તંત્રી સ્થાનેથી…સ્ત્રીઓ ઉપરના અત્યાચારો અટકાવવા હશે તો અલગ વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે
તંત્રી સ્થાનેથી…
સ્ત્રીઓ ઉપરના અત્યાચારો અટકાવવા હશે
તો અલગ વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે
દેશમાં જ્યારે મોટો બળાત્કારનો બનાવ બને પીડીતા મૃત્યુ પામે ત્યારે આખો દેશ ખળભળી ઉઠે છે. મહિલા સંગઠનો જાતીય અત્યાચારો સામે કડક કાયદો બનાવો, આ ચળવળ થોડો સમય ચાલે પછી બંધ થાય. નિર્ભયાના બનાવ પછી હૈદરાબાદનો બનાવ બનતાં પાછા આંદોલનો ચાલુ થયા છે. ટી.વી. ચેનલોને નવો મુદ્દો મળે એટલે લાંબા સમય સુધી સમાચારો પ્રદર્શિત કરે જાય પોતાની છબીઓ ટી.વી. ચેનલમાં લાવવા માટે કેટલાક સંગઠનો આવી ચળવળ ચલાવે જાય. પણ ખરેખર જોઈએ તો ભારત દેશમાં સ્ત્રીઓ ઉપર થતા જાતીય અત્યાચારો જેટલા બને છે તેના ૯૮ ટકા બનાવો મહિલાની આબરૂ સમાજમાં ન જાય તે માટે છુપાવવામાં આવે છે. કેટલાક લોકો અત્યાચાર સામે સમસમી સમાજમાં બેન દીકરીની આબરૂ લક્ષમાં રાખી ચુપ રહે છે. સરકારે મહિલા અને સગીરાઓ ઉપરના જાતીય અત્યાચારો ઓછા કરવા હશે તો તેનો કાયદો જુદો જ બનાવવો પડશે. લોકો પોતાની બેન-દીકરી ઉપર થયેલા જાતીય અત્યાચારને એટલા માટે છુપાવે છેકે અત્યાચારની વાત સમાજમાં ફેલાશે તો બેન-દીકરીને પરણાવવામાં મુશ્કેલી ઊભી થશે. આવી સમસ્યાઓને હલ કરવા માટે સરકારે સ્ત્રીઓ ઉપરના અત્યાચારો માટે અલગ મહિલા પોલીસ સ્ટેશનો બનાવવા જોઈએ. જ્યાં થતી મહિલા-સગીરાની ફરીયાદ ગોપનીય રહેવી જોઈએ. મહિલાની ફરીયાદથી જે એક્સન લેવાય તે એક્સનની ફક્ત આરોપીઓને જ જાણ થવી જોઈએ. આવી ફરીયાદની અખબારી પ્રસિધ્ધિ પણ ન થવી જોઈએ. અત્યારે મહિલા ઉપર થયેલ અત્યાચારના બનાવના સમાચાર ગામ અને મહિલાની ઓળખ ન થાય તે રીતે અખબારમાં છપાય છે. પણ આવા સમાચારો સદંતર બંધ થઈ જવા જોઈએ. અલગ પોલીસ સ્ટેશનની જેમ પીડીત મહિલાઓની મહિલા મેજીસ્ટ્રેટવાળી અલગ કોર્ટ હોવી જોઈએ. તે કોર્ટમાં મહિલા વકીલો જ હોય. આવી કંઈક મહિલાઓની અલાયદી કોર્ટો – અલાયદા પોલીસ સ્ટેશનો બનશે તોજ મહિલા ઉપરના અત્યાચારો બંધ થશે. દુષ્કૃત્ય વાળી મહિલાઓના કેસ કોર્ટમાં આવે છે. ત્યારે પુરુષ વકીલો પીડીત મહિલાને પહેલાં શું થયું? પછી શું થયું? આવા પ્રશ્નો પુછી એટલી હદે ગુંચવી નાખે છેકે મહિલા સાચો બનાવ મેજીસ્ટ્રેટ સમક્ષ કહી શકતી નથી. જેથી આવા દુષ્કૃત્ય કરનાર આરોપીઓ છૂટી જાય છે. સરકારે બળાત્કાર સામે ફાંસીની સજાનો કાયદો બનાવ્યો છે પણ એકપણ હેવાનને ફાંસીની સજા થઈ નથી. કાયદાઓમાં સજાની જોગવાઈ એવી જોઈએ કે જેનો અમલ ઓછી આંટીઘુંટીથી થાય. ઈસ્લામી દેશોમાં વ્યક્તિની ખોવાયેલી વસ્તુ તે જ જગ્યા ઉપર પડી રહે છે. કારણ છે કે જો કોઈ વ્યક્તિ આવી ખોવાયેલી વસ્તુ લેતાં પકડાય તો તેના હાથ કાપી નાંખવામાં આવે છે અને સજાનો ગુનો બને તેના થોડા જ સમયમાં સજા થાય છે. જેથી લોકો ગુનો કરતાંજ વિચારે. દેશમાં સ્ત્રી અત્યાચારો સામે કડક કાયદા અને ઝડપી સજા આપતા કાયદા બનશે તો જ સ્ત્રીઓ ઉપરના અત્યાચારો અટકી જશે.