Select Page

ગંજ બજાર ઓવરબ્રીજ સામે વેપારીઓનો જંગ

ગંજ બજાર ઓવરબ્રીજ સામે વેપારીઓનો જંગ

બંન્ને બાજુનો સર્વિસ રોડ ફાટકે બંધ થઈ જવાથી ધંધા રોજગાર પડી ભાગવાનો ભય

ગંજ બજાર ઓવરબ્રીજ સામે વેપારીઓનો જંગ

  •  અસરકરતા વેપારીઓની મિટીંગમાં ઉગ્ર લડત આપવાનો નિર્ણય

  • ઓવરબ્રીજ અટકાયો, વેપારીઓને પાયમાલ થતા બચાવો, ધંધા રોજગાર બચાવોનો સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી આવેદન આપ્યુ

  • ઓવરબ્રીજ વિરોધની લડતમા અમે વેપારીઓની સાથે પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર ગંજ બજાર રેલ્વે ઓવરબ્રીજની કામગીરીમા બંન્ને બાજુનો સર્વીસ રોડ ફાટક સુધીજ રહે છે. ફાટકે સર્વિસ રોડ બંધ થઈ જશે તે જાણીનેજ આ વિસ્તારના વેપારીઓને ધંધો રોજગાર પડી ભાગશે તેવો ભય સતાવી રહ્યો છે. ઓવરબ્રીજના વિરોધમાં વેપારીઓએ મિટીંગ કરી ઉગ્ર લડત આપવાનો નિર્ણય કરાયો હતો. મિટીંગના બીજાજ દિવસે રેલી કાઢી પાલિકા પ્રમુખને આવેદન પત્ર આપી ચિમકી આપી હતી કે ઓવરબ્રીજની કામગીરી રોકવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
વિસનગર ગંજ બજાર ઓવરબ્રીજના કારણે આ વિસ્તારના વેપારીઓના ધંધા ઉપર માઠી અસર થવાની આશંકા સાથે ઓવરબ્રીજના નિર્માણ સામે વેપારીઓમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ૭૪૨ મીટરના ઓવરબ્રીજની આસપાસ ૩.૫૦ મીટરનો સર્વિસ રોડ બનાવવામાં આવશે. પરંતુ મોટા તેમજ નાના વાહનો બ્રીજ ઉપરથી ઉતરી વળાંક લઈ શકશે નહી. તેમજ ઓવરબ્રીજ અને સર્વિસ રોડના કારણે અનેક સમસ્યાઓ ઉભી થશે. તેવુ વેપારીઓનું માનવુ છે. બેન્ને બાજુનો સર્વિસ રોડ ફાટકે બંધ થઈ જશે તેવુ જાણી વેપારીઓમા ભય છે કે ઓવરબ્રીજની નિચેથી એક બાજુથી બીજી બાજુ આવવાની વ્યવસ્થા રાખવામાં નહી આવે તો બ્રીજની આસપાસના વિસ્તારના વેપારીઓના ધંધા પડી ભાગશે. ઓવરબ્રીજ નિર્માણના વિરોધમા તા. ૨૭-૨-૨૦૨૦ના રોજ સાંજે ૪-૦૦ કલાકે દગાલા મોદી સમાજની વાડીમાં વેપારીઓની મિટીંગ મળી હતી. જેમા ડા.મિહીરભાઈ જોષી કોપરસીટી એસોના પ્રમુખ પરેશભાઈ પટેલ, ગંજબજારના વેપારીઓ મંડળના પ્રમુખ કરશનભાઈ પટેલ, પાલિકા સભ્ય પરેશભાઈ પટેલ, પાલિકાના પુર્વ સભ્ય નારાયણભાઈ પ્રગતી, બાબુભાઈ ચૌધરી જયહિન્દ સ્ટીલ, કિરીટભાઈ પટેલ લાટીવાળા, વિક્રમભાઈ પટેલ આર.ટી.આઈ.એક્ટીવીસ્ટ વિગેરે આગેવાનો તથા વેપારીઓએ હાજરી આપી હતી. મિટીંગમા વેપારીઓને એકજ સુર જોવા મળ્યો હતો કે ઓવરબ્રીજની જરૂરીયાત નથી અને બનાવવામાં આવી રહ્યો છે. ઓવરબ્રીજ બનશે તો આસપાસના વિસ્તારની દુકાનોના ધંધા પડી ભાગશે. ગંજબજારના વેપાર ઉપર અસર થશે અને પેઢીઓની કિંમત હાલ છે તેના કરતા અડધી થઈ જશે. ઓવરબ્રીજની હવે કોઈપણ કામગીરી થશે તો વેપારીઓ એકઠા થઈ કામગીરી અટકાવવાનું પણ જણાવ્યુ હતું. વેપારીઓની માંગણી હતી કે ફાટક બંન્ને બાજુથી પહોળો કરી વચ્ચે ડીવાઈડર લગાવવામાં આવે તો ટ્રાફીકની કોઈ સમસ્યા રહે નહી.
મિટીંગમા નિર્ણય કરાયા પ્રમાણે બીજા દિવસે તા. ૨૮-૨-૨૦૨૦ને શુક્રવારના રોજ ઓવરબ્રીજ નિર્માણના વિરોધમા વેપારીઓએ રેલી કાઢી હતી. ગત ઓગષ્ટ-૨૦૧૯માં ઓવરબ્રીજ બનાવવા માટે પાલિકામાં ફરતો ઠરાવ કરવામાં આવ્યો હોવાથી ઓવરબ્રીજ નિર્માણ વિરોધમા પાલિકા પ્રમુખને આવેદન પત્ર આપવા રેલીે કાઢી હતી. ગંજબજાર મેઈન ગેટથી જી.ડી.રોડ, રેલ્વે સર્કલ, ગૌરવ પથ, ગોવિંદ ચકલા ચાર રસ્તા, માયા બજાર થઈ વેપારીઓ રેલી સ્વરૂપે પાલિકા કાર્યાલયે પહોચ્યા હતા. રસ્તામા ઓવરબ્રીજ અટકાવો, ધંધા રોજગાર બચાવો, ઓવરબ્રીજ અટકાવો, વેપારીઓ પાયમાલ થતા બચાવો ના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતી. ઓવરબ્રીજથી કેમ તકલીફો પડી શકે તેની વિગતો સાથેનું વેપારીઓએ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીને આવેદન પત્ર આપ્યુ હતું. વેપારીઓએ ચીમકી આપી હતી કે ઓવરબ્રીજ બનશે તો વેપારીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે. આવેદનપત્ર આપવા આવેલ વેપારીઓને પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ જણાવ્યુ હતું કે વેપારીઓની રજુઆતોને અને લાગણી શહેરી વિકાસ સુધી પહોચાડવામાં આવશે. અમે વેપારીઓની લડતની સાથે છીએ. પુરેપુરી મદદ કરીશું.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us