બ્લડ બેંકનુ સંચાલન સ્વસ્તિક ગૃપ-કોપરસીટી એસોસીએશન પાસે
રાજુભાઈ પટેલનુ વ્યક્તિત્વ ડાયમંડ જેવુ છે,પાસા પાડો એટલા ઓછા-ર્ડા.મિહિરભાઈ
બ્લડ બેંકનુ સંચાલન સ્વસ્તિક ગૃપ-કોપરસીટી એસોસીએશન પાસે
દાતાઓની નગરી હોવાનુ દાતાઓએ દ્રષ્ટાંત પુરૂ પાડ્યુ,
બ્લડ બેંક માટે ૧૫ મિનિટમાં રૂા.૨૫ લાખ દાનની જાહેરાત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોપરસીટી મરચન્ટ એસોસીએશનના ત્રીવેણી કાર્યક્રમમાં સમાજસેવી ર્ડા. મિહિરભાઈ જોષીએ જણાવ્યુ હતું કે, રાજુભાઈ પટેલ (આર.કે.) ડાયમંડ છે. તેમાં સમાજ સેવાના જેટલા પાસા પાડો એટલા ઓછા છે. રાજુભાઈ પટેલ જેવા ડાયમંડથી શહેરની સમાજ સેવા કરતી સંસ્થાઓનો વિકાસ શક્ય બન્યો છે. ર્ડા.મિહિરભાઈ જોષીએ બ્લડબેંકનુ સંચાલન રાજુભાઈ પટેલને સોપતાજ દાનનો ધોધ વહ્યો હતો અને માત્ર ૧૫ મિનિટના ટુંકા ગાળામાં દાતાઓની નગરીના દાતાઓએ રૂા.૨૫ લાખ દાનની જાહેરાત કરી હતી. જે રાજુભાઈ પટેલના સમાજ સેવા લક્ષી સ્વચ્છ અને પારદર્શક વહીવટની પરિણામ કહી શકાય.
કોપરસીટી મરચન્ટ એસોસીએશનના શુભારંભ, સ્નેહમિલન તથા ડિરેક્ટરી વિમોચનના ત્રીવેણી કાર્યક્રમમાં શહેરના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવા પ્રસંગો બન્યા હતા. ૪૦૦૦ ઉપરાંત્ત વેપારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં જ્યોતિ હોસ્પિટલના ગાંધીવાદી સમાજસેવા ર્ડા.મિહિરભાઈ જોષીએ જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત વોલન્ટરી બ્લડ બેંકનુ સંચાલન શહેરના ભામાશા રાજુભાઈ પટેલ(આર.કે.)ને સોપતા પહેલા જણાવ્યુ હતું કે, રાજુભાઈ પટેલને શહેરના ભામાશા કરતા વિશેષ ઉપનામ શહેરના ડાયમંડ આપીએ તો ઓછુ નથી. ડાયમંડને ઘસતી વખતે જેટલા પાશા પાડો તેટલા ઓછા છે. ત્યારે રાજુભાઈ પટેલના વ્યક્તિત્વનો શહેરની સંસ્થાઓના વિકાસ માટે જેટલો ઉપયોગ કરો તેટલો ઓછો છે. ર્ડા.મિહિરભાઈ જોષીએ જણાવ્યુ હતું કે, સાર્વજનિક સ્મશાનગૃહનું સંચાલન અમારા હાથમાં હતુ. ત્યારે આ સ્મશાનગૃહનું સંચાલન રાજુભાઈ પટેલને સોપતા જે વિકાસ થયો છે તે ખરેખર અભૂતપૂર્વ સમગ્ર ગુજરાતમાં એક નમુનારૂપ સ્મશાનગૃહનુ નિર્માણ કર્યુ છે. બ્લડબેંક બાબતે જણાવ્યુ હતું કે, શહેરમાં પ્રાઈવેટ ર્ડાક્ટરોની શરૂઆત થતા બ્લડની જરૂરીયાત ઉભી થતાં ૧૯૯૨-૯૩ માં બ્લડ બેંકની શરૂઆત થઈ. અગાઉ બ્લડ બેંકનુ સંચાલન સરળ હતુ. પરંતુ સરકારના નિતિ નિયમો કઠીન બનતા આધુનિક સાધનો વસાવવાની જરૂરીયાત ઉભી થઈ છે. જે નિયમો પ્રમાણે બ્લડ બેંકના સંચાલન માટે મોટા ફંડની જરૂરીયાત ઉભી થાય તેમ હોવાથી શહેરના ભામાશા રાજુભાઈ પટેલે સામે ચાલીને આવી બ્લડ બેંકને આર્થિક મદદ કરવા જણાવ્યુ હતુ. રાજુભાઈ પટેલ દાનેશ્વરી ઉપરાંત સક્ષમ વહિવટકર્તા હોવાથી તેમને બ્લડબેંકનુ સંચાલન સોપવા નિર્ણય કરાયો છે. રાજુભાઈ પટેલના ડાયમંડ જેવા વ્યક્તિત્વમાં હજુય કેટલાય પાસા પડવાના બાકી છે. રાજુભાઈ પટેલનો જેટલો ઉપયોગ કરીએ તેટલો ઓછો છે. રાજુભાઈ પટેલની સ્મશાન ગૃહમાં સેવાઓ અને સ્થળનુ રમણીય વાતાવરણનુ વર્ણન કરતા શબ્દો ખુટે છે. જેમની સેવા ભાવનાથી પ્રભાવિત થઈ હું રાજુભાઈ પટેલ અને તેમની ટીમ કોપરસીટી મરચન્ટ એસોસીએશન તથા સ્વસ્તિક મિત્ર મંડળને બ્લડબેંકનુ સંચાલન આશિર્વાદ સાથે સોપુ છુ. મને વિશ્વાસ છેકે રાજુભાઈ પટેલ અને તેમની ટીમ વોલન્ટરી બ્લડ બેંક થકી વિસનગર અને આજુબાજુની જનતાની સારી સેવા કરશે.
ર્ડા.મિહિરભાઈ જોષીએ બ્લડબેંકનો સંચાલન પત્ર રાજુભાઈ પટેલને સોપ્યો હતો. જે પત્ર કોપરસીટીના પ્રોજેક્ટ ચેરમેન કિર્તીભાઈ પટેલ કલાનિકેતનવાળાએ જાહેરમાં વાંચી સંભળાવ્યો હતો. કાર્યક્રમમાં હાજર તમામ વેપારીઓએ આ પ્રસંગને તાલીઓથી વધાવ્યો હતો. રાજુભાઈ પટેલે બ્લડ બેંકનુ સંચાલન સંભાળતાજ બ્લડ બેંક માટે રૂા.૨,૫૧,૦૦૦/- નુ દાન જાહેર કર્યુ હતુ. ર્ડા.મિહિરભાઈ જોષીએ પણ જ્યોતિ હોસ્પિટલ તરફથી બ્લડ બેંક માટે રૂા.૨,૫૧,૦૦૦ નુ દાન જાહેર કર્યુ હતું. બસ પછી તો રૂા.૧,૫૦,૦૦૦, રૂા.૧,૦૦,૦૦૦, રૂા.૫૧,૦૦૦ ના દાનનો મહાધોધ વહ્યો હતો. ૧૫ મિનિટના ટુંકા ગાળામાં દાતાઓની નગરીના દાતાઓએ રૂા.૨૫ લાખ જેટલુ દાન જોતજોતામાં જાહેર કરી દીધુ હતુ. દાન જાહેર કરવા સ્ટેજ ઉપર રીતસરની પડમપડા થઈ હતી તેવુ કહીએ તો ખોટુ નથી. દાનનો પ્રવાહ જોઈ કાર્યક્રમના મહેમાન ઉંઝા ધારાસભ્ય ર્ડા.આશાબેન પટેલ એ કહેવા મજબુર બન્યા હતા કે, મારે બીજા કાર્યક્રમમાં જવાની ઉતાવળ છે. મારુ વ્યક્તવ્ય થોડા સમય પછી રાખજો પરંતુ દાનના ધોધની જાહેરાતનો કાર્યક્રમ અટકાવશો નહી.
નિરાભિમાની, સૌમ્ય સરળ સ્વભાવ, આશા લઈને આવનારને કદી નિરાશ નહી કરનાર, સમાજ સેવી, સામાજીક સંસ્થાઓને પગભર બનાવવામાં યોગદાન આપનાર એવા શહેરના ભામાશા રાજુભાઈ પટેલની બ્લડબેંક હસ્તગત કરવાની શરૂઆતથીજ દાનના પ્રવાહથી શુકનવંતી સાબીત થઈ છે. દાનનો પ્રવાહ હજુ પણ ચાલુ છે. ત્યારે બ્લડબેંકમાં રાજુભાઈ પટેલના પગરવથી બ્લડ બેંકનો પણ અભૂતપૂર્વ વિકાસ થશે તેમાં કોઈ બેમત કે શંકાને સ્થાન નથી.