પાણી વગરના નેતાઓ સામે પાણી વિહોણા ખેડૂતો માટે વરેઠામાં ર૦ ગામના આગેવાનોનું સંમેલન મળ્યુ
પાણી વગરના નેતાઓ સામે પાણી વિહોણા ખેડૂતો માટે
વરેઠામાં ર૦ ગામના આગેવાનોનું સંમેલન મળ્યુ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ અને સતલાસણા તાલુકાના ર૦ ઉપરાંત ગામના ખેડુત આગેવાનોનું સંમેલન સરકાર પાસે ખેડુતોના પ્રશ્ને રજુઆતો કરવા મળ્યુ હતુ. સંમેલનની જાહેરાત થઈ ત્યારે માત્ર ૧પ૦થી ર૦૦ આગેવાનો આવશે તેવુ લાગતુ હતુ. પરંતુ સંમેલનમાં સમયસર હાજર રહેનારા જ ૧પ૦થી ર૦૦ લોકો હતા પાછળથી આવનારા આગેવાનોની સંખ્યા ૩પ૦થી ૪૦૦ સુધી પહોંચી ગઈ હતી.
ભારતીય કિસાન સંઘ મહેસાણા, ખેરાલુ અને પ્રદેશ ભારતીય કિસાન સંઘ ગાંધીનગરના નેજા હેઠળ ખેરાલુ-સતલાસણા તાલુકાના ખેડુતો પશુપાલકો તેમજ ખેતી આધારીત ધંધા રોજગાર કરનાર તથા મજુર વર્ગના રોજબરોજના પ્રશ્નો રોજગારી-ખેતીવાડી-પશુપાલન,સિંચાઈપાણીના નિરાકરણ માટે મોટી સંખ્યામા ખેડુત આગેવાનો હાજર રહ્યા હતા. જેમા ર૦ ઉપરાંત ગામોના આગેવાનો હાજર રહ્યા હતા. જેમા ખેરાલુ, અરઠી, હીરવાણી, લુણવા, વિઠોડા, મંડાલી, ચાણસોલ, ડાલીસણા, જોરાપુરા, વરેઠા, જસપુર, ખીલોડ, ભીમપુર, રીંછડા, ઉંમરી, રાણપુર, નવા ભાટવાસ, નિજામપુર, ડાવોલ, ડભાડ (હનુમાન નગર), ગામોના આગેવાનો હાજર રહ્યા હતા.
ખેરાલુ-સતલાસણા તાલુકાના ખેડુતો સરકાર સામે આકરા પાણીએ
સંમેલનમાં થયેલી ચર્ચા જોઈએ તો ખેરાલુ-સતલાસણા વિસ્તારનો સિંચાઈના પાણીનો પ્રશ્ન છેક ૧૯૯પ પહેલાથી એટલે કે આશરે રપ વર્ષ ઉપરાંતનો છે. અહી રેતાળ જમીન તેમજ ભુગર્ભમાં ૧પ૦ થી ર૦૦ ફુટ નીચે પત્થર આવતો હોવાથી બોરકુવા ફેઈલ થઈ ગયા છે. ખેરાલુ-સતલાસણા પંથકમાં સિંચાઈના પાણી માટે ઉત્તર પૂર્વના વિસ્તારમાં કોઈ સગવડો નથી. આ વિસ્તારોની જીવાદોરી સમાન ભીમપુરાના વરસંગ તળાવમાં ધરોઈ-નર્મદા ડેમ આધારીત પાણી નાંખી આજુબાજુના ગામ, તળાવો, ચેકડેમો ભરવામાં આવે તો જ ખેતીવાડી માટે પાણીનો પ્રશ્ન હલ થાય તેમ છે. ખેરાલુ-સતલાસણા તાલુકામાં પશુપાલન અને ખેતી સીવાય બીજો કોઈ ધંધા-ઉદ્યોગ નથી. ગ્રામ્ય જીવન જીવતા લોકો માટેનો એકમાત્ર આધાર પશુપાલન અને ખેતી છે. સિંચાઈ માટે પાણીની કાયમી જરૂરીયાત છે. છેલ્લા રપ વર્ષથી સતત રજુઆતો પછી હવે નામદાર સરકારે ભીમપુરના વરસંગ તળાવને ભરવા પાઈપ લાઈન નાંખી છે. જેમા રપ-૧ર-ર૦૧૯ના રોજ પાણી નાંખવાની શરૂઆત કરી પાણી બંધ કર્યુ હતુ. ફરીથી રપ-૧-ર૦થી પાણી નંખાતા સર્વેનં-૬૮ માં પાઈપલાઈનના છેડાથી ભીમપુર તળાવ સુધી આવેલ ખેડુતોના ખેતરોનું ધોવાણ થવાથી પાણી બંધ કર્યુ હતુ. જે પાણી હજુ સુધી ચાલુ કર્યુ નથી.
ભારતીય કિસાન સંઘ દ્વારા મંત્રીશ્રી ગુજરાત રાજ્ય તેમજ સિંચાઈ વિભાગ જેવી અનેક સરકારી કચેરીઓમાં રજુઆતો કરી છે. પરંતુ ભીમપુર તળાવ ભરવા કે આજુબાજુના તળાવો ભરવા કોઈ કાર્યવાહી કરી નથી. યુધ્ધના ધોરણે ભીમપુર તળાવ ભરવા માંગણી કરાઈ હતી. ધરોઈનું પાણી માર્ચમાં આપવાનું બંધ કરાશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે. ત્યારે હાલ પાણી શરૂ નહી થાય તો આખુ વર્ષ પાણીની રાહ જોતા પસાર કરવું પડશે. ખેડુતોને પાણી વગર હીજરત કરવી પડે તેવી પરિસ્થિતીમાં સરકાર યુધ્ધના ધોરણે કાર્યવાહી કરે તેવી માંગણી કરાઈ હતી. આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ કિસાન સંઘના કોષાધ્યક્ષ પટેલ, પટેલ રમણભાઈ, મહેસાણા જિલ્લા પ્રભારી ગાંભુભાઈ એમ.પટેલ, જિલ્લા મંત્રી છનાજી ઠાકોર, જિલ્લા કોષાધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ, જિલ્લા સલાહકાર કાનજીભાઈ ચૌધરી, જિલ્લા જળ વિભાગના કારોબારી સભ્ય તથા ખેરાલુ તાલુકા ઉપપ્રમુખ દલજીભાઈ ચૌધરી, તાલુકા પ્રમુખ સવજીભાઈ ચૌધરી(પી.આઈ), તથા તાલુકા મંત્રી સવજીભાઈ ચૌધરી (એડવોકેટ) સહિત વરેઠા સરપંચ તેમજ ર૦ ગામોના આગેવાનો હાજર રહ્યા હતા. અને છેલ્લે ખેરાલુ-સતલાસણા તાલુકાના ખેડુતો વરેઠામાં સરકાર વિરૂધ્ધ આંદોલન કરવાના છે તેવુ સમજી ખેરાલુ અને સતલાસણા તાલુકાની પોલીસ પણ હાજર રહી હતી પરંતુ કાર્યક્રમ સરકાર પાસે ખેડુતોના પ્રશ્ને રજુઆતોનો હોવાથી પોલીસને પણ હાશકારો થયો હતો.