આરોગ્ય વિભાગ દ્વારા નવા બીલ્ડીંગનો પ્રથમ માળ બનાવવા રૂા.૩ કરોડ ગ્રાન્ટ ફળવાતી નથી વિસનગર સિવિલ તંત્ર ક્વાટરમાં આઈસોલેશન રૂમ બનાવવા મજબૂર
આરોગ્ય વિભાગ દ્વારા નવા બીલ્ડીંગનો પ્રથમ માળ બનાવવા રૂા.૩ કરોડ ગ્રાન્ટ ફળવાતી નથી
વિસનગર સિવિલ તંત્ર ક્વાટરમાં આઈસોલેશન રૂમ બનાવવા મજબૂર
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
એક બાજુ સરકાર દ્વારા જાહેર આરોગ્ય સેવાઓ વધારવાની ડંફાશો મારવામાં આવે છે. ત્યારે બીજી બાજુ ગમે તે કારણોસર વિસનગર સિવિલ હોસ્પિટલનો વિકાસ આગળ ન વધે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. કોરોના વાયરસના રોગમાં દરેક મોટી હોસ્પિટલમાં આઈશોલેશન વોર્ડ બનાવવાની સરકારે સુચના આપતા વિસનગર સિવિલમાં જગ્યાના અભાવે ગંદકીથી ફેલાયેલા જર્જરીત સ્ટાફ ક્વાટર્સમાં આઈશોલેશન રૂમ બનાવવાની ફરજ પડી છે. હજ્જારો દર્દિઓ જ્યાં સારવાર લઈ રહ્યા છે તે હોસ્પિટલમાં નવા બીલ્ડીંગનો પ્રથમ માળ બનાવવા રૂા.૩ કરોડની ગ્રાન્ટ કેમ ફાળવવામાં આવતી નથી તે એક પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.
કોરોના વાયરસની ઝડપી સારવાર મળી રહે તે માટે દરેક જીલ્લા અને તાલુકા લેવલની સરકારી હોસ્પિટલમાં આઈશોલેશન વોર્ડ બનાવવા માટે સરકાર દ્વારા સુચના આપવામાં આવી છે. આ સુચના આધારે વિસનગર સિવિલ હોસ્પિટલના બીલ્ડીંગમાં આઈશોલેશન રૂમ બનાવવાની કોઈ જગ્યા ન હોવાથી જર્જરીત બનેલા સ્ટાફ ક્વાટર્સમાં આઈશોલેશન રૂમ બનાવવાની ફરજ પડી છે. સ્ટાફ ક્વાટર્સ છેલ્લા ઘણા સમયથી બીન ઉપયોગી પડી રહ્યુ હતુ, જર્જરીત બની ગયુ છે. આસપાસ ગંદકી છે. જ્યાં વર્ષોથી કોઈ સ્ટાફનો કર્મચારી રહી શકતો નથી ત્યાં હાલ આઈશોલેશન રૂમ બનાવવામાં આવ્યો છે. આઈશોલેશન રૂમની ગાઈડલાઈન પ્રમાણે એસી જરૂરી છે. વેન્ટીલેશન જરૂરી છે. આઈશોલેશન રૂમ કેવો બનાવવો તેની ઘણી સુચનાઓ છે, પરંતુ વિસનગર સિવિલમાં બનાવેલ આઈશોલેશન રૂમની હાલત જોતા એ જરૂર કહી શકાય કે આ આઈશોલેશન રૂમ કોરોના વાયરસના દર્દિ માટે નહી પરંતુ સામાન્ય રોગના દર્દિને દાખલ કરવા માટે પણ યોગ્ય નથી.
આવા રોગચાળાના સમયેજ આરોગ્યની સુવિધાઓ વગર કેવી મુશ્કેલીઓ પડે છે તેની સાચી ખબર પડતી હોય છે. જે દિર્ઘદ્રષ્ટીને ધ્યાનમાં રાખીનેજ વિકાસ કરવામાં આવે છે. ત્યારે વિસનગર સિવિલ હોસ્પિટલના વિકાસમાંં કયા કારણે દિર્ઘદ્રષ્ટી કેળવાતી નથી તે એક પ્રશ્ન છે. સિવિલ હોસ્પિટલના નવા બીલ્ડીંગ ઉપર પ્રથમ માળ બનાવવા ત્રણ વખત દરખાસ્ત કરવામાં આવી છે. નવા બીલ્ડીંગનો પ્રથમ માળ બનાવવામાં આવે તો ડેન્ટલ વિભાગ, વહીવટી વિભાગ તથા અન્ય વિભાગો શરૂ કરી શકાય તેમ છે. નવા બીલ્ડીંગનો પ્રથમ માળ બનાવવા રોગી કલ્યાણ સમિતિ દ્વારા પણ રજુઆત કરવામાં આવી છે. પરંતુ ગમે તે કારણોસર સરકાર દ્વારા રૂા.૩ કરોડ ફાળવવામાં આવતા નથી. નવાઈની બાબત છેકે સી.એમ.ટી.સી. બીલ્ડીંગનુ રિનોવેશન અને એ.એન.એમ. નર્સિંગ સ્કુલનો ઉપરનો માળ બાધવાની કામગીરી પણ થતી નથી. કોરોના વાયરસ વધારે ફેલાયતો આરોગ્ય તંત્રની નિષ્કાળજીના કારણે વિસનગર સિવિલમાં સારવાર મળવી અશક્ય છે.