Select Page

હદ વધારવાના ઠરાવમાં અમારૂ શું? ૫૦% ગેરહાજર

હદ વધારવાના ઠરાવમાં અમારૂ શું? ૫૦% ગેરહાજર

પાલિકામાં સેવા માટે નહી પરંતુ મેવા માટે આવેલા લાલચુ સભ્યોએ હવે તો હદ કરી દીધી

હદ વધારવાના ઠરાવમાં અમારૂ શું? ૫૦% ગેરહાજર

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાની આ વખતની જનરલ એટલા માટે મહત્વની હતી કે, ૨૪ વર્ષ બાદ શહેરની હદ વધારવા માટે મહત્વનો ઠરાવ કરવાનો હતો. આ જનરલમાં તમામ સભ્યોએ હાજર રહી શહેરના વિકાસને લગતા ઠરાવને સર્વાનુમતે મંજુર કરવો જોઈએ. ત્યારે સેવાના નામે મેવા ખાવાના ઈરાદે ચુંટાયેલા કેટલાક સભ્યોએ હદ વધારવાના ઠરાવમાં અમારૂ શું? તેમ કહી લાલચ વ્યક્ત કરી હતી. આ જનરલમાં ૫૦% જેટલા સભ્યો ગેરહાજર રહ્યા હતા. જોકે હદ વધારવા સહીતના ઠરાવો મંંજુર કરવામાં આવ્યા હતા.
વિસનગર પાલિકામાં આ બોર્ડના કેટલાક સભ્યોએ તો હવે હદ કરી દીધી છે. પાલિકાના દરેક કામમાં મળતરની લાલચ રાખે છે. પાલિકામાં જ્યા સહકાર માગો ત્યા અમને શુ ફાયદો તેવો પ્રથમ પ્રશ્ન કરવામાં આવે છે. ૨૪ વર્ષ બાદ વિસનગર શહેરની હદ વધારવાનો ઠરાવ આ જનરલમાં કરવાનો હતો. વિકાસના કામમાં સાથ સહકાર અને પ્રોત્સાહન આપવાની જગ્યાએ કેટલાક સભ્યોએ હદ વધારવાનો ઠરાવ ન થાય તેવા પ્રયત્નો કર્યા હતા. તા.૨૮-૧-૨૦૨૦ ના રોજ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક, દંડક પ્રકાશભાઈ દાણી તથા સભ્યોની ઉપસ્થિતિમાં પાલિકા જનરલ મળી હતી. જનરલમાં એજન્ડામાં દર્શાવેલ ૪૯ તથા પ્રમુખ સ્થાનેથી રજુ થયેલા ઠરાવો મંજુર કરવામાં આવ્યા હતા.
આ જનરલમાં શહેરની હદ વધારવાનો ઠરાવ ખુબજ મહત્વનો હતો. વિસનગર પાલિકાની આસપાસના સર્વે નંબરો પાલિકા હદમાં સમાવવા માટે પાલિકા સભ્ય ફુલચંદભાઈ પટેલ છેલ્લા એક વર્ષથી પ્રયત્નશીલ છે. જેમણે આ ઠરાવ કરવા બે વખત રજુઆત કરી હતી. પરંતુ બન્ને વખત ઠરાવ નામંજુર કરવામાં આવ્યો હતો. છેલ્લે ફુલચંદભાઈ પટેલે શહેરી વિકાસ કમિશ્નરમાં રજુઆત કરી હતી. શહેરના વિકાસ માટેના પાલિકા સભ્યના આ પ્રયત્નને બીરદાવવાની જગ્યાએ એવી ચર્ચાઓ અને અફવાઓ વહેતી કરવામાં આવી હતી કે, શહેરના બીલ્ડરોએ ફુલચંદભાઈ પટેલને મોટી રકમ આપી હોવાથી હદ વધારવાના ઠરાવ માટે મહેનત કરે છે. ભૂગર્ભ ગટર હેન્ડ ઓવર કરવાના ઠરાવમાં કોન્ટ્રાક્ટરે ૩૦ થી ૩૫ લાખ આપ્યા છે તેવી અફવા ફેલાવવામાં આવતા આ ઠરાવ કરી શકાયો નથી. આજ ટ્રીક હદ વધારવાના ઠરાવમાં પણ અપનાવાઈ. પરંતુ આ વખતે ખોટી ચર્ચાઓ અને અફવાઓ ફેલાવી પોતાનો રોટલો શેકતા એકલ દોકલ સભ્ય નિષ્ફળ રહ્યા હતા. જાણવા મળ્યા પ્રમાણે હદ વધારવાનો ઠરાવ સર્વાનુમતે મંજુર થાય તે માટે ફુલચંદભાઈ પટેલે કેટલાક સભ્યોનો સંપર્ક કર્યો હતો. ત્યારે લાલચુ સભ્યોએ પ્રશ્ન કર્યો હતો કે, અમને શુ ફાયદો? ફાયદો થાય તેમ ન હોવાથી જનરલમાં આવવાનુ પણ ટાળ્યુ હતુ. હવે જ્યારે હદ વધારવાનો ઠરાવ મંજુર થઈ ગયો છે ત્યારે આ ઠરાવ રદ કરવા કલેક્ટરમાં ૨૫૮ મુજબ પડકારી વિવાદ ઉભો કરવાની પણ ચીમકી આપવામાં આવી રહી છે. પાલિકામાં ચુંટાયા બાદ લોકસેવાની ભાવના હોવી જોઈએ. ત્યારે દરેક કામમાં લાલચ રાખતા આ સભ્યોએ તો હદ વટાવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us