ધારાસભ્ય ઋષિભાઈ પટેલની કોરોના સંક્રમણ અટકાવવા નોંધપાત્ર કામગીરી માર્કેટયાર્ડમાં શાકભાજી વિભાગમાં સેનેટાઈઝર ચેમ્બર બનાવ્યુ
ધારાસભ્ય ઋષિભાઈ પટેલની કોરોના સંક્રમણ અટકાવવા નોંધપાત્ર કામગીરી
માર્કેટયાર્ડમાં શાકભાજી વિભાગમાં સેનેટાઈઝર ચેમ્બર બનાવ્યુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર માર્કેટયાર્ડમાં શાકભાજી માર્કેટ અને કરિયાણાની દુકાનોમાં ભારે ભીડ રહે છે. ત્યારે કોરોના સંક્રમણ થતુ અટકાવવા ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી નોંધપાત્ર કામગીરી કરાઈ છે. શાકમાર્કેટ વિભાગમાં સેનેટાઈઝ ચેમ્બર ઉભુ કરાયુ છે. માર્કેટયાર્ડમાં ભીડ થતી અટકાવવા બાઈક સ્કુટર જેવા વાહનો ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
કોરોના લોકડાઉનમાં વિસનગર માર્કેટયાર્ડ અત્યારે કરિયાણા અને શાકભાજીનુ પીઠુ બની ગયુ છે. જીવન જરૂરીયાતની વસ્તુઓ કાયમ મળી રહે તેવી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં લોકો ખોટી ખરીદી કરી સંગ્રહ કરી રહ્યા છે. કેટલાક લોકોનો સવારે કામ વગર માર્કેટયાર્ડમાં આટો મારવા આવે છે. જેના કારણે માર્કેટયાર્ડમાં રોજ સવારે મોટી સંખ્યામાં ભીડ રહે છે. કોરોના ચેપનુ લોકલ ટ્રાન્સમીશન વધ્યુ છે. ત્યારે હવે ભીડભાડવાળી જગ્યામાં વધુ તકેદારી રાખવી જરૂરી છે. માર્કેટયાર્ડમાં શાકભાજીનુ હૉલસેલ માર્કેટ બંધ કરી શકાય તેમ નથી. આ માર્કેટ બંધ કરવામાં આવે તો શાકભાજીનો પુરવઠો અટકી પડે તેમ છે. ત્યારે વધુ અવરજવર ધરાવતા આ માર્કેટમાં કોરોના સંક્રમણ થાય નહી તે માટે માર્કેટયાર્ડના ચેરમેન તેમજ ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી સેનેટાઈઝ ચેમ્બર બનાવવામાં આવી છે. શાકમાર્કેટમાં આવનાર તમામને આ ચેમ્બરમાંથી પસાર થવાનુ રહેશે. જ્યાં ચેમ્બરમાંથી પસાર થનાર વ્યક્તિ ઉપર દવાનો છંટકાવ થશે અને સેનેટાઈઝ કરવામાં આવશે.
માર્કેટયાર્ડમાં ખોટી ભીડ થતી અટકે તે માટે ધારાસભ્યની ઉપસ્થિતિમાં માર્કેટયાર્ડમાં ડીરેક્ટરો, તથા વેપારીઓની મીટીંગ મળી હતી. જેમાં માર્કેટયાર્ડમાં ટ્રાફીક ઓછો થાય અને સોશિયલ ડીસ્ટન્સ જળવાઈ રહે તે માટેના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે મીટીંગમાં ટુ વ્હીલર તથા પ્રાઈવેટ ફોર વ્હીલરના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફક્ત મુખ્ય ગેટથીજ અવરજવર ચાલુ રહેશે. કરિયાણા, તેલ, ગોળ ખોળવાળા માલ ઉતારવા આવતા મોટા સાધનો સવારે ૭-૦૦ થી ૧૨-૦૦ સુધી પ્રવેશ પ્રતિબંધ કરવામાં આવ્યો છે. માલ ઉતારવા આવતા વાહનોને પાસ સીવાય પ્રવેશ આપવામાં આવશે નહી. શનિ અને રવિવારે સમગ્ર કરિયાણા બજાર સંપુર્ણ બંધ રહેશે. જે નિર્ણયોમાં સાથ સહકાર આપવા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી હતી.