તંત્રી સ્થાનેથી…બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની કાળજી લેવી એ આપણા સૌની ફરજ
તંત્રી સ્થાનેથી…
કારકિર્દિના ઘડતર માટે મહત્વની
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની કાળજી લેવી એ આપણા સૌની ફરજ
માર્ચ-એપ્રીલ અને મે પરીક્ષાના મહિનાઓ છે. આ ત્રણ માસમાં વિદ્યાર્થીઓની કારકિર્દિનુ ઘડતર કરતી બોર્ડની અને કોલેજના લાસ્ટ ઈયરની પરીક્ષાઓ લેવાતી હોય છે. અત્યારે ૫ માર્ચથી ધો.૧૦ અને ધો.૧૨ ની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ બે થી ત્રણ વિષયની પરીક્ષા આપી ચુક્યા છે. શહેરમાં એકપણ મહોલ્લો, સોસાયટી કે તાલુકાનુ એકપણ ગામ એવુ નહી હોય કે જ્યાં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થી ન હોય. બોર્ડની પરીક્ષા એ વિદ્યાર્થીઓની કારકિર્દિના ઘડતર માટેની મહત્વની પરીક્ષા છે. આ પરીક્ષાની ટકાવારીના આધારે એડમીશન મળતા હોય છે. જીવનમાં અતી મહત્વની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે એક સારૂ વાતાવરણ પુરૂ પાડવુ એ સમાજમાં આપણા સૌની ફરજ થઈ પડે છે. અત્યારે હોળાષ્ટક હોવાથી લગ્નપ્રસંગ કે અન્ય સારા પ્રસંગો બંધ હોવાથી રાત્રે માઈકના કે સ્પીકરના મોટા અવાજ સાંભળવા મળતા નથી. રાત્રીનુ વાતાવરણ શાંત જોવા મળે છે. હોળી ધુળેટી બાદ તુર્તજ પ્રસંગો અને મોટા અવાજે સ્પીકરો શરૂ થઈ જશે. મરણ પ્રસંગ હશે તો રાત્રે ઘર આગળ સ્પીકર સાથે ભજન મંડળીઓ શરૂ થશે. કેટલાક લોકોને ઘરમાં સવારે સ્પીકરના અવાજે આરતી કરવાની અને દિવસ દરમ્યાન ફીલ્મી ગીતો સાંભળવાની આદત હોય છે. ત્યારે લગ્નપ્રસંગે, મરણપ્રસંગે કે શોખ ખાતર સ્પીકર વગાડતા લોકોને એ ન ભૂલવુ જોઈએ કે, અત્યારે આ બોર્ડની પરીક્ષાનો માહોલ છે. રાત્રે ૧૦-૩૦ કલાક પછી મોટા અવાજે સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ છે. ત્યારે કાયદાનુ પાલન કરાવતી પોલીસને જ્યાં સુધી મોટા અવાજે સ્પીકર વાગતા બંધ કરાવવાની ફરિયાદ ન મળે ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરતી નથી. વિદ્યાર્થીઓ આખુ વર્ષ સ્કુલ તથા ટ્યુશનમાં અભ્યાસ કરતા હોય છે. તેમ છતાં પરીક્ષામાં દરેક વિષયના પેપરનો આગળનો દિવસ અને રાત ખુબજ મહત્વની હોય છે. આખુ વર્ષ અભ્યાસ કરવા છતા જેતે વિષયની પરીક્ષાના આગળના દિવસે રિવિઝન કરવુ દરેક વિદ્યાર્થી માટે મહત્વનુ હોય છે. સ્પીકરના ઘોંઘાટમાં કે અવાજના અન્ય પ્રદુષણમાં વિદ્યાર્થી રિવિઝન ન કરી શકે તો આખુ વર્ષ અભ્યાસ કરવા છતાં છેલ્લા ટાઈમે ટેન્શનમાં આવી જતા હોય છે. ટેન્શનમાં આવેલો વિદ્યાર્થી કોન્ફીડન્સ ગુમાવે છે અને પરીક્ષા બગડે છે. બોર્ડની પરીક્ષા બાદ એપ્રીલ અને મે માસમાં કોલેજની પરીક્ષાઓ શરૂ થશે. ફાગણ બાદ ચૈત્ર મહિનામાં રમેણ, જાતર જેવા કાર્યક્રમો મોટા સ્પીકરના અવાજ સાથે થતા હોય છે. ત્યારે પરીક્ષાના આ મહિનાઓમાં વિદ્યાર્થીઓ માટે શાંત વાતાવરણ પુરૂ પાડવુ એ આપણા સૌની ફરજ થઈ પડે છે.