સેવા મેડીકલ સ્ટોર મધ્યમ વર્ગ માટે આશિર્વાદરૂપ
જેનરીક નહિ સ્ટાન્ડર્ડ દવા કંપનીઓમાં ૧૭ ટકા ડીસ્કાઉન્ટ
સેવા મેડીકલ સ્ટોર મધ્યમ વર્ગ માટે આશિર્વાદરૂપ
વિકલાંગ કલ્યાણ સંઘના ટ્રસ્ટનું પ્રસંશનીય સેવાકાર્ય
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેરમાં કાર્યરત જેની વિકલાંગોની સેવા પ્રસંશનીય છે તેવા વિકલાંગ કલ્યાણ સંઘના ટ્રસ્ટ દ્વારા વિસનગર એમ.એન.કોલેજ સામે રેલ્વે ફાટકથી ઉતરી ડાબા હાથે પ્રથમ ખાંચામાં સેવા મેડીકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે જે મધ્યમ વર્ગ માટે આશિર્વાદરૂપ છે.
પ્રવર્તમાન સંજોગોમાં તબીબી સેવાઓ સાથે દવાઓ પણ મોંઘી થતી જાય છે. ત્યારે સરકારે જેનરીકનો અભિગમ અખત્યાર કરી લોકોને સસ્તી દવાઓ આપવાનો પ્રયત્ન કર્યો છે. ગરીબ, મધ્યમ વર્ગને બિમારીનો ઈલાજ કરવો પોશાય તેમ નથી. સરકારી દવાખાના જોઈએ તેટલી સેવાઓ આપવા સક્ષમ નથી. તેવા સમયે વિસનગરમાં વર્ષોથી કાર્યરત વિકલાંગ કલ્યાણ સંઘ દ્વારા લોકોને સસ્તી મેડીકલ દવાઓ આપવા માટે સેવા મેડીકલ સ્ટોર શરૂ કરાયો છે. આ મેડીકલ સ્ટોરમાં કોઈપણ કંપનીની દવાઓ ઉપર ૧૭ ટકા ડીસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ મેડીકલ સ્ટોરની ખાસિયત એ છેકે દર્દી દવા લેવા જાય ત્યારે ર્ડાક્ટરે જે દવા લખી આપી હોય તેવા કન્ટેન વાળી બીજી સ્ટાન્ડર્ડ કંપનીની સસ્તી દવા દર્દીના ફાયદા માટે જણાવે છે. જો દર્દી જે દવા છે તેજ લેવાનો આગ્રહ રાખે તો તેજ દવા અપાય છે. તેમાં પણ ૧૭ ટકા ડીસ્કાઉન્ટ અપાય છે. સેવા મેડીકલ સ્ટોરમાંં મળતી દવા જેનરીક નથી છતાં દવા બજારમાં આ દવાઓ જેનરીક છે, ડુપ્લીકેટ છે તેવો પ્રચાર કરાય છે. વિસનગરના સ્ટોકીસ્ટો સેવા મેડીકલ સ્ટોરને દવાઓ આપતા નથી. તે બાબતે જીલ્લા આરોગ્ય અધિકારીને ફરીયાદ કરાઈ છે છતાં પૂરતુ પરિણામ મળતું નથી. જેથી રાજ્ય આરોગ્ય અધિકારીને ફરીયાદ કરવા માટે સંચાલકશ્રીએ જણાવેલ છે. તેમણે જણાવ્યુ છેકે મેડીકલના કાયદામાં ર્ડાક્ટરોએ દવાની કંપનીનું નામ લખવાનું હોતું નથી. તેની કન્ટેન લખવાની હોય છે. કંઈ કંપનીની દવા આપવી તે કેમીસ્ટે નક્કિ કરવાનું હોય છે છતાં ર્ડાક્ટરો કંપનીનું નામ લખી ગુનાહીત કાર્ય કરે છે. અમારે સેવા કરવાની છે. અમને કુદરતનો સાથ છે જેથી બહારના સ્ટોકીસ્ટોનો પૂરેપૂરો સહકાર છે. આ મેડીકલ સ્ટોરની એ ખાસિયત છેકે તમે દવા લેવા જાઓ અને તે દવા ન હોય તો બહારથી બીજા દિવસે મંગાવી આપવામાં આવે છે. પણ દવાનો જથ્થો થોડોક મોટો હોવો જોઈએ. તેના ઉપર પણ ૧૭ ટકા ડીસ્કાઉન્ટ આપે છે.