વિસનગર પાલિકા અને આરોગ્ય તંત્ર ડેન્ગ્યુની અસરથી બીછાને
વિસનગર પાલિકા અને આરોગ્ય તંત્ર ડેન્ગ્યુની અસરથી બીછાને
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં અત્યારે ઘેરઘેર ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યા છે. શહેરની હોસ્પિટલો ડેન્ગ્યુના દર્દિઓથી ઉભરાય છે. ડેન્ગ્યુમાં યોગ્ય સારવાર ન મળે તો જીવલેણ રોગ છે. ત્યારે પાલિકા તંત્રની નિષ્કાળજીથી ડેન્ગ્યુનો કહેર વધતો જાય છે. શહેરનુ આરોગ્ય તંત્ર પણ ડેન્ગ્યુના મચ્છરો ઉત્પન્ન થતાં અટકાવવા નિષ્ફળ નિવડ્યુ છે. ડેન્ગ્યુના કહેર સામે તંત્ર તમાશો જોઈને બેસી રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દવાનો છંટકાવ થતો નથી,ગંદકી દુર થતી નથી,
ચોખ્ખા પાણી ભરાયા હોય તો તેની તપાસ થતી નથી
લોકો રામભરોસે
વિસનગર શહેરમાં એકપણ મહોલ્લો કે સોસાયટી એવી નહી હોય કે જ્યાં ડેન્ગ્યુનો દર્દિ જોવા મળતો ન હોય. ડેન્ગ્યુમાં યોગ્ય સારવાર ન મળે તો જીવલેણ હોવાથી આ રોગને લઈ લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યુનો રોગ અટકાવવા કોઈ વેક્સીન પણ નહી હોવાથી અત્યારે લોકો પાલિકા અને આરોગ્ય તંત્રના ભરોસે બેઠા છે. ડેન્ગ્યુનો મચ્છર એ ચોખ્ખા પાણીમાં થાય છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા ખુલ્લી ટાંકીઓની તપાસ કરી કાર્યવાહી કરવા હજુ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. ડેન્ગ્યુની સાથે મેલેરીયા તથા અન્ય મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે. શહેરમાં ઠેરઠેર ખુલ્લી જમીનો અને સોસાયટીના પ્લોટોમાં ઝાડીઝાંખરા ઉગતા મચ્છર તેમજ જીવાતનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. સોસાયટી વિસ્તારમાંતો સાંજ પડે ઘરના બારી બારણા બંધ કરવામાં ન આવે તો જીવાત અને મચ્છરો ભરાઈ જાય છે. ખુલ્લા પ્લોટોમાં ઉગેલી ઝાડી સાફ કરાવવા પાલિકા પાસે સત્તા છે. પરંતુ પાલિકા તંત્ર હાથ ઉપર હાથ ધરીને બેઠુ છે. પાલિકા પાસે લગભગ ચાર થી પાંચ ફોગીંગ મશીન છે. ત્યારે આવા રોગચાળાના સમયે નિયમિત દવાનો છંટકાવ કરવાની જગ્યાએ ફોગીંગ મશીનથી દવાનો છંટકાવ કરવાની પણ તસ્દી લેવામાં આવતી નથી. કૌભાંડો અને ગેરરીતી કરવા માટે ખોટા પૈસા ખર્ચવામાં આવે છે. ત્યારે ડેન્ગ્યુ જેવા રોગચાળાના સમયે દવાનો છંટકાવ કરવા માટે ખર્ચ કરવામાં આવતો નથી. લોકો વધુમાં વધુ ડેન્ગ્યુનો ભોગ બની રહ્યા છે તેની પાછળ પાલિકા તંત્રની નિષ્કાળજી વધારે જવાબદાર છે. ડેન્ગ્યુના રોગને અટકાવવા યુધ્ધના ધોરણે કામગીરી કરવાની જગ્યાએ શહેરનુ આરોગ્ય તંત્ર પણ હાથ ઉપર હાથ ધરીને બેઠુ છે. જોકે આ વખતે ડેન્ગ્યુના રોગે એવો ભરડો લીધો છેકે જેમાંથી ર્ડાક્ટરો, અધિકારીઓ અને પદાધિકારીઓ પણ બાકાત નથી. ડેન્ગ્યુના રોગ સામે જ્યારે આભ ફાટ્યુ હોય ત્યાં થીગડા ક્યાં મારવા તેવી પરિસ્થિતિ તંત્રની જોવા મળી રહી છે. તંત્ર દ્વારા દવાનો છંટકાવ, ચોખ્ખુ પાણી ભરાયુ હોય ત્યાં તપાસ વિગેરે કાર્યવાહી કરવામાં આવે તો પણ થોડીઘણી રાહત થાય તેમ છે. પરંતુ અહીંતો તંત્ર પણ ડેન્ગ્યુના રોગના ભરડામાં બીછાને પડ્યુ હોય તેવું લાગે છે.