Select Page

વિસનગર કોરોના વાયરસથી અભડાતુ રહી ગયુ – શંકાસ્પદ ત્રણ કેસમાં નેગેટીવ રીપોર્ટ લોકડાઉન મુક્તીમાં સોશિયલ ડીસ્ટન્સીંગમાં ઉદાસીનતા ભયાનક રહેશે

વિસનગર કોરોના વાયરસથી અભડાતુ રહી ગયુ – શંકાસ્પદ ત્રણ કેસમાં નેગેટીવ રીપોર્ટ લોકડાઉન મુક્તીમાં સોશિયલ ડીસ્ટન્સીંગમાં ઉદાસીનતા ભયાનક રહેશે

વિસનગર કોરોના વાયરસથી અભડાતુ રહી ગયુ – શંકાસ્પદ ત્રણ કેસમાં નેગેટીવ રીપોર્ટ
લોકડાઉન મુક્તીમાં સોશિયલ ડીસ્ટન્સીંગમાં ઉદાસીનતા ભયાનક રહેશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના સંક્રમણ અટકાવવા ભીડભાડવાળી જગ્યાએ જવાનુ ટાળવુ જોઈએ તેવુ વગાડી વગાડીને કહેવામાં આવતુ હોવા છતાં વિસનગરમાં લોકડાઉન મુક્તી દરમ્યાન લોકો દ્વારા કાળજી લેવામાં આવતી નથી. માર્કેટયાર્ડ અને દરબાર રોડ શાકભાજી માર્કેટમાં થતી ભીડ ભયાનક સાબીત થાય તેમ છે. શહેર કોરોના વાયરસથી અભડાતુ રહી ગયુ છે. ત્રણ શંકાસ્પદ કેસમાં નેગેટીવ રીપોર્ટ આવ્યો છે. ત્યારે સાવચેતી રાખવામાં નહી આવે તો ધ્યાન નહી રાખનારનો આખો પરિવાર કોરોના ચેપગ્રસ્ત બની શકે તેમ છે.
• ત્રીજા સ્ટેજમાં ભીડભાડવાળી જગ્યામાં કોરોના સંક્રમિતના સંપર્કમાં આવી જશો તો આખો પરિવાર કોરોના ચેપગ્રસ્ત બનશે
• દરબાર રોડ શાકભાજીનુ સ્ટેન્ડ હટાવી ઉભા રોડ ઉપર દુર દુર લારીઓ ઉભી રાખવામાં આવે તે જરૂરી
લોકડાઉનમાં સવારે શાકભાજી, કરિયાણુ, દુધ જેવી જીવન જરૂરીયાતની ચીજવસ્તુ ખરીદી કરવા મુક્તી આપવામાં આવી છે. આ સમયે જરૂરીયાત ન હોય તે લોકો પણ આટો મારવા બહાર નીકળે છે. વિસનગરમાં લોકડાઉન મુક્તી દરમ્યાન માર્કેટયાર્ડમાં અને દરબાર રોડ ઉપર ખરીદી કરવા લોકો ઉમટી પડે છે અને ખોટી ભીડ કરી બેસે છે. કોરોના વાયરસ સંક્રમણમાં ભારતમાં ત્રીજા સ્ટેજની શરૂઆત થઈ ચુકી છે. આવી સ્થિતિમાં ભીડભાડવાળી જગ્યામાં કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિના ભુલથી પણ સંપર્કમાં આવી જશો તો આખો પરિવાર ચેપગ્રસ્ત બની શકે છે. મેડિકલ સ્ટોર્સ આગળ સોશિયલ ડીસ્ટન્સીંગનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. પરંતુ માર્કેટયાર્ડમાં અને દરબાર રોડ શાકભાજી સ્ટેન્ડમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિનુ અંતર જાળવવામાં ધ્યાન રાખવામાં આવતુ નથી. પાલિકા અને પોલીસે અત્યાર સુધી ત્રણ થી ચાર વખત દરબાર રોડ શાકભાજીની લારીઓ હટાવી ભીડ ઓછી કરવા પ્રયત્ન કર્યો છે. ત્યારે ગૌરવપથ રોડ ઉપર કે મેઈન બજારમાં ૧૦ થી ૧૫ ફૂટ અંતર એક સાઈડે લાઈનસર શાકભાજીની લારીઓ ઉભી રાખવામાં આવે તે કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા હિતાવહ છે.
વિસનગર કોરોના વાયરસથી અભડાતા રહી ગયુ છે. પરંતુ લોકો ખરીદી સમયે કાળજી નહી રાખે તો કોરોના વાયરસનુ સંક્રમણ થતુ કોઈ રોકી શકશે નહી. શરદી, તાવ અને ઉધરસ સાથે કોરોનાના લક્ષણો ધરાવતા અત્યાર સુધી ત્રણ દર્દિઓ સિવિલમાં સારવાર માટે આવતા નૂતન હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેના તા.૧-૪ ના રોજ બે દર્દિઓને રાત્રે ૧૨-૦૦ વાગે દાખલ કરાયા હતા. જેમના સેમ્પલ લઈ નૂતન હોસ્પિટલની ટીમે રાત્રે ૨-૦૦ કલાકે રીપોર્ટ માટે અમદાવાદ બી.જે.મેડિકલમાં મોકલ્યા હતા. જે બન્નેનો રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આ અગાઉ પણ કોરોના શંકાસ્પદ દર્દિને દાખલ કરાયો હતો. જેનો પણ રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. જેમને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. બહારનો કોઈ વ્યક્તિ વિસનગરમાં ન પ્રવેશે તે માટે પોલીસે શહેરમાં પ્રવેશતા તમામ રસ્તા લોકડાઉન કર્યા છે. ગત સોમવારે રાત્રે એક વ્યક્તિ કાર લઈને અમદાવાદથી આવતા કડા રોડ ઉપર રોકવામાં આવ્યો હતો. જેને વિસનગરમાં પ્રવેશ નહી આપી બહાર રહેવા ફરજ પાડી હતી. બીજા દિવસે સવારે અમદાવાદ રવાના કરાયો હતો.
વિસનગરમાં કોરોના ચેપ ન ફેલાય તે માટે પોલીસ લોકડાઉનનો કડક અમલ કરાવી રહી છે. ત્યારે કોરોનાની ગંભીરતા નહી સમજનાર લોકો ટોળે વળી વાતો કરી રહ્યા છે. જેઓ ઘરમાં રહે તે માટે પોલીસને ડ્રોનનો ઉપયોગ કરવો પડે અને ફરજ પાડવી પડે તે શિક્ષિત સમાજ માટે શરમજનક છે. કોરોના ચેપ ફેલાતો રોકવા સરકાર અને પ્રશાસન તમામ પ્રયત્નો કરી રહ્યુ છે. ત્યારે કોરોના સંક્રમણની ચેન આગળ વધતા અટકાવવા માટે લોકોએ ફરજીયાત ઘરમાં રહો અને સુરક્ષીત રહોના સુત્રનો કડક અમલ કરવાનો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us