Select Page

વિસનગર માટે રૂા.૨૨૩ કરોડના પાણીના પ્રોજેક્ટને વહીવટી મંજૂરી

વિસનગર માટે રૂા.૨૨૩ કરોડના પાણીના પ્રોજેક્ટને વહીવટી મંજૂરી

ધારાસભ્ય ઋષિભાઈ પટેલની આવડત અને ટેકનીકલ જાણકારીનો લાભ તાલુકાની જનતાને મળશે

વિસનગર માટે રૂા.૨૨૩ કરોડના પાણીના પ્રોજેક્ટને વહીવટી મંજૂરી

વિસનગરના હિત માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલની પ્રબળ ઈચ્છાશક્તિના પરિણામે વિસનગરના ઈતિહાસમાં શહેર અને તાલુકા માટે કરોડોના ખર્ચનો પ્રોજેક્ટ મંજુર થયાનો પ્રથમ બનાવ

• મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં પ્રોજેક્ટ મંજૂર થયો
• વિસનગર શહેર અને તાલુકાના ગામડા માટે ૫ કરોડ લીટર પાણી ફળવાશે
• આવનાર ૨૫ વર્ષ સુધી પાણીની મુશ્કેલી ન સર્જાય તેવો પ્રોજેક્ટ
• ખંડોસણ-તરભ વચ્ચેની સીમમાં સમગ્ર પ્રોજેક્ટ આકાર પામશે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેર અને તાલુકાના ગામડા બે વર્ષ પછી પીવાના પાણીની તંગીમાંથી મુક્ત થશે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોના પરિણામે શહેર અને તાલુકાના ગામડા માટે રૂા.૨૨૩ કરોડના ખર્ચના ફિલ્ટરેશન પ્લાન્ટને વહીવટી મંજૂરી મળતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. મહત્વની બાબત છેકે આ યોજના ફક્ત ને ફક્ત વિસનગર તાલુકા માટે છે. ફિલ્ટરેશન પ્લાન્ટમાંથી ૫૦ MLD પાણી મળશે. આવનાર ૨૫ વર્ષ સુધી પાણીની મુશ્કેલી ન વર્તાય તે ધ્યાને રાખી સમગ્ર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
ધરોઈ પાણી પુરવઠા આધારીત વિસનગર શહેર અને તાલુકાના ગામડા છેલ્લા ઘણા વર્ષથી પાણીની તંગી અનુભવતુ આવ્યુ છે. ધરોઈ યોજનાનુ આયુષ્ય પુરૂ થતા તેની વિપરીત અસરો વિસનગર શહેર ભોગવતુ આવ્યુ છે. પહેલા બે ટાઈમ ત્યારબાદ એક ટાઈમ અને હવે આંતરે દિવસે પાણીની સ્થિતિ ઉદ્‌ભવી છે. વિસનગર તાલુકામાં પીવાના પાણીની મુશ્કેલી કાયમી દુર થાય તે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી પ્રયત્નશીલ હતા. વિસનગર માટે ફિલ્ટરેશન પ્લાન્ટનો અલગ પ્રોજેક્ટ મળે તે માટે ધારાસભ્યએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળીયાને વારંવાર રજુઆત કરી હતી. પાણી પુરવઠાના અધિકારીઓ સાથે પણ ફિલ્ટરેશન પ્લન્ટના પ્રોજેક્ટ બાબતે ચર્ચા કરતા આવ્યા હતા. એન્જીનીયર હોવા ઉપરાંત્ત આવડત અને અનુભવના આધારે ધારાસભ્ય મીટીંગો અને ચર્ચા કરતા તેના ફળ સ્વરૂપ ખંડોસણ તરભ વચ્ચેની સીમમાં વિસનગર તાલુકા માટે અલાયદા ફિલ્ટરેશન પ્લાન્ટની દરખાસ્ત કરવામાં આવતા રૂા.૨૨૩ કરોડના ખર્ચે તૈયાર થનાર પ્લાન્ટને વહીવટી મંજુરી મળી છે. વહીવટી મંજુરી મળતાજ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે મીટીંગ કરી સમગ્ર યોજનાની વિગતો મેળવી હતી. ગુંંજા સબ સ્ટેશન કમ્પાઉન્ડમાં ખાટલામાં બેસી વિસનગરને બે વર્ષ પછી મળનાર લાભ વિશે ચર્ચા કરી હતી.
વિસનગર શહેર અને તાલુકાના દરેક ગામને સમાવતી આ યોજનાની વિગતો જોઈએ તો, મોઢેરાથી મોટીદઉ સુધી ૯૦૦ એમ.એલ.ડાયાની પાઈપલાઈન દ્વારા નર્મદાનુ પાણી લાવવામાં આવશે. ૭૧ MLD પાણીમાંથી ૨૧ MLD પાણી ઉંઝા લઈ જવામાં આવશે. જ્યારે બાકીનુ ૫૦ MLD પાણી ખંડોસણ ફિલ્ટરેશન પ્લાન્ટમાં લાવવામાં આવશે. ખંડોસણ પ્લાન્ટમાં ૨૦૦ X ૨૦૦ મીટરનો સંપ બનાવવામાં આવશે. જ્યાં પ્લાન્ટમાં પાણી ફિલ્ટર કરી ઓવરહેડ ટાંકીમાં ચડાવી વિસનગર શહેર માટે સર્વે નં.૩૦૫ માં ૨૦ MLD (૨ કરોડ લી.) પાણી આપવામાં આવશે. જ્યારે વિસનગર તાલુકાઓના ગામડામાં પાણી પહોચતુ કરવા ૩૦ MLD (૩ કરોડ લી.) પાણી ગુંજા સબ સ્ટેશનમાં આપવામાં આવશે. ધરોઈ યોજનામાં એમ.એસ. પાઈપલાઈન વાપરવામાં આવી છે. જે ક્લોરીનમુક્ત પાણીના કારણે કાટ ખવાતા આ યોજનામાં ડી.આઈ.પાઈપનો ઉપયોગ કરવામાં આવશે. વિસનગર શહેરની વસતી અને વિસ્તાર વધતા તેને ધ્યાને રાખી આવનાર ૨૫ વર્ષ સુધી પાણીની તંગી સર્જાય નહી તે ગણતરીએ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હોવાનુ ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ છે. કાંસા ગામ તથા કાંસા એન.એ.વિસ્તારમાં ફીલ્ટરેશન પ્લાન્ટનુ પાણી પહોચતુ કરવા અલગ પાઈપલાઈન નાખવામાં આવશે. મોઢેરા મેઈન લાઈનનો સર્વે શરૂ થઈ ગયો છે. ઝડપથી પ્રોજેક્ટનુ કામ શરૂ કરવામાં આવ્યુ છે અને બે વર્ષમાં ફીલ્ટરેશન પ્લાન્ટ શરૂ થાય તેમજ પીવાનુ પાણી મળતુ થાય તેવા ગતિથી પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. ખંડોસણ ફિલ્ટરેશન પ્લાન્ટના પ્રોજેક્ટની સાથે પાટણ, સિધ્ધપુર અને ઉંઝા ગ્રામ્ય વિસ્તારની યોજના પણ લાઈનમાં હતી. પરંતુ ધરોઈ યોજનાનુ આયુષ્ય પુરૂ થતા વિસનગર સીટી માટે વિચાર કરવામાં ન આવે ગમે ત્યારે પાણીની કટોકટી સર્જાય તેમ હોઈ ધારાસભ્ય ઋષિભાઈ પટેલની અસરકારક રજુઆતના પગલે વિસનગરના પ્રોજેક્ટને અગ્રીમતા મળી છે. જે પ્રોજેક્ટમાં તાલુકાનુ એક પણ ગામ બાકાત રહેશે નહી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us