Select Page

વિસનગરના અરજદારે મામલતદાર કચેરીના કર્મચારીઓને ફરજનું ભાન કરાવ્યુ

વિસનગરના અરજદારે મામલતદાર કચેરીના કર્મચારીઓને ફરજનું ભાન કરાવ્યુ

મહેસાણા કલેક્ટરશ્રીને સાદર અર્પણ : જમીન એકત્રિકરણ માટે એક વર્ષથી ધક્કા ખાતા

વિસનગરના અરજદારે મામલતદાર કચેરીના કર્મચારીઓને ફરજનું ભાન કરાવ્યુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાના એક કોર્પોરેટર તાલુકાના કમાણા ગામની સીમમાં આવેલ પોતાની ખેતીની જમીન એકત્રિકરણ કરવા માટે ૧૩ મહિના પહેલા જરૂરી પુરાવા સાથે મામલતદાર કચેરીમાં અરજી આપી હતી. પરંતુ મામલતદાર કચેરીના જવાબદાર કર્મચારીની ભ્રષ્ટ નિતિના લીધે જમીન એકત્રિકરણની કોઈ કામગીરી નહી થતા કંટાળેલા અરજદારે ગુરુવારે મામલતદાર કચેરીમાં હોબાળો કર્યો હતો. ત્યારે મામલતદારે જવાબદાર કર્મચારીઓને ભેગા કરી જમીન એકત્રિકરણની પાકી નાેંધ તાત્કાલીક પાડવાનો હુકમ કરતા મામલો થાળે પડયો હતો.
એક બાજુ ભાજપ સરકાર સરકારી કચેરીઓમાં થતો ભ્રષ્ટાચાર દુર કરવાની વાતો કરે છે. ત્યારે બીજી બાજુ સરકારી કચેરીઓમાં લેતી દેતીના વ્યવહાર વગર અરજદારોના કામો થતા નથી. જેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલ ખાતામાં થતો હોવાનું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક જાહેર સભામાં નિવેદન આપ્યુ હતુ. જો કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આ નિવેદન વિસનગર મામલતદાર કચેરીના કેટલાક ભ્રષ્ટાચારી કર્મચારીઓ સાચુ સાબિત કરી રહ્યા છે. વિસનગર મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્ર, મહેસુલ વિભાગ, સર્કલ ઓફીસ તથા રેવન્યુ તલાટી પાસે લેતીદેતીના વ્યવહાર વગર અરજદારોના કામ થતા ન હોવાનું ચર્ચાય છે. વિસનગર પાલિકાના કોર્પોરેટર રાજેન્દ્રકુમાાર કાન્તિલાલ પટેલ (ગાંધી)એ તેમની માતા કપિલાબેન પટેલના નામે ચાલતી તાલુકાના કમાણા ગામની સીમમાં આવેલ સી.ટી.સર્વેનં. ૧૬૮ તથા ૧૬૯ પૈકી /૧ વાળી ખેતીની જમીનનું એકત્રિકરણ કરવા માટે જરૂરી પુરાવા સાથે તા.ર૦-ર-ર૦૧૯ના રોજ મામલતદાર કચેરીમાં અરજી આપી હતી. અરજદારે જમીન એકત્રિકરણ માટેની તમામ દસ્તાવેજી પ્રક્રિયા પુરી કરી હતી. મામતલદાર કચેરીના તત્કાલિન મામલતદાર એ.એન. સોલંકીએ આ જમીન એકત્રિકરણની નોંધ પાડવા તા.૧૮-૩-ર૦૧૯ ના રોજ ઈ-ધરા નાયબ મામલતદારને હુકમ કર્યો હતો. છતા ઈ-ધરા નાયબ મામલતદારે આ હુકમના આધારે નોંધ પાડી ન હતી. અને અરજદાર જમીનની નોંધ પડાવવા છેલ્લા ઘણા સમયથી કચેરીના ધક્કા ખાતા હતા. આ અરજદાર ઈ-ધરા નાયબ મામલતદાર પ્રતિકભાઈ ઓઝા, રેવન્યુ તલાટી આશાબેન ચૌધરી, જમીન ટેબલના કર્મચારી ભગાજી ઠાકોર તથા સર્કલ ઓફિસર (ગ્રામ્ય) ના સી.બી.પ્રજાપતિને જમીન એકત્રીકરણની પ્રક્રિયા ઝડપી પુર્ણ કરવા વારંવાર રજુઆત કરતા હતા. ત્યારે ઈ.ધરા નાયબ મામલતદારે તત્કાલિન મામલતદારના તા.૧૮-૩-ર૦૧૯ના હુકમના આધારે તા.ર૯-૧-ર૦ર૦ના રોજ એકત્રિકરણ માટે કાચી નોંધ પાડી હતી. અને આજ દિવસે ૧૩પ (ડી)ની નોટીસ કાઢી તેની બજાવણી પણ કરાવી હતી. છતાં આ જમીનની પાકી નોંધ નહી પડતા અરજદારના કોર્પોરેટર પુત્ર રાજેન્દ્રભાઈ પટેલ (ગાંધી) એ ગત સોમવારે મામલતદાર કચેરીમાં હોબાળો કર્યો હતો. ત્યારે અરજદારને લાગ્યુ કે મારી પાસે પૈસા લેવા માટે કર્મચારીઓ ધક્કા ખવડાવી રહ્યા છે. પણ અરજદાર એકપણ કર્મચારીને પૈસા આપવા માગતા નહતા. જેથી અરજદારે મામલતદાર કચેરીમાં હોબાળો કરી કચેરીના સંકુલમાં ઉપવાસ ઉપર બેસવાની ચિમકી આપી હતી. જો કે પહેલા તો જવાબદાર કર્મચારીઓ તમારા કાગળો આડા અવળા મુકાઈ ગયા હોવાનું અરજદાર સામે રટણ કરતા હતા. પરંતુ અરજદારની ઉપવાસ ઉપર ઉતરવાની ચિમકીથી કચેરીમાંથી કાગળો મળી ગયા હતા અને અગાઉના મામલતદારના હુકમના આધારે ઈ-ધરા કેન્દ્રમાંથી જમીન એકત્રિકરણ કરવાની પાકી નોંધ પાડવાના કાગળો રેવન્યુ તલાટી આશાબેન ચૌધરી અને સર્કલ ઓફીસર (ગ્રામ્ય) ના સી.બી.પ્રજાપતિ પાસે રોકેટ ગતિએ પહોચી ગયા હતા. અને સર્કલ ઓફિસરે ૩૦ દિવસ પછી પાકી નોંધ પાડવાની વાત કરતા અરજદારે મામલતદારને રજુઆત કરી હતી. અરજદારે મામલતદાર સમક્ષ ઈ.ધરા નાયબ મામલતદાર સર્કલ ઓફીસર અને રેવન્યુ તલાટીની શંકાસ્પદ કામગીરી બાબતે આક્ષેપો કર્યા હતા. અરજદારની રજુઆત સાંભળી મામલતદાર બી.જી. પરમારે તાત્કાલિક જવાબદાર કર્મચારીઓનો ઉઘડો લઈ જમીન એકત્રિકરણની પાકી નોંધ તાત્કાલીક પાડવા સર્કલ ઓફીસરને હુકમ કર્યો હતો. જો કે વિસનગર તાલુકા સેવા સદનમાં આવા કેટલાય અરજદારો પોતાનું કામ કરાવવા કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. કચેરીમા કેટલાક ભ્રષ્ટાચારી કર્મચારીઓના લીધે વચેટીયા રાજ ચાલી રહ્યુ હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ તાલુકામાં વિકાસ કામોની સાથે તાલુકા સેવાસદનમાં ધક્કા ખાતા અરજદારોને પણ ન્યાય અપાવવા પ્રયત્નો કરે તે જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us