પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની ઈચ્છાશક્તિના અભાવે બામણચાયડા સંપ-ઓવરહેડ ટાંકીના ઉપયોગમાં વિલંબ
પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની ઈચ્છાશક્તિના અભાવે બામણચાયડા સંપ-ઓવરહેડ ટાંકીના ઉપયોગમાં વિલંબ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં એમ.એન.કોલેજ રોડથી ધરોઈ કોલોની રોડ ઉપર બામણચાયડામાં સંપ અને ઓવરહેડ ટાંકી બની ગયા બાદ છ માસનો સમય થવા છતાં પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની ઈચ્છાશક્તિના અભાવે તેનો ઉપયોગ થઈ શકતો નથી. કોન્ટ્રાક્ટર કામ પૂરુ કરતો નથી અને પ્રમુખ કામ કરાવી શકતા નથી. પાલિકામાં કોન્ટ્રાક્ટરોની હેરાનગતી છે. બ્લેક લીસ્ટ કરવા ચીમકી આપવામાં આવે છે, ઠરાવો કરવામાં આવે છે પરંતુ ગમે તે કારણોસર કોન્ટ્રાક્ટરની શેહ શરમમાં આવી જતા બ્લેક લીસ્ટની કાર્યવાહી થતી નથી. આજ પરિસ્થિતિ રહેશે તો ગત ઉનાળામાં સંપનો ઉપયોગ શરૂ થવાની ચર્ચા હતી ત્યારે આવતા ઉનાળામાં પણ સંપ અને ઓવરહેડ ટાંકીનો ઉપયોગ શરૂ થાય તેમ લાગતુ નથી.
સંપમાં ગટરના પાણીનુ જમણ થતુ હોવાથી બંધ કરવુ જરૂરી
વિસનગરમાં એમ.એન.કોલેજ રોડ ઉપરની સોસાયટીઓ તેમજ એમ.એન.કોલેજ રોડ, મહેસાણા રોડ અને ધરોઈ કોલોની રોડ વચ્ચે આવતી લગભગ ૬૦ થી ૭૦ સોસાયટીઓમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે. આ ભાગ વિવિધ ઓવરહેડ ટાંકીઓના છેવાડાનો વિસ્તારમાં આવતો હોવાથી પૂરતા પ્રમાણમાં પાણી મળતુ નથી. આ વિસ્તારની પાણીની વર્ષોની સમસ્યાનો અંત લાવવા તત્કાલીન પ્રમુખ શકુન્તલાબેન પટેલે બામણચાયડામાં સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવા લગભગ રૂા.૫૫ લાખનું ટેન્ડરીંગ કર્યુ હતુ. શકુન્તલાબેન પટેલનો પ્રમુખકાળ પુરો થતા ગોવિંદભાઈ પટેલ પ્રમુખની ખુરશી સંભાળી તેના શરૂઆતના સમયમાં બામણચાયડામાં સંપ અને ઓવરહેડ ટાંકીનુ ખાતમૂર્હુત કરવામાં આવ્યુ હતુ. જ્યાં સંપ અને ઓવરહેડ ટાંકી બની ગયા બાદ છ માસનો સમય થવા છતાં હજુ તેનો ઉપયોગ શરૂ કરી શકાયો નથી. તેની પાછળ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની ઈચ્છાશક્તિનો અભાવ અને કોન્ટ્રાક્ટરોની આળપંપાળ કરવાની નિતિ જવાબદાર છે.
બામણ ચાયડાના સંપમાં અત્યારે ગટરના પાણીનુ જમણ થાય છે. બામણચાયડામાં માટીનુ પુરાણ કર્યુ હોવાથી તેમજ તળાવનો ભાગ હોવાથી સંપમાં ગટરના ગંદા પાણીનુ સતત જમણ થાય છે. સંપમાં અત્યારે કાળુ દુર્ગંધ મારતુ પાણી જોવા મળે છે. આવી પરિસ્થિતિ કાયમ રહે તો ઉપયોગ કરી શકાય નહી. સંપમાં બહારના પાણીનુ જમણ રોમવા ગ્રાઉન્ટીંગ કરી કેમિકલ લગાવી પ્લાસ્ટર કરવુ જરૂરી છે. જે કામ કોન્ટ્રાક્ટરને કરવાનુ થાય છે. પરંતુ કોન્ટ્રાક્ટર કામ પૂરુ કરતો નહી હોવાથી સંપ અને ઓવરહેડ ટાંકીનો ઉપયોગ કરી શકાતો નથી. જાણવા મળ્યા પ્રમાણે પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ કોન્ટ્રાક્ટર તાત્કાલીક કામ પૂરુ નહી કરે તો બ્લેક લીસ્ટ કરવાની ચીમકી આપી છે. પરંતુ વિસનગર પાલિકામાં કામ કરતા રીઢા કોન્ટ્રાક્ટરોને ખબર છેકે પાલિકા દ્વારા આપવામાં આવતી આવી ચીમકીઓનો ક્યારેય અમલ થયો નથી. અગાઉ બ્લેક લીસ્ટ કરવા ઠરાવો થયા છે છતાં એકપણ કોન્ટ્રાક્ટર વિરુધ્ધ કાર્યવાહી થઈ નથી. પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની અણ આવડણભર્યા વહીવટમાં આજ પરિસ્થિતિ રહેશે તો ગત ઉનાળામાં સંપ અને ઓવરહેડ ટાંકીનો વપરાશ શરૂ કરવાનો હતો. ત્યારે આવતા ઉનાળામાં પણ બામણ ચાયડાના સંપ અને ઓવરહેડ ટાંકીનો ઉપયોગ શરૂ થઈ શકે તેમ નથી.
• દિપરા દરવાજા પંપીંગ સ્ટેશન પાસે સંપ, ઓવરહેડ ટાંકીનો વપરાશ પણ શરૂ થઈ ગયો. જ્યારે પ્રમુખ તેમના વિસ્તારનો સંપ શરૂ કરાવી શકતા નથી
• આ વિસ્તારના કોર્પોરેટરો પણ હાથ ઉપર હાથ ધરી લોકોની હેરાનગતીનો તમાસો જોઈને બેસી રહ્યા છે
પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી માટે શરમની બાબત છેકે બામણચાયડામાં સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવાનો વિચાર પહેલા સ્ફૂર્યો હતો. પરંતુ મંજુરીમાં ગેરરીતી કરી દિપરા દરવાજા ડ્રેનેજ પાસે સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવાનો નિર્ણય કરાયો હતો. જ્યાં રૂા.૧.૫૪ કરોડના ટેન્ડરમાં સંપ બની ગયો. ઓવરહેડ ટાંકી બની ગઈ. જરૂરીયાત પ્રમાણેની પાઈપલાઈનો નંખાઈ ગઈ અને વપરાશ પણ શરૂ થઈ ગયો. જ્યારે બામણ ચાયડામાં ટ્યુબવેલ તૈયાર છે. સંપ-ઓવરહેડ ટાંકી તૈયાર છે તેમ છતાં પ્રમુખના નબળા વહીવટના કારણે, કોન્ટ્રાક્ટરને પંપાળવાની ખોટી નિતિના કારણે છ મહિનાથી સંપ અને ઓવરહેડ ટાંકી તૈયાર હોવા છતાં તેનો ઉપયોગ શરૂ કરી શકાયો નથી.