તંત્રી સ્થાનેથી…લોકડાઉનનો અમલ કરજો નહીતો આખો પરિવાર કોરોના સંક્રમણનો ભોગ બનશે
તંત્રી સ્થાનેથી…
નાના શહેર અને ગામડાઓમાં લોકલ ટ્રાન્સમિશનનો ખતરો
લોકડાઉનનો અમલ કરજો નહીતો આખો પરિવાર કોરોના સંક્રમણનો ભોગ બનશે
વિસનગર શહેર કે તાલુકામાં તંત્રની તકેદારીના કારણે હજુ સુધી કોરોના વાયરસનો એકપણ કેસ નોધાયો નથી. લોકડાઉનના ૨૦ દિવસ થવા છતા તેનો કડક અમલ નહી થતા, મોટા શહેરોમાંથી નાના શહેરો અને ગામડાઓમાંં લોકો આવતા લોકલ ટ્રાન્સમિશનના કેસ કુદકે ને ભુસકે વધી રહ્યા છે. કોરોના વાયરસ પોઝીટીવ કેસોનો સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસનુ એપી સેન્ટર અમદાવાદથી વિસનગર તરફ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. લોકલ ટ્રાન્સમિશનનો વધારો થયો છે. ત્યારે હવે લોકોએ લોકડાઉનનો કડક અમલ કરવો પડશે. અત્યાર સુધી લોકોએ લોકડાઉનને હળવાશથી લીધુ છે. પરંતુ હવે જો લોકો કોરોના વાયરસના સંક્રમણ બાબતે જાગૃત નહી થાય તો આ ચેપ વિસનગરનો ભરડો લેતા વાર નહી લગાડે. વિસનગરમાં કોરોનાનો કેસ નહી હોવાથી તંત્ર હળવાશથી લોકડાઉનનો અમલ કરી રહ્યુ છે. સિધ્ધપુર શહેર અને તાલુકાના નેદ્રા ગામમાં કોરોના પોઝીટીવ કેસ મળતા કર્ફ્યુ જેવો અમલ કરાયો છે. રાજસ્થાનના ભીલવાડામાં કોરોના કેસ મળતા લોકોને ઘરમાંથી બહાર નીકળવા મળતુ નથી. વિજાપુરની વાત કરીએ તો આનંદપુર રોડ ઉપર રાધે બંગ્લોઝમાં કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિએ મુલાકાત લેતા આખી સોસાયટી ક્વોરન્ટાઈન કરાઈ છે. સોસાયટીમાંથી કોઈને બહાર નીકળવા મળતુ નથી. અમદાવાદમાં તથા અન્ય મોટા શહેરોમાં જે વિસ્તાર કે પોળમાંથી કોરોના પોઝીટીવ કેસ નોધાયા છે તે આખો વિસ્તાર હોટસ્પોટ જાહેર કરી કલસ્ટર લોકડાઉન કરાયુ છે. વિસનગરમાં લોકો શાકભાજી કે કરિયાણુ લેવા જતી વખતે સોશિયલ ડીસ્ટન્સ જાળવતા નથી. ત્યારે કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત બનશે અને સોસાયટી કે મહોલ્લામાંથી કોરોના ચેપનો કેસ મળી આવશે તો તે આખો વિસ્તાર સીલ કરવામાં આવશે. કોઈને બહાર નીકળવાની તક મળશે નહી. લોકડાઉનની મુક્તીમાં રોજેરોજ દુધ, શાકભાજી, કરિયાણુ, દવાઓ લેવાના બહાને બહાર ફરવાની મજા મહત્વની છેકે પરિવાર મહત્વનો છે તે વિચારજો. અત્યારે તકેદારી રાખશો તો કોરોના સંક્રમણથી બચી શકશો. બાકી જો કોરોનાનો ચેપ લાગ્યો તો સારવારમાં સાજા થશો તો ઘરે પરત આવી શકશો. બાકી સારવારથી માંડી મૃત્યુ સુધી પરિવારને મોઢુ પણ જોવા નહી મળે તે ગંભીરતા સમજજો. પ્રશાસન અને પોલીસ બધે પહોચી વળવાની નથી. લોકડાઉનનો સ્વયંભૂ લોકો અમલ કરે તે જરૂરી છે. ઘરમાં રહો સુરક્ષીત રહો.