Select Page

પાલિકાએ ડામર રોડ-કેનાલના રૂા.૨૪૮ લાખના ટેન્ડર ખોલ્યા

પાલિકાએ ડામર રોડ-કેનાલના રૂા.૨૪૮ લાખના ટેન્ડર ખોલ્યા

જુથવાદની કિન્નાખોરીમાં ચીફ ઓફીસરને હાથ ઉપર લઈ વિકાસ પણ દબાવી રાખ્યો હતો?

પાલિકાએ ડામર રોડ-કેનાલના રૂા.૨૪૮ લાખના ટેન્ડર ખોલ્યા

ચીફ ઓફીસર વિકાસકામ થવા દેતા નથી તેવો પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીનો આક્ષેપ સાચો ઠર્યો
રૂા.૧૧૨ લાખનું ટેન્ડર ૬.૭૧ ટકા બીલો
રૂા.૫૨ લાખનુ ટેન્ડર ૬.૫૧ ટકા બીલો
રૂા.૮૪ લાખનું ટેન્ડર ૨૦.૨૨ ટકા બીલો

 
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાના વિવાદાસ્પદ ચીફ ઓફીસર સંજયભાઈ પટેલ વિરુધ્ધ પાલિકા પ્રમુખે ગોવિંદભાઈ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, ચીફ ઓફીસર વિકાસ કામ થવા દેતા નથી. ચીફ ઓફીસરની બદલી બાદ ડામર રોડ, પાકી કેનાલ, ગટરલાઈન અને રીનોવેશેનના રૂા.૨૪૮ લાખના ટેન્ડર ખોલતા પ્રમુખે કરેલો આક્ષેપ સાચો ઠર્યો તેમ કહી શકાય. સાથે સાથે જુથવાદની કિન્નાખોરીમાં ચીફ ઓફીસરને હાથ ઉપર લઈ વિકાસ કામ દબાવી રાખવાની જે હિન કક્ષાની કામગીરી થઈ છે તે પણ એટલીજ શરમજનક છે.
વિસનગર પાલિકાનુ આ બોર્ડ અગાઉના દરેક બોર્ડને સારૂ કહેવડાવે તેવુ સાબીત થયુ છે. અગાઉના બોર્ડમાં ખુરશીની ખેચતાણમાં બધુજ થયુ છે. પરંતુ પ્રજાને બાનમાં લેવાનુ અને વિકાસ રૂંધાય તેવુ જોવા મળ્યુ નથી. જે હિન કક્ષાની ગંદી રાજ રમત આ બોર્ડમાં જોવા મળી છે. પાલિકાના વિવાદાસ્પદ ચીફ ઓફીસરની બદલી બાદ ૨૦ દિવસમાંજ વિસનગરના વિકાસના દ્વાર ખુલ્યા છે. દ્વાર ખુલ્લા છે એટલા માટે કહેવુ પડ્યુ કે, ગોવિંદભાઈ ગાંધી ભાજપમાં જોડાયા બાદ ટેન્ડરો પડ્યા હતા પરંતુ ખુલતા નહોતા. જુથવાદમાં ચીફ ઓફીસરને હાથ ઉપર લઈ ટેન્ડરો ખોલવા દેવામાં આવતા નહોતા એવુ પણ ચર્ચાય છે. જ્યારે બીજી બાજુ રૂા.૮ થી ૧૦ કરોડની વિવિધ ગ્રાન્ટ પડી રહી હોવા છતાં પ્રમુખ વિકાસ કરતા નથી તેવી કાગારોડ મચાવવામાં આવી હતી.
પાલિકા દ્વારા વિવિધ વિકાસ કામના ઈ-ટેન્ડરીંગ કરવામાં આવ્યા હતા. જેમાં જવાહર સોસાયટીથી કાંસા ચાર રસ્તા, નવદુર્ગા ભાજીપાઉંથી સવાલા દરવાજા પ્રા.શાળા નં.૨ સુધી, પટણી દરવાજાથી સાર્વજનિક સ્મશાન થઈ રેલ્વે નાળા તરફ, એમ.એન.કોલેજ રોડ ઉપર હરિહર સોસાયટીથી વસુંધરા સોસાયટી સુધી, લાલ દરવાજાથી વડનગરી દરવાજા સુધી રસ્તા ઉપર ડામર રોડ બનાવવા તેમજ એમ.એન.કોલેજ રોડ ઉપર પંડ્યાના નાળાથી બી.એમ.કોમ્પલેક્ષ સુધી નવી ગટર લાઈન નાખવા રૂા.૧૧૨ લાખનું ટેન્ડર પાડવામાં આવ્યુ હતુ. આ ટેન્ડર ખોલતા અભી કન્સ્ટ્રક્શન ૬.૭૧ ટકા બીલો ટેન્ડર ખુલતા વર્ક ઓર્ડર આપવામાં આવશે. ડામર રોડ માટે એમ.એન.કોલેજ રોડ ઉપર આકાશ હોસ્પિટલથી મુસ્લીમ બોર્ડીંગ સુધી, એમ.એન.કોલેજથી મુસ્લીમ બોર્ડીંગ સુધી તથા વડનગરી દરવાજાથી છબીલા હનુમાનજી મંદિર સુધી રૂા.૫૨ લાખનુ ટેન્ડર પાડવામાં આવ્યુ હતુ. જેમાં અભી કન્સ્ટ્રક્શન ૬.૫૧ ટકા બીલો ટેન્ડર ખુલતા વર્ક ઓર્ડર આપવામાં આવશે.
પાકી કેનાલોમાં આશીષ સોસાયટીથી શાસ્ત્રીનગર સુધી અને શાસ્ત્રીનગરથી જૈન દેરાસર સુધીની પાકી કેનાલ બનાવવા, કડા દરવાજા ખરપડીયાવાસના પાછળના ભાગે પાકી કેનાલ બનાવવા, કાનકુવા વાસમાં કોમ્યુનીટી હૉલ, મારવાડી વાસના નાકે કોમ્પ્યુનીટી હૉલનુ રિનોવેશન તથા મારવાડીવાસના અંદરના ભાગે કોમ્યુનીટી હૉલ બનાવવા રૂા.૮૪ લાખનુ ટેન્ડરીંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં પી.એમ. બીલ્ડકોનનુ ૨૦.૨૨ ટકા બીલો ટેન્ડર ખુલતા વર્કઓર્ડર આપવામાં આવશે. પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ જણાવ્યુ હતું કે, બે કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામ વહિવટી પ્રક્રિયામાં છે. જેની મંજુરી મળેથી ટુંક સમયમાં ટેન્ડરીંગ કરવામાં આવશે.