Select Page

તંત્રી સ્થાનેથી…અઢળક વાનગીઓ બનાવી શુભ પ્રસંગે થતા જમણવારનુ બગડતુ ભોજન યોગ્ય છે ખરૂ?

તંત્રી સ્થાનેથી…અઢળક વાનગીઓ બનાવી શુભ પ્રસંગે થતા જમણવારનુ બગડતુ ભોજન યોગ્ય છે ખરૂ?


તંત્રી સ્થાનેથી…

ભારત દેશમાં અનેક લોકોને એક ટંકનુ ખાવાનુ મળતુ નથી ત્યારે

અઢળક વાનગીઓ બનાવી શુભ પ્રસંગે થતા જમણવારનુ બગડતુ ભોજન યોગ્ય છે ખરૂ?

પ્રવર્તમાન સમયમાં ચાલી રહેલી લગ્નસીઝનમાં સુખી સંપન્ન લોકોના લગ્ન સમારંભના જમણવારોમાં જુદા જુદા પ્રકારની રસોઈઓ બનાવવાની હોડ લાગી છે. પ્રસંગ કરનાર જેટલા સુખી સંપન્ન હોય ત્યારે દરેક પ્રકારની રસોઈઓ હોય અને જમણવારમાં વિવિધ પ્રકારની રસોઈઓ પીરસે તેનું નામ સમાજમાં મોટુ કહેવાય. ચોરે ચૌટે પ્રસંગની ચર્ચાઓ થાય પણ ભારત દેશમાં પ્રવર્તમાન સંજોગોમાં અનેક લોકોને એક સમયનો રોટલો મળતો નથી, અનેક લોકો પાણી પી ભૂખ છુપાવી સુઈ જાય છે. તેવા સમયે ગુજરાતમાં સાધન સંપન્ન લોકોએ અનાજ બગાડવાની હોડ લગાવી છે. મોટા લક્ષાધિપતિને ત્યાં પુત્ર-પુત્રીના લગ્ન વખતે યોજાતા સમારંભમાં ૨૫૦૦ થી ૫૦૦૦ માણસનો જમણવાર હોય ત્યારે જમણવારમાં ગુજરાતી, રાજસ્થાની, પંજાબી, કાઠીયાવાડી, ચાઈનીઝ અને મેક્સીકન ફૂડ પીરસવામાં આવે છે. જેના તમામના કાઉન્ટરો હોય છે. એક ગણત્રી મૂકીએ ૨૫૦૦ માણસનો જમણવાર હોય જેમાં ગુજરાત હોય તો મુખ્ય ખોરાક ગુજરાતી, કાઠીયાવાડ હોય તો મુખ્ય ખોરાક કાઠીયાવાડી, કચ્છ હોય તો મુખ્ય ખોરાક કચ્છી જ્ઞાતિ પ્રમાણે ૨૫૦૦ માંથી ૨૦૦૦ સુધીનો મુખ્ય ખોરાક બનાવવામાં આવે. બાકીના બધા વાનગીઓ ૧૫૦૦ ની બનાવવામાં આવે કોઈ વસ્તુ ખૂટે નહિ તે માટે ધારણા કરતાં વધારે રસોઈ બનાવવામાં આવે. ચાઈનીઝ, મેક્સીકન ૨૫૦૦ ની જગ્યાએ ૧૦૦૦-૧૦૦૦ નું બનાવવામાં આવે એટલે ૨૫૦૦ માણસ માટે ૭૫૦૦ થી ૮૦૦૦ ની રસોઈ બનાવવી પડે. તેમાં જમનાર માણસો ૨૫૦૦ એટલે ૬૦૦૦ માણસો ખાય તેટલી રસોઈનો બગાડ થાય. તેવી જ રીતે નાસ્તામાં પણ પ્રસંગ કરનારની શક્તિ પ્રમાણે કાઉન્ટરો હોય. દરેક કાઉન્ટરો ૨૫૦૦ માણસોને લક્ષમાં રાખી બનાવાય એટલે નાસ્તામાં બગાડ થાય. આ બધી રસોઈ ત્યારે બગડે જ્યારે કે રાતના બાર વાગ્યા હોય. રાતના ૧૨ વાગે જળ ઝંપે ત્યારે હોય. એટલે કોઈ લેનાર પણ ન હોય. ત્યારે બગડેલી, વધેલી રસોઈમાં શાકભાજી, દાળ, મન્ચુરીયન, મેક્સીકન, ચાઈનીઝ નૂડલ્સ ટેમ્પામાં ભરી દૂર કોઈ ખાડામાં નાખી આવવુ પડે. ભાત તો જરૂરીયાત પ્રમાણે રસોઈયા બનાવતા હોય છે એટલે તે બગડે નહિ. મીઠાઈઓ વધે તે બીજા દિવસે ઘરડાઘર, સેવાકીય ચાલતા સદાવ્રતોમાં મોકલી શકાય. પણ બગાડ થાય તે મોટા પ્રમાણમાં થાય. આપણે ગરીબ દેશના વાસીઓ છીએ ફક્ત ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનનો કેટલોક ભાગ સુખી છે. ગુજરાતના પ્રમાણમાં કોઈ રાજ્ય વધારે સુખી નથી તો આપણે રાષ્ટ્રના હિતમાં એવો નિર્ણય ન લઈ શકીએ કે આપણા બાળકોના, ભાઈ-બહેનોના લગ્નમાં એકજ પ્રકારની રસોઈ બનાવી એકજ પ્રકારની રસોઈ ના પીરસી શકીએ? એકજ પ્રકારની રસોઈથી ખાનારને પણ સંતોષ થાય છે. લાડુ કે મોહનથાળ, દાળ, ભાત, એક કે બે શાક, પુરી કે રોટલી, ચણા કે વાલ, મીક્સ ભજીયા અને પુરીના જમણવારમાં લોકો જેટલા હોંશે હોંશે જમે છે તેટલા લોકો અનેક વાનગીઓના જમણવારમાં સંતોષ પામતા નથી. નાસ્તા પણ પ્રમાણસર રાખવા જોઈએ. અને નાસ્તા વધારે હોય તો રસોઈ તેના પ્રમાણમાં કરી અનાજનો બગાડ અટકાવવો જોઈએ. પહેલાના જમાનામાં લગ્નપ્રસંગનો જમણવાર હોય ત્યારે જમણવારના બહારના ભાગમાં માગનારની લાંબી લાઈનો લાગતી હતી. પ્રવર્તમાન સંજોગોમાં ગુજરાતમાં ગરીબ વર્ગ સધ્ધર થતો જાય છે. જેથી માંગનારની સંખ્યા ઘટી છે. પહેલાના જમણવારોમાં વધેલુ ભોજન ગરીબોના મોઢે જતુ હતું. અત્યારે વધેલુ ભોજન ગટરમાં જાય છે તે યોગ્ય નથી. જેથી અનાજ અને પાણી બચાવવાનું છે. તે જીવનમંત્ર બનવો જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us