Select Page

રાજકીય રાગદ્વેષમાં શહેરની ઘણી સંસ્થાઓ બંધ થઈ છે તે ભૂલવુ જોઈએ નહી તાલુકા સંઘમાં ગેરવહીવટની અરજીથી ભૂકંપ-રીઓડીટનો ઓર્ડર

રાજકીય રાગદ્વેષમાં શહેરની ઘણી સંસ્થાઓ બંધ થઈ છે તે ભૂલવુ જોઈએ નહી તાલુકા સંઘમાં ગેરવહીવટની અરજીથી ભૂકંપ-રીઓડીટનો ઓર્ડર

રાજકીય રાગદ્વેષમાં શહેરની ઘણી સંસ્થાઓ બંધ થઈ છે તે ભૂલવુ જોઈએ નહી
તાલુકા સંઘમાં ગેરવહીવટની અરજીથી ભૂકંપ-રીઓડીટનો ઓર્ડર
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
રાગદ્વેષના અને પ્રતિસ્પર્ધિને પતાવી દેવાના રાજકારણમાં શહેરની ઘણી સંસ્થાઓ પતી ગઈ છે. માતબર સંસ્થાઓ બંધ થતા શહેર પાછળ પડી ગયુ છે. આ જાણવા છતાં સંસ્થાઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે તે શરમજનક છે. વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ ચાલતો હોવાની અરજી થતા પાંચ વર્ષનુ રીઓડીટ આપવામાં આવતા તાલુકા સંઘમાં ભુકંપ સર્જાયો છે. અરજદારોને મનાવવા જે ધમપછાડા થઈ રહ્યા છે તેના ઉપરથી દાળમાં કંઈક કાળુ છે તેવી શંકા પ્રબળ બની છે. રીઓડીટમાં ઘણુ બધુ બહાર આવવાની અને જવાબદારો કાયદાની ચુંગાલમાં ફસાય તેવી ચર્ચાઓ સહકારી ક્ષેત્રે થઈ રહી છે.
વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં એકધારી સત્તા ભોગવનારા હોદ્દેદારોની અત્યારે ઉંઘ હરામ થઈ ગઈ છે. જાણવા મળ્યા પ્રમણે તાલુકાના ૬ થી ૭ જેટલા વ્યક્તિઓએ તાલુકા સંઘમાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર ચાલતો હોવાની અરજી કરી હતી. જે અરજી આધારે સંયુક્ત રજીસ્ટાર દ્વારા પાંચ વર્ષનુ રીઓડીટ આપવામાં ઓર્ડર કરવામાં આવ્યો છે. રીઓડીટના ઓર્ડરની કોપી મળતાજ તાલુકા સંઘમાં ભુકંપ સર્જાયો છે. રીઓડીટ માટેની ટીમ આવી પણ હતી. પરંતુ મેનેજર રજા ઉપર ઉતરી જતા રીઓડીટનુ કામ વિલંબમાં મુકાયુ છે. ચર્ચાતી માહિતી પ્રમાણે રીઓડીટનો ઓર્ડર મુલત્વી રહે તે માટે ગાંધીનગર એક મંત્રી સમક્ષ પણ રજુઆત કરવા માટે હોદ્દેદારો પહોચ્યા હતા. રીઓડીટના ઓર્ડરને હાઈકોર્ટમાં પડકારવાની પણ ગતિવીધી થઈ હોવાનુ ચર્ચાય છે.
સંઘમાં ગેરવહીવટની અરજી કરનાર અરજદારોને પણ મનાવવા ધમપછાડા થઈ રહ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. રીઓડીટના ઓર્ડરથી તાલુકાના સહકારી ક્ષેત્રે ભારે હલચલ મચી છે.
આ બાબતે તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ કે.કે.ચૌધરીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યુ છેકે, છ સાત અરજદારોએ અરજી કરી છે. અમને કોઈ અરજી મળી નથી. પરંતુ વહીવટમાં નાણાંકીય ગેરરીતી અને ગેરવહીવટ ચાલે છે તો રીઓડીટ આપવામાં આવે છે તેવો સંયુક્ત રજીસ્ટારમાંથી પત્ર મળ્યો છે. છેલ્લા પાંચ વર્ષનુ રીઓડીટ માગ્યુ છે. સંઘનુ દર વર્ષે ઓડીટ થાય છે. ઓડીટ વર્ગ ‘અ’ આવે છે. અમે કોર્ટમાં ગયા નથી. સરકારના નિર્ણય સામે શુ કરવા જવુ પડે. સરકારે જે નિર્ણય કર્યો છે તે સ્વિકાર્ય છે.
વિસનગરમાં ભાજપનો જુથવાદ વકર્યો છે તે જગજાહેર છે. સંઘના પ્રમુખ કે.કે.ચૌધરી, એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલની તમામ કાર્યક્રમોમાં જોવા મળે છે. જેથી ધારાસભ્ય ઋષિભાઈ પટેલના જુથ દ્વારા સંઘમાં ગેરવહીવટ ચાલતો હોવાની અરજીઓ થઈ હોવાનુ ચર્ચાય છે. તાલુકા સંઘની ચુંટણી આવી રહી છે ત્યારે ચુંટણીના દાવપેચ શરૂ થઈ ગયા હોવાનુ પણ અનુમાન છે. રીઓડીટ દ્વારા સંઘનો ગેરવહીવટ બહાર લાવી સંઘમાં વહીવટદાર મુકવાની પણ પેરવી થઈ હોવાનુ જાણવા મળ્યુ છે. ટુંકમાં સંઘ, ત્યારબાદ નગરપાલિકા, ત્યારબાદ માર્કેટયાર્ડ અને છેલ્લે વિધાનસભાની ચુંટણી આવતી હોવાથી આ ચુંટણીઓના દાવપેચ અત્યારથી શરૂ થઈ ગયા હોવાનુ કહી શકાય.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us