Select Page

કરેલુ કામ માથે ન પડે તે માટે તકેદારી રાખવી ખુબજ જરૂરી દેળીયુ ભરવા પીંડારીયા તળાવથી પાઈપલાઈન નંખાશે

કરેલુ કામ માથે ન પડે તે માટે તકેદારી રાખવી ખુબજ જરૂરી દેળીયુ ભરવા પીંડારીયા તળાવથી પાઈપલાઈન નંખાશે

કરેલુ કામ માથે ન પડે તે માટે તકેદારી રાખવી ખુબજ જરૂરી
દેળીયુ ભરવા પીંડારીયા તળાવથી પાઈપલાઈન નંખાશે
(પ્ર.ન્યુ.સ.)વિસનગર, રવિવાર
દેળીયુ તળાવ ધરોઈ અને નર્મદાના પાણીથી ભરવા માટે હવે પીંડારીયા તળાવથી પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. દેળીયા તળાવના આવરા બંધ થઈ ગયા હોવાથી તળાવ ભરવા માટેનો આ છેલ્લો પ્રયત્ન છે. જાણકાર એન્જીનીયરોના માર્ગદર્શન વગર લેવલ જોયા વગર પાઈપલાઈન નાખવામાં આવશે તો ભવિષ્યમાં દેળીયા તળાવમાં ક્યારેય પાણી જોવા મળશે નહી. પાલિકાના બાંધકામ વિભાગ દ્વારા પાઈપલાઈન નાખતા પૂર્વે સીંચાઈ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરી લેવલીંગના પ્રમાણમાં પાઈપલાઈન નંખાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
વિસનગરનુ ઐતિહાસિક દેળીયુ તળાવ પાલિકાની દુર્લક્ષતાના કારણે સુકાવા તરફ જઈ રહ્યુ છે. તળાવમાં પાણી લાવતા પાલડી રોડ ઉપરના આવરાના માર્ગે દબાણો થતા તેમજ કચરો ઠલવાતા હવે આ માર્ગે તળાવમાં ચોમાસુ પાણી આવવાની કોઈ શક્યતા નથી. નર્મદા પાઈપલાઈનમાં તળાવ વિસ્તાર ઉંચાઈવાળો ભાગ હોઈ પાઈપ નાખી શકાય તેમ નથી. દેળીયા તળાવમાં પાણી લાવવાની તમામ શક્યતાઓ વિચાર્યા બાદ હવે પીંડારીયા તળાવમાંથી ગ્રેવીટી(કુદરતી ઢાળ) આધારે પાઈપલાઈન દ્વારા દેળીયામાં પાણી નાખવા પાલિકા દ્વારા ટેન્ડરીંગ કરવામાં આવ્યુ છે. રૂા.૨૧ લાખની માતબર રકમના ખર્ચે પીંડારીયાથી દેળીયા તળાવ સુધી ૧૪૦૦ મીટર પાઈપલાઈન નાખવામાં આવશે. પીંડારીયા તળાવ અત્યારે ધરોઈના પાણીથી ભરવામાં આવ્યુ છે. જે તળાવ ભરવા નર્મદાની પાઈપલાઈન પણ મંજુર થઈ છે. ભવિષ્યમાં પાઈપલાઈનથી નર્મદાનુ પાણી પણ પીંડારીયામાં નાખવામાં આવશે. પીંડારીયામાંથી પાઈપલાઈન દ્વારા દેળીયુ તળાવ ભરવા માટે પાલિકા દ્વારા જે ટેન્ડરીંગ કરવામાં આવ્યુ છે. તે ખરેખર સરાહનીય અને મહત્વનુ છે.
પાઈપલાઈન કામ માટે પી.એમ.બીલ્ડકોનને ટેન્ડર લાગતા વર્કઓર્ડર આપવામાં આવ્યો છે. કુદરતી ઢાળ (ગ્રેવીટી) આધારે પાઈપલાઈન નાખવામાં આવનાર હોવાથી લેવલ લેવાઈ ગયા છે. પાલિકા પાસે કોઈ અનુભવી કે નિષ્ણાત એન્જીનીયર નથી. ત્યારે ધરોઈ સીંચાઈ વિભાગના અનુભવી એન્જીનીયરો, પાણી પુરવઠા વિભાગના એન્જીનીયરોની જોઈન્ટ વીજીટ કરાવી તેમના માર્ગદર્શનમાં લેવલીંગની ચકાસણી કરવામાં આવશે. અત્યારે મોટાભાગના કોર્પોરેટરો નિષ્ક્રીય થઈ ગયા છે. કેટલાક મળતર વગર મથતા નથી. જ્યારે એક માત્ર પાલિકા સભ્ય ફુલચંદભાઈ પટેલ સીંચાઈ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરી પાઈપલાઈન માટે યોગ્ય લેવલ લેવાય અને પાઈપલાઈન નંખાય તેવો પ્રયત્ન કરી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts