તંત્રી સ્થાનેથી…રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપરો ફૂટે તે કેવું?
તંત્રી સ્થાનેથી…
રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપરો ફૂટે તે કેવું?
ગુજરાત રાજ્યમાં છેલ્લી કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર ફૂટવાનો સીલસીલો ચાલુ છે. પેપર ફૂટવાની અફવા કે હકિકતથી અનેક દિવસો સુધી આંદોલનો ચાલે, અનેક દિવસો સુધી અખબારોમાં મોટી મોટી કોલમો છપાય, વિદ્યાર્થીઓના આંદોલનથી તપાસ થાય. પછી પરીક્ષા કેન્સલ પણ થાય. પરીક્ષા કેન્સલ થાય એટલે હજ્જારો પરીક્ષાર્થીઓના પરીક્ષા સ્થળે આવવા જવાના ખર્ચના રૂપિયા, મહેનત એળે જાય. સરકાર પરીક્ષા ફરીથી જાહેર કરે, એસ.ટી.બસમાં મફત આવવા જવાની સગવડ કરી આપે પણ એટલી બસો ન હોય કે પરીક્ષાર્થીઓ બસમાં મુસાફરી કરી પરીક્ષા સ્થળે પહોંચી શકે. તેમને તો પરીક્ષા આપવા આવવા જવાનો ખર્ચ ફરીથી કરવો પડે. અગાઉ પરીક્ષાના પેપરો લીક કરવાની તપાસ થઈ, કેસ થયા, આરોપીઓ પકડાયા. પછી શું થયું તે અહેવાલની કોઈને ખબર નથી. પોલીસ કઈ રીતે પેપર લીક થયું તે શોધી લીક કરનારને શું સજા થઈ તે જાણી શકાયું નહિ. પેપર લીક કરનારમાં કોઈ મોટા માથા આવ્યા નહિ ફક્ત નાના કર્મચારીઓ જ સપડાયા. તાજેતરમાં બિન-સચિવાલયના કર્મચારીઓની પરીક્ષા લેવાઈ પેપરો ફૂટ્યાની અફવાઓ અને સબૂતો જાહેર થયા. મોબાઈલના વોટ્સએપમાંથી ફૂટેલા પેપરના આવેલા જવાબો લખનાર પરીક્ષાર્થીઓના વીડીઓ જાહેર થયા. આવા અનેક પૂરાવાને લઈ વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્સલ કરવા માટે આંદોલન કર્યુ. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ વિદ્યાર્થીઓની ટેમ્પરરી ધરપકડ થઈ અને પછી વિદ્યાર્થીઓના આંદોલનમાં કોંગ્રેસ ભળી અને આંદોલન સમેટાઈ ગયું. આંદોલન કરતા વિદ્યાર્થીઓ જાણતા હતા કે પરીક્ષામાં ગેરરીતિ થઈ જ હતી. ખરેખર પરીક્ષા કેન્સલ થવી જોઈએ પણ આંદોલન કરતા વિદ્યાર્થીઓને ગમે તે રીતે સમજાવી લેવામાં આવ્યા કે ફોડવામાં આવ્યા. આનો અર્થ એ થઈ શકે કે તંત્રની પ્રક્રિયામાં કંઈક દાળમાં કાળુ હોઈ શકે. તંત્ર સાચુ હોય તો તેને આંદોલન કરતા વિદ્યાર્થીઓનું આંદોલન તોડવાની પ્રક્રિયા ન કરવી જોઈએ. તેવું અખબારી અહેવાલોથી જણાયું છે. નવાઈની વાત તો એ છેકે જોરશોરથી ચાલતા પરીક્ષા કેન્સલ ન થાય ત્યાં સુધી ચાલુ રહે તેવું આંદોલન કોંગ્રેસનો ટેકો મળ્યા પછી પડી ભાંગ્યુ. ખરેખર તો કોંગ્રેસનો ટેકો મળ્યા પછી આંદોલનની ગતિ તીવ્ર થવી જોઈએ તેની જગ્યાએ પડી ભાંગ્યુ એટલે આંદોલન તોડવામાં કોંગ્રેસની જવાબદારી ગણી શકાય. તંત્રનો એવો કેવો વહીવટ કે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપરો ફૂટે, આંદોલન થાય, તંત્ર એવું પરીક્ષા કાર્ય ન ગોઠવી શકે કે કદિ પેપરો ફૂટે જ નહિ. ર્ડાક્ટરી લાઈનમાં પ્રવેશ માટેની એમ.સી.આઈ.ની પરીક્ષાઓ વર્ષોથી લેવાય છે. તેમાં કદી પેપર ફૂટવાની વાત આવતી નથી. પરીક્ષાના પેપરો સેટ કરવા માટે તેની છપાવવાની કાર્યવાહી કરવામાં ક્લાર્ક કક્ષાના કર્મચારીઓની જગ્યાએ પ્રથમ વર્ગના કર્મચારીઓને જવાબદારી સોંપવી જોઈએ. અને એવો કડક કાયદો બનાવવો જોઈએ કે પેપર ફૂટે તો જવાબદાર અધિકારી સસ્પેન્ડ, ક્લાર્ક કક્ષાના અધિકારીઓને આવી જવાબદારી સોંપાય છે. જેમના ટૂંંકા પગારને લઈને તે લાલચમાં આવી જઈ પેપરો ફુટવાના કાર્યમાં સંડોવાય છે. પ્રથમ વર્ગના અધિકારીઓ હોય તો તે નાની લાલચમાં આવે નહિ અને પેપરો ફૂટે નહિ. કોમ્પ્યુટર યુગમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રાજ્યના ત્રણ વિસ્તારોમાંથી ત્રણ પેપરો સેટ થાય. તે પેપરો ઈન્ટરનેટ મારફતે પરીક્ષાના દિવસેજ પરીક્ષા કેન્દ્રમાં પ્રિન્ટ થાય. દરેક ક્લાસમાં જુદા જુદા વિદ્યાર્થીઓને ત્રણ પેપરો પૈકી ગમે તે એક આપવામાં આવે અથવા છેલ્લા ટાઈમે ઉચ્ચ અધિકારી દ્વારા ત્રણ પેપરો પૈકી કયુ પેપર આપવું તે નક્કિ થાય. આવી પ્રક્રિયા થાય તોજ પેપરો ફૂટવાનો સીલસીલો બંધ થાય. નહિતો ભ્રષ્ટ અધિકારીના રાજ્યમાં પેપરો ફૂટવાના, ગરીબ વિદ્યાર્થીઓ રહી જવાના, પૈસાદાર વિદ્યાર્થીઓ નોકરી મેળવી લેવાના.