પોલીસે તપાસ કરી વ્હાઈટનર પેનનો વધારાનો જથ્થો જપ્ત કરવો જોઈએ કરેક્શન પેનથી નશો કરતા યુવાનોને અટકાવવા જરૂરી
પોલીસે તપાસ કરી વ્હાઈટનર પેનનો વધારાનો જથ્થો જપ્ત કરવો જોઈએ
કરેક્શન પેનથી નશો કરતા યુવાનોને અટકાવવા જરૂરી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં વ્હાઈટનર પેનથી નશો કરતા યુવાનોની સંખ્યામાં વધારો થયો છે. બુક સ્ટોલના કેટલાક વેપારીઓ વ્હાઈટનર પેનના વેચાણમાં કેટલાક પ્રતિબંધ હોવા છતાં છુટથી વેચાણ કરી રહ્યા છે. ત્યારે યુવાનોને નશા તરફ ધકેલાતા અટકાવવા પોલીસે બુક સ્ટોલમાં તપાસ કરી વ્હાઈટનર પેનનો વધારાનો જથ્થો જપ્ત કરવા લોકોમાં લાગણી ઉદ્ભવી છે.
વિસનગરમાં કેટલાક યુવાનો વિવિધ પ્રકારનો નશો કરવા પ્રેરાઈ રહ્યા છે. યુવાનો કરેક્શન પેન(વ્હાઈટનર), પંક્ચર બનાવવાની ટ્યુબ વિગેરેથી નશો કરતા થયા છે. એમાં અત્યારે વ્હાઈટનર પેનના ઉપયોગથી નશો કરનારની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વ્હાઈટનર પેનનો નશો ત્રણ થી ચાર કલાક રહેતો હોવાથી નશાખોર આ નશો કરી રહ્યા છે. જોકે આ નશો ડ્રગ્સ કરતા પણ ખતરનાક છે. આ નશો કરનાર વ્યક્તિ કોઈ ક્રાઈમ કરતા પણ ખચકાતો નથી.
વ્હાઈટનરથી નશો કરનાર વિસનગરના એક યુવાનના પરિવારની વાત કરીએ તો, આ યુવાન વ્હાઈટનરનો નશો કરીને ઘરમાં આવે ત્યારે પરિવારને યુવાન કંઈ કરી ન બેસે તેનો સતત ડર રહ્યા કરે છે. નશાની હાલતમાં એક વખત આ યુવાન એક વેપારીની દુકાનમાં ઘુસી આ દુકાન મારી છે તેવુ કહી ઝઘડો કર્યો હતો. ત્યારે વેપારીએ તેને મેથીપાક આપ્યો હતો. નશાની હાલતમાં યુવાન બે હાથ લાંબા કરી રોડની વચ્ચે ચાલતો ઘણાએ જોયો છે. બીજા એક યુવાનને નશો કરતો જોઈ આ યુવાન નશો કરવા પ્રેરાયો છે. એટલે કે વ્હાઈટનરથી નશો કરનાર શહેરમાં ઘણા છે.
દારૂના નશા કરતા પણ આ નશો વધારે ખરાબ હોઈ, વ્હાઈટનરનો નશો કરતા યુવાનો અટકે તે માટે પોલીસની કડક તપાસ જરૂરી બની છે. વ્હાઈટનર પેનના ઉપયોગ ઉપર કેટલીક સુચનાઓ લખવામાં આવી હોય છે. બાળકોને વ્હાઈટનર પેનથી દુર રાખવા, બીજા કોઈ હેતુથી વાપરી ન શકાય, માઈનોરને વ્હાઈટનર પેન નહી વેચવા એવી કેટલીક સુચનાઓ આપવામાં આવી છે. ત્યારે કેટલાક બુકસ્ટોલના વેપારીઓને ખબર હોવા છતાં વ્હાઈટનર પેન છુટથી વેચી રહ્યા છે. વ્હાઈટનર પેનથી નશો કરતા યુવાનોની સંખ્યામાં વધારો થયો હોવાનુ જાણી અમદાવાદમાં થોડા સમય પહેલાજ પોલીસે રેડ કરી મોટા જથ્થામાં વ્હાઈટનર પેન જપ્ત કરી હતી. ત્યારે વિસનગર પોલીસે પણ વ્હાઈટનર પેનનો મોટો જથ્થો રાખી છુટથી આ વ્હાઈટનર પેન વેચતા વેપારીઓની તપાસ કરી, રેડ કરી વ્હાઈટનર પેનનો જથ્થો જપ્ત કરવા કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોમાં લાગણી પ્રવર્તી છે. શહેરમાં એવા પણ કેટલાક બુકસ્ટોલના વેપારીઓ છે જે ફક્ત ને ફક્ત શૈક્ષણિક હેતુનેજ મહત્વ આપે છે. ત્યારે આવા વેપારીઓએ વારંવાર વ્હાઈટનર પેન લેવા આવતા યુવાનોનુ ધ્યાન રાખી વ્હાઈટનર પેન વેચવાનુ ટાળવુ જોઈએ. કોઈ યુવાન વ્હાઈટનર પેન લેવા આવે તો બુકસ્ટોલના વેપારી તેની થોડી ઘણી તપાસ કરે તો પણ યુવાનો નશો કરવા પ્રેરાતા અટકી શકે છે.