Select Page

વિસનગર પ્રા.શાળા નં.૩ના ૩૫૦ બાળકોના આરોગ્ય સામે ખતરો

વિસનગર પ્રા.શાળા નં.૩ના ૩૫૦ બાળકોના આરોગ્ય સામે ખતરો

પાલિકાતંત્રની નિષ્કાળજીથી થતી ગંદકીના લીધે

વિસનગર પ્રા.શાળા નં.૩ના ૩૫૦ બાળકોના આરોગ્ય સામે ખતરો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર નગરપાલિકાના સત્તાધિશોની નિષ્કાળજી અને વ્લાલા દવાલાની નિતિના લીધે શહેરના આથમણાવાસ નજીક આવેલ પ્રાથમિક શાળા નં.૩ની આજુબાજુમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. ગંદકીના કારણે ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધતા શાળાના ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. ત્યારે પાલિકા પ્રમુખ અને પાલિકા સ્વચ્છતા કમિટીના ચેરમેન આ શાળાનું કોઈ બાળક કે શિક્ષક ગંભીર બિમારીમાં સપડાય તે પહેલા ગંદકી દુર કરાવશે ખરા?
વિસનગર નગરપાલિકાના પ્રમુખ ગોવિંદભાઈ પટેલ (ગાંધી) અને સ્વચ્છતા ચેરમેન દમયંતીબેન પટેલની નિષ્કાળજીના લીધે શહેરમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. જેમાં શહેરના આથમણા વાસની નજીક આવેલ પ્રાથમિક શાળા નં.૩ની આજુ બાજુમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલુ છે. આ શાળામાં અત્યારે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોના આશરે ૩૫૦ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શાળાના બાળકોનું આરોગ્ય નિરોગી રહે તે માટે સરકાર દ્વારા બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે. પરંતુ પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી અને સ્વચ્છતા કમિટીના ચેરમેન દમયંતીબેન પટેલની નિષ્કાળજીના લીધે આ શાળા પાસે ગંદકી ફેલાતા ધો.૧ થી ૮નાબાળકો અને ૧૩ જેટલા શિક્ષકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. શાળાનું કોઈ નાનુ બાળક કોરોના જેવી ગંભીર બિમારીમાં સપડાશે તો તેની જવાબદારી કોની? અત્યારે તો શાળાની પાછળના ભાગે ગટરના પાણીની દુર્ગંધથી શાળાના શિક્ષકો અને બાળકોને શાળામાં રહેવુ નર્ક સમાન બની ગયુ છે. ઉનાળાની ગરમીમાં તો શિક્ષકો અને બાળકોને નાક ફાટી જાય તેવી ભારે દુર્ગંધનો સામનો કરવો પડે છે. જોકે શાળાના આચાર્યએ ઉનાળાની ગરમીમાં કોઈ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરી ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી અને સ્વચ્છતા કમિટીના ચેરમેન દમયંતીબેન પટેલને આમંત્રીત કરવા જોઈએ અને બે થી ત્રણ કલાક શાળામાં બેસાડી રાખે તો તેમને આ ગંદકીની દુર્ગંધનો અહેસાસ થાય. અને આવી દુર્ગંધમાં બાળકો અને શિક્ષકો શાળામાં કેવી રીતે બેસતા હશે તેની ખબર પડે. અત્યારે તો સરકારની ૯૦ લાખની ગ્રાન્ટમાંથી બનાવેલ શાળાના અદ્યતન મકાનમાં શાળાના ૩૫૦ જેટલા બાળકો અને શિક્ષકોના આરોગ્યને ધ્યાને રાખીને પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી અને સ્વચ્છતા કમિટીના ચેરમેન દમયંતીબેન પટેલે શાળાની આજુ બાજુમાં ફેલાતી ગંદકી દુર કરાવવા તાત્કાલિક પગલા ભરવા જોઈએ. હાથમાં ઝાડુ પકડીને ફોટા પડાવી શહેરમાં સ્વચ્છતા બાબતે લોકોને જાગૃત કરતા પહેલા પાલિકા પ્રમુખ અને સ્વચ્છતા કમિટીના ચેરમેન પહેલા સ્વચ્છતા બાબતે પોતે જાગૃત થાય.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us