ખેરાલુ પાલિકા બજેટ મિટીંગમાં કોન્ટ્રાક્ટરો ઉપર શિકંજો કસ્યો
ખેરાલુ પાલિકા બજેટ મિટીંગમાં કોન્ટ્રાક્ટરો ઉપર શિકંજો કસ્યો
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ પાલિકાની બજેટ મિટીંગ તા. ૩૧-૧-૨૦૨૦ના રોજ પ્રમુખ હિરાબેન ભગુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં કોન્ટ્રાક્ટરોની મનમાની ઉપર શિકંજો કસાયો હતો. જેમાં તમામ સભ્યોએ એક સાથે સમર્થન આપ્યુ હતું. પાલિકાના ત્રીસ કરોડના ખર્ચ સામે ૮ કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમત્તે પસાર થયુ હતુ.
ખેરાલુ પાલિકામાં કોન્ટ્રાક્ટરો કોઈને ગાંઠતા નથી, કોન્ટ્રાક્ટર મનમાની કરે છે. તેવી બુમો ઉઠી હતી. જેમાં પાલિકામાં કોન્ટ્રાક્ટરો પૈકી કોન્ટ્રાક્ટરો કે તેમની પત્નિ અને પુત્રવધુઓ ચુંટાઈ આવતા હાલ પાલિકાનું સંપુર્ણ સંચાલન બે-ચાર સભ્યો કરતા હોય તેવા ઘાટ ઘડાતા પાલિકા દંડક ગોવિંદભાઈ પ્રજાપતિએ પ્રચાર સાપ્તાહિક સમક્ષ બળાપો કાંઢતા જિલ્લા ભાજપ પ્રમુખ સમક્ષ સી.સી.રોડના કામો ખરાબ થવાનો મુદ્દો ચર્ચાયો હતો. જેની સીધી અસર પાલિકાની જનરલ મિટીંગમાં જોવા મળી હતી. પાલિકાની જનરલ મિટીંગમાં બજેટ સર્વાનુમત્તે મંજુર કરવામાં આવ્યુ હતું. તેમજ બગીચાનું ૧.૮૦ કરોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટર દેવર્ષ કન્ટ્રક્શન કંપની ગાંધીનગર દ્વારા સમય મર્યાદામાં કામ પુર્ણ ન કરતા સમયમર્યાદા વધારવા માંગણી કરી હતી. તેમજ ૫૫ લાખ રૂપિયાના ખર્ચે જુમ્મા મસ્જીદથી હાટડીયા, જુમ્મા મસ્જીદ ચોક તેમજ મંડળીના ઢાળ સુધીનું બ્લોક નાંખવાનું કામ સમયમર્યાદામાં પુર્ણ ન કરતા સમયમર્યાદા વધારવા માંગણી કરી હતી. પાલિકાની જનરલ સભાએ સમયમર્યાદા વધારી આપવા સર્વ સંમતીથી વિરોધ કરતા કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવાની પણ ખાંનગીમાં ચર્ચાઓ મિટીંગ પહેલા ખેરાલુના નવા રેસ્ટહાઉસ ખાતે થઈ હતી. પરંતુ જનરલમાં માત્ર સમયમર્યાદા વધારવા ઠરાવ કરાયો ન હોતો.
ખેરાલુ પાલિકામાં ખાલી પડેલી ઓફીસ સ્ટાફની ભરતી કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. ખેરાલુ પાલિકામાં ચિફ ઓફિસર સાથે સેનેટરી ઈન્સપેક્ટર અરૂણભાઈ ચૌધરી અને નિતીનભાઈ પરમાર સાથે ત્રણ કર્મચારીઓજ કાયમી છે. બાકીના તમામ હંગામી કર્મચારીઓ છે જેથી તમામ જગ્યાઓ ખાલી હોવાથી કાયમી કર્મચારીઓની ભરતી કરવા ઠરાવ કરાયો હતો. સફાઈ કર્મચારીની બાકીની ભરતી આ સાથે થશે કે કેમ? તેવુ પુંછતા ચિફ ઓફીસર હરીશભાઈ અગ્રવાલે જણાવ્યુ હતું કે, સફાઈ કામદારોની બાકીની ૫૦ ટકા ભરતી કરવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી છે. સરકાર ભરતી માટે મંજુરી આપે તે પછી બાકીના ૫૦% સફાઈ કામદારોની ભરતી થશે. હાલ ઓફીસ સ્ટાફ, ડ્રાઈવર, પટાવાળાની કાયમી ભરતી કરવામાં આવશે. તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો. પાલિકાને સંપુર્ણ કોમ્પ્યુટરાઈઝ્ડ કરવા માટે અગાઉ કોમ્પ્યુટર મેળવવા ટેન્ડરીંગ કરાયુ હતું. હવે પાલિકામાં વેરા દફતર, જન્મ મરણ, ગુમાસ્તાધારા, હંગામી ભાડા વિભાગ સહિત તમામ વિભાગો કોમ્પ્યુટરાઈઝ કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. ખેરાલુ પાલિકા હદ વિસ્તારોમાં નવા બનેલા મકાનો તેમજ કોમર્શિયલ સેન્ટરોની યુધ્ધના ધોરણે આકારણી કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. જેના કારણે પાલિકામાં વેરા માંગણી પણ વધી જશે.
ખેરાલુ પાલિકામાં જે કોઈ ટેન્ડર આવે તેમાં એક જ કોન્ટ્રાક્ટરને તમામ કામો ના ટેન્ડરો મંજુર થતા કોન્ટ્રાક્ટરો સમય મર્યાદામાં કામો પુર્ણ કરતા નથી. જેથી જે કોન્ટ્રાક્ટરના કામો પુર્ણ ન થયા હોય અને તે ટેન્ડર ફરીથી ભરેતો આવા કોન્ટ્રાક્ટરનું ટેન્ડર ખોલવું નહી કે વિચારણા કરી રદ કરવું. તેવો ઠરાવ કરવામાં આવશે. તેવું પાલિકા ઉપપ્રમુખ હેમન્તભાઈ શુકલે ઠરાવ કરવા રજુઆત કરી છે. આ બાબતે ચિફ ઓફિસરને પુછતા તેમણે જણાવ્યું કે, મિટીંગની ચર્ચા આધારે ઠરાવ થશે. એટલે એવુ કહી શકાય કે કોન્ટ્રાક્ટરોને છાવરવા પ્રમુખ, ઉપપ્રમુખ અને ચિફ ઓફિસર હોબાળા વચ્ચે નવો વિચિત્ર પ્રકારનો ઠરાવ લખેતો નવાઈ ન પામતા.
ખેરાલુ પાલિકામાં ૪ કરોડ ઉપરાંતની નવીન ગ્રાન્ટ આવી છે. આ ગ્રાન્ટથી રોડ રીસર્ફેસિંગ કરવા વપરાશે તેવું ચિફ ઓફિસર જણાવે છે ત્યારે જુની તુટી ગયેલા રોડમાં થીગડા મારી તેની ઉપર ડામર રોડ બનશે જેથી જ્યાં સી.સી.રોની જરૂર છે ત્યાં પણ ડામર રોડ બનાવવામાં આવશે તેવું લાગે છે. ખેરાલુ શહેરમાં વરસાદી પાણી તેમજ લોકો દ્વારા નિયમિત પાણી વેડફવામાં આવતું હોય તેવા વિસ્તારોમા પણ ડામર રોડ બનાવવાની વાતો શરૂ થઈ છે. પાલિકા સભ્યોમાં ચાર-પાંચ કોન્ટ્રાક્ટરો નેજ આ બાબતની ખબર છે. બાકીના નવા સભ્યોની જાણ બહાર ડામર રોડના ટેન્ડરો બહાર પાડવામાં આવશે. તેવું એક સભ્યએ નામ ન લખવાની શર્તે જણાવ્યું છે. જો આ હકીકત સાચી છે કે ખોટી તે બાબતે પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખે લોકોની સાચી હકીકતથી વાકેફ કરવા ખુલાસો કરવો જોઈએ તેવું પ્રચાર સાપ્તાહિકનું માનવું છે. અને છેલ્લે આપણે કાયમ વાતો વાતોમાં ચર્ચા દરમિયાન કહીએ છીએ કે ધાર્યુ ધણી(ભગવાન)નું થાય પરંતુ ખેરાલુ પાલિકામાં ચાર- પાંચ કોન્ટ્રાક્ટરો ઈચ્છે તેવી રીતે જ ચાર કરોડનું ટેન્ડર બહાર પડશે તેવી લોકમાં ચર્ચા છે.