિસનગર,રવિવાર
ટકાવારીની લાલચે મોટાભાગના પાલિકા પ્રમુખો ચીફ ઓફીસર સાથે સારા સબંધો રાખતા હોય છે. જ્યારે પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ ટકાવારીની લાલચમાં ચીફ ઓફીસર સાથેના સબંધોની દરકાર કર્યા વગર, પ્રજાને પડતી હાલાકીને ધ્યાનમાં રાખી લાલ આંખ કરી, વીટો પાવર વાપરી ચીફ ઓફીસર વિરુધ્ધ શહેરની વિકાસમાં ફરિયાદો કરી હતી. જે ફરિયાદોથી તંત્ર દોડતુ થયુ અને ચીફ ઓફીસરની તાત્કાલીક અસરથી બદલી થઈ. ગોવિંદભાઈ ગાંધીની પ્રજાહિતમાં અધિકારી વિરુધ્ધની કડકાઈથી તેમની પ્રજાભિમુખ પ્રમુખ તરીકેની છાપ ઉપસી છે.
વિસનગર પાલિકામાં વિકાસમંચ અને કોંગ્રેસના ૨૯ સભ્યોની બહુમતીવાળી સત્તા હતી ત્યારે કેટલાક વિવાદો બાદ કરતા નિયમિત પાલિકાનો વહિવટ ચાલતો હતો. ઉનાળા સીવાય નિયમિત પીવાનુ પાણી મળતુ હતુ. સ્વચ્છતા થતી હતી. લોકોના પ્રશ્નોનો નિકાલ થતો હતો. પરંતુ જ્યારથી વિકાસમંચના તમામ ૧૭ અને કોંગ્રેસના ૪ સભ્યો ભાજપમાં જોડાયા અને પાલિકામાં ભાજપની બહુમતી થઈ ત્યારથી વિકાસ વધવાની જગ્યાએ અને વહીવટ સુધરવાની જગ્યાએ પાલિકાનો વહીવટ ખાડે ગયો હતો. પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીને બદનામ કરવા જાણે ચીફ ઓફીસર કોઈના દોરી સંચારથી કામ કરતા હોય તેમ પાલિકામાં ફરિયાદોનો ખડકલો થઈ ગયો હતો. ભાજપની બહુમતી વાળી સત્તામાં પાણી, લાઈટ, સ્વચ્છતા, વિકાસ, ગંદકી, ગટરો ઉભરાવી, રખડતા ઢોરની મુશ્કેલી વિગેરે અનેક પ્રશ્નોનો ખડકલો થતા ભાજપ વગોવાતુ હતુ. ચીફ ઓફીસરની ખોટા પીઠબળના કારણે પાલિકાના કેટલાક કર્મચારીઓ પણ પ્રમુખને લાલ આંખ બતાવી ગાંઠતા નહોતા. સભ્યોનુ તો કર્મચારીઓ આગળ કંઈ ઉપજતુ નહોતુ. એક સમયે તો એવી પરિસ્થિતિ થઈ હતી કે પીવાના પાણીની મુશ્કેલીમાં પ્રમુખની સુચના છતાં ફાયર સ્ટેશનમાંથી ટેન્કર બહાર નીકળતુ નહોતુ. ચીફ ઓફીસર કહે તોજ ટેન્કરને સેલ વાગતો હતો. કોઈના ઈશારે ચીફ ઓફીસર પ્રમુખને ભીસમાં લેવા માગતા હોય તેમ જણાતુ હતુ.
પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી પણ સમજતા હતા કે તેમના ઉપર ખોટી કિન્નાખોરી રાખવાના કારણે, પોતે પ્રમુખની ખુરશી ઉપર બેઠા હોવાનુ ગમતુ નહી હોવાના કારણે ચીફ ઓફીસર કોઈના ઈશારે પ્રજાને ખોટી રીતે હેરાન કરી બાનમાં લઈ રહ્યા છે. પ્રમુખે મૌખીક ચર્ચાઓ અને રજુઆતો કરવા છતાં વહીવટ ઠેકાણે ન પડતા તેમણે શહેરની જનતાના હિતમાં જે વીટો વાપર્યો છે તે ખરેખર પ્રશંસનીય અને આવકારણીય છે.
• ચીફ ઓફીસર સાથે સબંધ સાચવવાની જગ્યાએ પ્રમુખે લોકોની મુશ્કેલીઓને પ્રાધાન્ય આપ્યુ
• પ્રમુખ ભાજપના હોવા છતાં શહેર ભાજપને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી હતી
• ચીફ ઓફીસરની ખોટી છત્રછાયાના કારણે મોફાટ થયેલા અને લોકોને ઉધ્ધત જવાબ આપતા કર્મચારીઓને શબક શીખવવા માગણી
• વિસનગર ચીફ ઓફીસર સંજયભાઈ પટેલની ગોધરા પાલિકામાં બદલી, જ્યારે ગોધરા ચીફ ઓફીસર અશ્વીનભાઈ આર.પાઠકની વિસનગર પાલિકામાં ચીફ ઓફીસર તરીકે નિમણુંક
• પાલિકાના કેટલાક કોન્ટ્રાક્ટરો પણ છેલ્લા કેટલાક સમયથી મનમાની કરી રહ્યા હતા
• જીલ્લા ભાજપ સંગઠનની સંકલનમાં હાજર મોટાભાગના સભ્યોએ ચીફ ઓફીસર સાંભળતા નહી હોવાની રજુઆત કરી હતી
વારંવાર રજુઆતો અને વિનંતીઓ કરવા છતાં પ્રજાના હિતને લક્ષમાં રાખી ચીફ ઓફીસર સુધરવાનું નામ નહી લેતા છેવટે પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ તા.૧૧-૧૧-૨૦૧૯ ના રોજ એકજ દિવસે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના સચીવને ચાર પત્ર લખતા સમગ્ર તંત્ર સફાળુ જાગ્યુ હતુ. પ્રમુખે કંઈ બાબતે ચીફ ઓફીસર વિરુધ્ધ રજુઆતો અને આક્ષેપ કર્યા તે જોઈએ તો,
• પીવાના પાણી પ્રશ્ને પ્રજાને બાનમાં લેવા બાબતે :-
પ્રમુખે શહેરી વિકાસ સચીવને રજુઆત કરી હતી કે, ધરોઈ પાણી પુરવઠા બોર્ડ દ્વારા શહેરને પુરતા પ્રમાણમાં પાણી પુરૂ પાડવામાં આવે છે. પાલિકાને ૮ ટ્યુબવેલમાંથી પુરતા પ્રમાણમાં પાણી મળે છે. તો વિસનગરની પ્રજાનો શું વાંક? આતરા દિવસે કેમ પાણી આપવામાં આવે છે? સરકારનો હેતુ પ્રજાને રોજેરોજ પાણી આપવાનો છે. તો આ ચીફ ઓફીસરની વહીવટી અણ આવડત છેકે પછી સરકારને બદનામ કરવાનો બદઈરાદો છે. આ અધિકારીએ પ્રજાને બાનમાં લીધી છે.
• ૧૧ માસના કરારે કર્મચારીઓને ગેરકાયદેસર નિમણુંક બાબતે :-
આ મુદ્દે પ્રમુખે શહેરી વિકાસમાં રજુઆત કરી હતી કે, પાલિકામાં કેટલાય સમયથી ૧૧ માસના કરારથી ભરતી પ્રક્રિયા ચલાવવામાં આવે છે. આ ચીફ ઓફીસર પોતાના મળતીયાઓની ભરતી કરે છે. કર્મચારીઓની ભરતીમાં પ્રમુખને જાણ કરવામાં આવતી નથી. કેટલાક કર્મચારીઓ બન્ને બાજુ નોકરી કરે છે. ચીફ ઓફીસરને જાણ કરવા છતાં આવા કર્મચારીઓને કરાર ઉપર રાખવામાં આવ્યા છે. જેના કારણે પાલિકાની આબરૂ અને ઈજ્જત ખરડાય છે.
• વિસનગર પાલિકા વિસ્તારમાં સફાઈ નહી થવા બાબતે :-
આ બાબતે પ્રમુખે રજુઆત કરી છેકે, સરકાર દ્વારા સ્વચ્છતા માટે લાખ્ખોની ગ્રાન્ટ આપવામાં આવે છે. સફાઈ કામદારોને સરકાર દ્વારા પુરતા પ્રમાણમાં સાધન સામગ્રી આપવામાં આવે છે. ત્યારે આ ચીફ ઓફીસરને શહેરની સફાઈ કરવામાં કોઈ રસ હોય તેમ લાગતુ નથી. જાહેર રસ્તાઓ ઉપર ગંદકી છે. કચરાના ઢગલા છે. ગટરો ઉભરાય છે. પ્રજા હેરાન થાય છે. રખડતા ઢોરના કારણે વારંવાર અકસ્માત થાય છે. ચીફ ઓફીસરની અણ આવડતથી શહેરમાં રોગચાળો ફેલાયો છે. ડેન્ગ્યુ અને સ્વાઈન ફ્લુ જેવા ઘાતક રોગના અસંખ્ય કેસો જોવા મળે છે. જેના કારણે નાગરિકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે.
• શહેરમાં ધમધમતા ગેરકાયદેસર બાંધકામ બાબતે :-
આ બાબતે શહેરી વિકાસમાં પત્ર લખી પ્રમુખે રજુઆત કરી છેકે, પાલિકામાં ટાઉન પ્લાનીંગ વિભાગની દેખરેખમાં પ્લાન વિરુધ્ધ એન.એ. મંજુરી સીવાય ગેરકાયદેસર બાંધકામો અંધાધુંધ મુખ્ય અધિકારીની જાણમાં થઈ રહ્યા છે. આવા બાંધકામો સામે એક સભ્ય દ્વારા કમિશ્નરમાં રજુઆત કરતા તપાસ કરવા કમિશ્નરશ્રીએ હુકમ પણ કરેલ છે. તેમ છતાં આ અધિકારી દ્વારા તેમની છત્રછાયા નીચે શહેરમાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે. એમાં મોટા ભ્રષ્ટાચારની શંકા છે.
• પ્રમુખે શહેર ભાજપ સંગઠનને પત્ર લખીને પણ નારાજગી વ્યક્ત કરી
ભાજપના પ્રમુખ હોય અને પ્રજાની મુશ્કેલીઓ લક્ષમાં રાખી ભાજપ સંગઠન સમક્ષ નારાજગી વ્યક્ત કરી હોય તેવા ગોવિંદભાઈ ગાંધી પ્રથમ પ્રમુખ છે. પ્રમુખે શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી હતી કે, ભાજપના ધારાસભ્ય હોય, પાલિકામાં ભાજપના પ્રમુખ હોય અને શહેરના લોકોને તકલીફ ભોગવવી પડે તે કેટલુ યોગ્ય કહેવાય. અમારી અને ભાજપની ટીકા થાય તેવા કાર્યો ચીફ ઓફીસર કરી રહ્યા છે. ચીફ ઓફીસરે મળતીયા કર્મચારીઓને ભરમાવ્યા છેકે, ધારાસભ્ય, પ્રમુખ કે કોર્પોરેટરોનુ સાંભળવુ નહી. ચીફ ઓફીસરના મળતીયા કોર્પોરેટરોનુજ સાંભળવા કર્મચારીઓને સુચના આપવામાં આવી છે. મળતીયા કોર્પોરેટરો પોતાના હિત અને સ્વાર્થમાં ભાજપની આબરૂ બગાડી રહ્યા છે. ચીફ ઓફીસરના મળતીયા કોર્પોરેટરોની સુચના અને દોરવણીથીજ પ્રજાના પ્રશ્નોનો તેમજ કામોનો નિકાલ થવા દેવામાં આવતો નથી. સફાઈ, પાણી તેમજ લાઈટમાં પ્રજા બુમો પાડે અને ભાજપ તથા પ્રમુખ બદનામ થાય તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. જેના કારણે પ્રમુખ અને ધારાસભ્ય સાથે રહેલા કોર્પોરેટરો નગરની જનતાને મો બતાવવા લાયક રાખ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનુ સપનુ છે કે દેશની જનતાને પાણી મળે અને સ્વચ્છતા મળે. ત્યારે પાલિકામાં ભાજપનુ શાસન ચીફ ઓફીસરને ખમાતુ નથી. ધારાસભ્ય તથા પ્રમુખની છબી ખરડાવ તેવા કામો કરે છે. આવા ચીફ ઓફીસર વિરુધ્ધ કડક પગલા ભરવા.
• કરોડોની ગ્રાન્ટ પડી છે છતાં વિકાસ થતો નથી
છેલ્લા કેટલાક સમયથી વિકાસના કોઈ ટેન્ડર પડ્યા નથી. તે બાબતે પ્રમુખે રોષ ઠાલવ્યો છેકે, રૂા.૭ કરોડની વિવિધ ગ્રાન્ટ પડી છે. વિકાસ કામ કરવા ચીફ ઓફીસરને વારંવાર રજુઆત તથા ભલામણ કરી છે. પરંતુ ચીફ ઓફીસર વિવિધ વિકાસ કામમાં ખોટી ખામીઓ કાઢીને ટેન્ડર પડવા દેતા નથી. કરોડોની ગ્રાન્ટો પડી હોવા છતાં ચીફ ઓફીસરના કારણે વિકાસ કરી શકાતો નથી. પ્રમુખે જણાવ્યુ છેકે, હું ગમતો ન હોઉ તો મારા વિરુધ્ધ જે કાર્યવાહી કરવી હોય તે કરો. પરંતુ મારી છબી ખરડાવવા પ્રજાને આટલા સમયથી હેરાન કરવામાં આવી તે ખરેખર શરમજનક છે.
ગત અઠવાડીયે મહેસાણામાં જીલ્લા ભાજપ સંગઠનની સંકલન મળી હતી. જે સંકલનમાં પ્રદેશ અને જીલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો સમક્ષ વિસનગર પાલિકાના હાજર મોટાભાગના સભ્યોએ ચીફ ઓફીસર સભ્યોનું સાંભળતા નહી હોવાની અને લોકોના પ્રશ્નોનુ નિરાકરણ કરતાં નહી હોવાની રજુઆત કરી હતી. પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ શહેરી વિકાસમાં ચીફ ઓફીસર વિરુધ્ધ ગંભીર આક્ષેપો સાથેનો અને ખાસ કરીને પ્રજાને બાનમાં લેવા બાબતેની ફરિયાદ કરતા તંત્ર સફાળુ જાગ્યુ હતુ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તા.૧૫-૧૧-૨૦૧૯ ના રોજ ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે જાહેર હિતનો ખ્યાલ રાખી અરસપરસ બદલીનો હુકમ કર્યો હતો. જેમાં પાલિકાના વિવાદાસ્પદ ચીફ ઓફીસર સંજયભાઈ પી.પટેલની ગોધરા નગરપાલિકામાં અને ગોધરા નગરપાલિકાના ચીફ ઓફીસર અશ્વિનભાઈ આર.પાઠકની વિસનગર પાલિકામાં બદલી કરવાનો હુકમ કરાયો હતો. જોકે વિવાદાસ્પદ ચીફ ઓફીસરની બદલી કરવા છતાં પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ ચીફ ઓફીસર વિરુધ્ધ રોષ ઠાલવતા જણાવ્યુ હતું કે, ચીફ ઓફીસર સંજયભાઈ પટેલના સમયકાળમાં જે પણ કામગીરી થઈ હોય તેની તપાસ કરવા સરકારે તપાસ કમિટિ નીમવી જોઈએ. ચીફ ઓફીસરની દોરવણીથી પ્રજાને બાનમાં લેતી કાર્યવાહીમાં પાલિકાના જે કર્મચારીઓ જવાબદાર હોય તેમના સાથે પણ પગલા ભરવા જોઈએ. કોઈની દોરવણીથી પ્રજાને પરેશાન કરનાર આવા અધિકારીને શબક શીખવવો જોઈએ.
• ચીફ ઓફીસર સંજયભાઈ પટેલનુ પ્રમુખના આક્ષેપો સામે શુ કહેવું છે?
પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીના આક્ષેપો સામે ચીફ ઓફીસરે જણાવ્યુ હતું કે, પ્રમુખના આક્ષેપો ખોટા છે. આતરે દિવસે પાણી આપવાની સુચના પ્રમુખેજ આપી હતી. જેમાં પ્રમુખે જણાવ્યુ છેકે, પાણીની તંગી હતી તે વખતે સુચના આપી હતી. ધરોઈ ડેમ ભરાયા બાદ રોજ પાણી આપવા જણાવ્યુ હતુ. ૧૧ માસના કરારમાં કર્મચારીઓની ભરતીમાં ચીફ ઓફીસરે જણાવ્યુ છેકે, કર્મચારી ભરતી પસંદગી સમિતિમાં પ્રમુખ પણ છે. તેમની સંમતીથીજ ભરતી કરવામાં આવી છે. યોગ્ય ન હોય તેવા ઉમેદવારની ભરતી કરવામાં નહી આવતા પ્રમુખ દ્વારા ભરતી બાબતે ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે. સફાઈ નિયમિત થાય છે. ડોર ટુ ડોર સેવા ચાલુ છે. જ્યારે ગેરકાયદેસર બાંધકામ બાબતે જણાવ્યુ છેકે, પ્રમુખે પોતાની રજુઆતમાં કયા બાંધકામો ગેરકાયદેસર છે તેની કોઈ વિગત આપી નથી. ચીફ ઓફીસરે પ્રમુખના આક્ષેપો પાયાવિહોણા જણાવ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us