તંત્રી સ્થાનેથી…જરૂરીયાતમંદ લાચાર સુધી અનાજ કીટ પહોચે તે જોવાની જવાબદારી સંસ્થાના સંચાલકોની
તંત્રી સ્થાનેથી…
ભૂખ્યા રહી ગયા – ધરાયેલા લઈ ગયા
જરૂરીયાતમંદ લાચાર સુધી અનાજ કીટ પહોચે તે જોવાની જવાબદારી સંસ્થાના સંચાલકોની
કોરોના વાયરસની મહામારીનુ સંક્રમણ રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનતા કર્ફ્યુ બાદ ૨૧ દિવસનુ લોકડાઉન જાહેર કરતા કડકપણે તેનો અમલ થઈ રહ્યો છે. લોકડાઉનમાં અત્યારે વધારેમાં વધારે કોઈ સહન કરી રહ્યુ હોય તો તે છે શ્રમજીવી વર્ગના લોકો. રોજ કમાઈને રોજ પેટ ભરતા લોકોની હાલત અત્યારે કફોડી બની છે. અત્યારે આ વર્ગને ભૂખ્યા રહેવુ પડે તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે. કોરોના મહામારીની સાથે શ્રમજીવી વર્ગ ભુખમરીનો ભોગ ન બને તે માટે સરકાર, પ્રશાસન, સમાજ, સંસ્થાઓ, મિત્રમંડળો વિગેરે અન્નદાન મહાદાનના ધ્યેયથી સમાજ સેવાનુ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. વિસનગરમાં એક બાજુ માર્કેટયાર્ડ તથા સહયોગી સંસ્થાઓ દ્વારા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગૃપ, તો બીજી બાજુ એસ.કે.યુનિવર્સિટી તથા સહયોગી સંસ્થાઓ દ્વારા પ્રકાશભાઈ પટેલ ગૃપ દ્વારા ત્રણ ચાર સભ્યોના પરિવારનુ એક માસ પેટ ભરાય તેટલી અનાજની કીટ આપવામાં આવી રહી છે. શ્રમજીવી વર્ગ ભુખમરીનો ભોગ ન બને, આવા પરિવારને રાત્રે ભુખ્યા ન સૂવુ પડે તે માટે સંસ્થાના આ સંચાલકો તથા સહયોગી આગેવાનો દરેક જગ્યાએ પરિસ્થિતિ જોઈ કીટ વિતરણ કરે તે શક્ય નથી. જેથી સાથેના કાર્યકરો દ્વારાજ કીટ વિતરણ કરવી પડે. ત્યારે આ કાર્યકરો દ્વારા સુપાત્રને દાન થયુ છેકે કુપાત્રને દાન થયુ છે તે જોવાની જવાબદારી સંસ્થાના સંચાલકોની છે. વિસનગરમાં અનાજ કીટ વિતરણ કરાઈ તેમાં કેટલાકે આગામી પાલિકાની ચુંટણીને અનુલક્ષી પોતાના મતદારોને કીટ આપી છે. ગરીબ વસાહતોના મતદારોના કીટ આપી તે યોગ્ય છે. પરંતુ જ્યાં લોકો મધ્યમ વર્ગના સુખી છે, ટી.વી., ફ્રીજ, એસી છે, પાકા મકાનો છે, મહોલ્લામાં એક પણ કાચુ મકાન નથી તેવા રહેણાક વિસ્તારમાં કીટ વિતરણ કરાઈ છે. જ્યારે કોઈના પૈસે દાન કરવાની જવાબદારી નિભાવવાની હોય ત્યારે તેનો સદ્ ઉપયોગ થાય તે જોવાની જવાબદારી વિશેષ થઈ પડે છે. શહેરની બહારના ભાગમાં નેળીયાઓની આસપાસ, ખેતરોમાં એવા અસંખ્ય કાચા મકાનો છેકે જ્યાં સહાય પહોચી નથી. ભૂખ્યા માટે તૈયાર કરાયેલી કીટ ધરાયેલાને આપનાર કાર્યકરોએ પોતાની નિતિમત્તા ગુમાવી છે. જ્યારે જરૂરીયાત નથી અને ગરીબ મજુરીયાત વર્ગ માટે તૈયાર કરાયેલ અનાજ કીટ જેમણે લીધી છે તે કુદરતના દોષી બન્યા છે. આ એક પ્રકારની અન્ન ચોરીજ કહેવાય. આપણા શાસ્ત્રોમાં કહ્યુ છેકે, અન્ન ચોરીનુ પાપ મોટુ છે. અન્ન ચોરીથી દરિદ્રતામાં વધારો થાય છે. કુદરતના દોષી ન બનવું હોય તો હજુ પણ સમય છે. કીટ ખોલી ન હોય તો કીટ જરૂરીયાતમંદને પહોચતી કરો. કીટ ખોલી ઉપયોગ કર્યો હોય તો તેટલુ અનાજ લાવી કીટ બનાવી ભુખ્યાને પહોચતી કરી પાપમાંથી દોષ મુક્ત બનો. સંસ્થાઓના સંચાલકો સરાહનીય સમાજ સેવા અને મહેનત કરી રહ્યા છે. ત્યારે આવા સમયે ચુંટણી લક્ષી અનાજ કીટ ન વહેચાય અને જરૂરીયાતમંદોને કીટ પહોચે તે જોવાની વિશેષ જવાબદારી છે.